Homeદેશ વિદેશભારત સહિત એશિયન બજારોમાં સોનામાં ઊંચા મથાળેથી માગનો વસવસો, ક્રિપ્ટો કરન્સીનાં રોકાણો...

ભારત સહિત એશિયન બજારોમાં સોનામાં ઊંચા મથાળેથી માગનો વસવસો, ક્રિપ્ટો કરન્સીનાં રોકાણો સોના તરફ વળ્યાની શક્યતા

કોમોડિટી – રમેશ ગોહિલ

સપ્તાહના અંતે અમેરિકાના જોબ ડેટા મજબૂત આવતાં વૈશ્ર્વિક સોનાના ભાવ બે ટકા જેટલા ઊછળ્યા

અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં આક્રમક ધોરણે વધારો કરે તેવી શક્યતા અને ડૉલર ઈન્ડેક્સની નરમાઈ સાથે વૈશ્ર્વિક બુલિયન માર્કેટમાં વીતેલા સપ્તાહના મધ્ય સુધી સોનામાં ધીમી ગતિએ સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું. જોકે, સપ્તાહના અંતે શુક્રવારે અમેરિકાનાં જાહેર થયેલા નોન ફાર્મ પેરોલ ડેટા બજારની અપેક્ષા કરતાં સારા આવ્યા હોવાથી ફેડરલ રિઝર્વ તેની આગામી નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં વધારાની ગતિ મંદ પાડે તેવી શક્યતા સપાટી પર આવતાં ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર સોનાના ભાવમાં ૧.૯ ટકા જેટલો ઉછળો આવ્યો હતો. વધુમાં એકંદરે વર્ષ દરમિયાન બિટકોઈન જેવી ક્રિપ્ટો કરન્સીમાં ગાબડાં પડ્યા હોવાથી થોડાઘણાં અંશે રોકાણકારોએ તેનું રોકાણ ડૉલર અને સોના જેવી કીંમતી ધાતુઓ તરફ વિકેન્દ્રીત કર્યું હોવાથી વૈશ્ર્વિક સોનામાં મોટો ઘટાડો અટક્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જોકે, સ્થાનિક સોના-ચાંદી બજારમાં વીતેલા સપ્તાહે વૈશ્ર્વિક સુધારાતરફી વલણ તેમ જ સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સતત નબળો પડ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતરોમાં વધારો થવાને કારણે ભાવની તેજીને ટેકો મળ્યો હતો અને સપ્તાહ દરમિયાન એક તબક્કે ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૬,૦૦૦ની સપાટી પણ કુદાવીને વર્ષ ૨૦૨૦ પછીની સૌૈથી ઊંચી સપાટી સુધી ગયા હતા.
ઈન્ડિયા બુલિયન જ્વેલર્સ્ર એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર ગત સપ્તાહના આરંભે હાજરમાં ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ૧૦ ગ્રામદીઠ ભાવ આગલા સપ્તાહના અંત અથવા તો ગત ૩૦ ડિસેમ્બરનાં રૂ. ૫૪,૮૬૭ના બંધ સામે તેજી સાથે રૂ. ૫૫,૧૧૩ની સપાટીએ ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન ખૂલતી જ રૂ. ૫૫,૧૧૩ની નીચી સપાટી જળવાઈ રહી હતી, જ્યારે ઉપરમાં વધીને રૂ. ૫૬,૧૪૨ની સપાટી સ્પર્શીને અંતે રૂ. ૫૫,૫૮૭ના મથાળે બંધ રહ્યા હતા. આમ સાપ્તાહિક ધોરણે ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૭૨૦ અથવા તો ૧.૩૧ ટકાનો ઉછાળો આવ્યો હતો. જોકે, એકંદરે ભાવ રૂ. ૫૫,૦૦૦ની મનોવૈજ્ઞાનિક સપાટીની ઉપર જ પ્રવર્તી રહ્યા હોવાને કારણે જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની લેવાલી અટકી ગઈ હતી. તેમ જ સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નફારૂપી વેચવાલીનું દબાણ વધવાની સાથે નવી લેવાલી પણ સીમિત રહી હોવાનું સૂત્રોએ જણાવતાં ઉમેર્યું હતું કે ભાવમાં તેજીનું વલણ રહેતાં સ્થાનિકમાં ડીલરો સોનાના ભાવ વૈશ્ર્વિક ભાવની સરખામણીમાં ઔંસદીઠ ૩૨ ડૉલર ડિસ્કાઉન્ટમાં ઓફર કરી રહ્યા હતા. નોંધનીય બાબત એ છે કે આ પૂર્વેના સપ્તાહે ડીલરો ઔંસદીઠ ૨૬ ડૉલર આસપાસનાં ડિસ્કાઉન્ટમાં ભાવ ઓફર કરી રહ્યા હતા.
વધુમાં સોનાના વૈશ્ર્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીન ખાતે પણ ગત સપ્તાહ દરમિયાન સોનામાં ઊંચા મથાળેથી માગ સાધારણ ખપપૂરતી રહી હતી. તેમ જ ડીલરો સોનાના ભાવ જે આગલા સપ્તાહે વૈશ્ર્વિક ભાવની સરખામણીમાં ઔંસદીઠ ૧૨ આસપાસના પ્રીમિયમમાં ઓફર કરી રહ્યા હતા તેની સામે ગત સપ્તાહે ઔંસદીઠ ૮થી ૧૪ ડૉલર પ્રીમિયમમાં ઑફર કરી રહ્યા હતા. જોકે, આગામી ૨૨થી પાંચમી ફેબ્રુઆરી દરમિયાન ચીન ખાતે થનારી નવાં વર્ષની ઉજવળી પૂર્વે સોનામાં માગ ખૂલવાનો આશાવાદ બજાર વર્તુળો વ્યક્ત કરી રહ્યા છે.
ગત નવેમ્બર મહિનાથી અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં ઘટાડાના વલણ સાથે વૈશ્ર્વિક સોનામાં સુધારાતરફી વલણની શરૂઆત થઈ હતી. તેમ જ અમેરિકા ખાતે ફેડરલ રિઝર્વનાં વ્યાજદરમાં વધારા પશ્ર્ચાત્ પણ ખાસ કરીને રોજગારી ક્ષેત્ર સહિત આર્થિક વૃદ્ધિમાં સુધારાતરફી વલણ જળવાઈ રહેવાની સાથે ફુગાવો પણ ઘટી રહ્યો હોવાથી અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં આક્રમક વલણ નહીં અપનાવે એવી શક્યતા સપાટી પર આવતા સોનામાં સુધારાને ટેકો મળી રહ્યો હતો. જોકે, ગત ડિસેમ્બર મહિનાની છેલ્લી નીતિવિષયક બેઠકની જાહેર થયેલી મિનિટ્સમાં ફેડરલ રિઝર્વે ફુગાવો અંકુશમાં રાખવા માટે કડક નાણાનીતિનું વલણ જાળવી રાખવાના અણસાર આપતાં સોનાના ભાવ સાધારણ દબાણ હેઠળ આવ્યા હતા, પરંતુ ત્યાર બાદ ક્રૂડતેલના ભાવમાં વધારાને કારણે ફુગાવો વધવાની અને ચીનમાં વધી રહેલા કોવિડ-૧૯ પ્રસારને કારણે વૈશ્ર્વિક આર્થિક વૃદ્ધિ પર માઠી અસર પડવાની ચિંતા સપાટી પર રહેતાં સોનાના ભાવમાં સુધારાતરફી વલણ જળવાઈ રહ્યું હોવાનું એસએમસી ઈન્વેસ્ટમેન્ટ્સ ઍન્ડ ઍડ્વાઈઝર્સના વિશ્ર્લેષકે જણાવતાં ઉમેર્યું હતું કે નાણાકીય વર્ષ ૨૦૨૩માં પણ સોનામાં રોકાણકારોની માગનો ટેકો જળવાઈ રહેવાની શક્યતા છે. તેમ છતાં અમેરિકી ટ્રેઝરીની યિલ્ડની વધઘટની સોનાના ભાવ પર અસર જોવા મળશે. તેમ જ સ્થાનિકમાં સોનાના ભાવમાં વૈશ્ર્વિક ભાવ ઉપરાંત સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયાની વધઘટ પર અવલંબિત રહેશે. તેમ છતાં વર્તમાન સપ્તાહે સ્થાનિકમાં સોનાના ઓનલાઈન વાયદામાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૩,૬૦૦થી ૫૬,૦૦૦ની રેન્જમાં રહે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી હતી.
દરમિયાન ગત સપ્તાહના અંતે શુક્રવારે અમેરિકાનાં શ્રમ મંત્રાલયે જાહેર કરેલા ડિસેમ્બર મહિનાના પેરોલ ડેટામાં રોજગારોની સંખ્યામાં ૨,૨૩,૦૦૦નો ઉમેરો થયો હોવાનું જણાવ્યું હતું. જોકે, બજાર વર્તુળો રોજગારોની સંખ્યામાં બે લાખનો ઉમેરો થવાની ધારણા મૂકી રહ્યા હતા. આમ રોજગારીના ડેટા બજારની અપેક્ષા કરતાં સારા આવવાની સાથે ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારાની ગતિ ધીમી પાડે તેવા આશાવાદ સાથે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર હાજરમાં સોનાના ઔંસદીઠ ભાવ આગલા બંધથી ૧.૯ ટકા ઉછળીને ૧૮૬૭.૧૮ ડૉલર આસપાસ અને વાયદામાં ભાવ ૧.૬ ટકા ઉછળીને ૧૮૬૯.૭૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ સોનાના હાજર ભાવમાં સાપ્તાહિક ધોરણે ૨.૪ ટકાનો વધારો નોંધાયો હોવાનું સૂત્રોએ
જણાવ્યું હતું. ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -