ભારતમાં સામાન્ય રીતે જોવા જોઈએ તો વાયુ પ્રદૂષણ માટે હમેશાં જ દેશનું પાટનગર દિલ્હી ચર્ચામાં રહે છે. પરંતુ આ વખતે જે ડેટા સામે આવ્યો છે તે ખૂબ જ ચોંકાવનારો છે અને આ નવા ડેટા અનુસાર એશિયાના ટોપ 10 સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાં દિલ્હીનો સમાવેશ નથી થતો. વિશ્વ એર પોલ્યુશન એકયુઆઈ (Air Pollution AQI Level) દ્વારા સોમવારે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર આ યાદીમાં ચીનના 5, મંગોલિયાનું એક અને ભારતના ચાર શહેરોનો સમાવેશ થાય છે.
નવા આંકડા મુજબ ગુજરાતની રાજધાની ગાંધીનગર આ યાદીમાં એકદમ ટોપ પર છે. વાયુ ગુણવત્તા સૂચકાંક (AQI) 723 સાથે પ્રદૂષણનું સૌથી વધુ ખતરનાક સ્તર ગાંધીનગરમાં જોવા મળ્યું હતું. આ રિપોર્ટમાં ગાંધીનગર બાદ પાન બજાર, ગુવાહાટી (665), ખિંડીપાડા- ભાંડુપ પશ્ચિમ મુંબઈ (471) અને ભોપાલ ચાર રસ્તા, દેવાસ (315)નો સમાવેશ થાય છે.
રિપોર્ટમાં એવું પણ કહેવાઈ રહ્યું છે કે આ શિયાળામાં દિલ્હી-એનસીઆરમાં હવા, પહેલાં કરતા વધુ ચોખ્ખી જોવા મળી હતી અને 2018 બાદ આ વખતે સૌથી સ્વચ્છ હવા જોવા મળી હતી. યુએસ-ઈપીએ 2016 માપદંડ દ્વારા પરિભાષિત ઈન્ડેક્સ સ્કેલ મુજબ 0 અને 50 વચ્ચે AQI ને સારો, 51-100 મધ્યમ, 101-150 સંવેદનશીલ સમૂહો માટે બિનઆરોગ્યપ્રદ, 151-200 અસ્વસ્થ, 201-300 ખુબ અસ્વસ્થ અને 300+ ‘ખતરનાક’ માનવામાં આવે છે.
સેન્ટર ફોર સાયન્સ એન્ડ એનવાયરમેન્ટ (CSE) દ્વારા વાયુ પ્રદૂષણના સ્તરના પોતાના નવા વિશ્લેષણમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે 2018માં મોટા પાયે દરકાર લેવામાં આવ્યા બાદથી આ શિયાળામાં દિલ્હી-એનસીઆર વિસ્તારમાં સૌથી સ્વચ્છ હવા જોવા મળી છે. CSEના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2007માં શરૂ થયેલા વિશ્વ વાયુ ગુણવત્તા સૂચકાંક પરિયોજનાનો હેતુ નાગરિકોમાં વાયુ પ્રદૂષણ અંગે જાગૃતતાને લાવવાનો અને એકીકૃત તથા વિશ્વવ્યાપી વાયુ ગુણવત્તાની જાણકારી પ્રદાન કરવાનો છે. ઓક્ટોબર-જાન્યુઆરીના સમયગાળા દરમિયાન દિલ્હીમાં 160 માઈક્રોગ્રામ પ્રતિ ક્યૂબિક મીટર જોવા મળી હતી, જે 2018-19માં વ્યાપક સ્તરે નિગરાણી શરૂ થયા બાદથી સૌથી ઓછા સ્તરે નોંધાઈ છે. તેમાં એવું પણ કહેવાયું છે કે શહેરમાં સ્થિત 36 સતત પરિવેશી વાયુ ગુણવત્તા નિગરાણી સ્ટેશનો (CAAQMS)થી સરેરાશ નિગરાણી ડેટા દ્વારા ગણતરી કરાયેલ PM 2.5 સ્તર 2018-19ના શિયાળાની મૌસમી સરેરાશની સરખામણીમાં 17 ટકા ઓછું હતું. સૌથી જૂના 10 સ્ટેશનોના સબસેટના આધાર પર લગભગ 20 ટકાનો સુધારો થયો છે. એમ પણ કહેવાયું છે કે ગંભીર કે અતિગંભીર વાયુ ગુણવત્તાવાળા દિવસોની સંખ્યા છેલ્લા પાંચ વર્ષોમાં સૌથી ઓછી હતી. રિપોર્ટમાં કહેવાયું છે કે આ શિયાળામાં લગભગ 10 દિવસમાં શહેરનું સરેરાશ ‘ગંભીર’ કે ખરાબ શ્રેણીમાં હતું, જે ગયા શિયાળામાં 24 દિવસ અને 2018-19 ના શિયાળામાં 33 દિવસની સરખામણીમાં ખુબ ઓછું હતું.