ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું રણશિંગૂ ફૂંકાઈ ગયું છે ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પ્રજાના મત મેળવવાની તનતોડ મહેનત કરી રહી છે ત્યારે હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી પણ AIMIM પણ ચૂંટણીના મેદાનમાં ઉતરી છે.
ઓવૈસીએ આ અંગે જણાવ્યું હતું કે, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ હવે પીએમ નરેન્દ્ર મોદીના પગલે ચાલી રહ્યા હોવાનું દેખાઈ રહ્યું છે. તેઓ હિંદુત્વનું રાજકારણ કરી રહ્યા છે. તેઓ કોમન સિવિલ કોડ અને બિલકીસ બાનોના મુદ્દાને ઉઠાવતા નથી. છેલ્લાં 27 વર્ષોમાં ગુજરાતના લોકોનું ખૂબ જ નુકસાન થયું છે. ગુજરાતમાં કોંગ્રેસના વિધાનસભ્યો ભાગી જાય છે. કોંગ્રેસ વિપક્ષના રૂપમાં ફેલ થઈ ગઈ છે. રાજ્યને નવા લીડરની જરૂર છે. કોંગ્રેસની વિશ્વસનીયતા ખતમ થઈ ચૂકી છે. કોંગ્રેસના વિધાનસભ્યો જીતે છે, પરંતુ તેઓ બાદમાં ભાજપમાં સામેલ થઈ જાય છે. હું સંવિધાનના સેક્યુલારિઝમને માનું છું. રાજકારણમાં તેનો ખોટી રીતે ઉપયોગ થઈ રહ્યો છે. લઘુમતિ સમાજના લોકો વોટ લેવા માટે સેક્યુલર શબ્દનો ઉપયોગ કરે છે, પરંતુ તે બાદ તેના વિશે બોલવું પણ જરૂરી સમજતા નથી.