કચ્છી ચોવક – કિશોર વ્યાસ
ચોર પણ એક મનુષ્ય જ હોય છે પણ ચોર એટલે ચોર! તમે જોયું હશે કે ચોર હંમેશાં પકડાઈ જ જતા હોય છે. તેનું કારણ છે, તેની માનસિકતા! એક ચોવક છે કે, ‘ચોર જે મન મેં બાવરિયો વસે’ ચોવકમાં જે ‘બાવરિયો’ શબ્દ આવે છે, એ જ ચોરની માનસિકતા છે! ‘બાવરિયા’નો અર્થ અહીં આપણે ‘ભય’ કરીશું. પકડાઈ જવાનો ‘ડર’ તેના મનમાં કાયમ રહેતો હોય છે. તેની ‘મનોસ્થિતિ’ ભયભીત હોય છે.
અર્થ હજુ અટકતો નથી. જેના મનમાં સ્વાર્થ રમી રહ્યો હોય, જે કંઈક ખોટું કામ કરવાનું મનમાં ઘૂંટી રહ્યો હોય તો પણ ‘ચોર જે મન મેં બાવરિયો વસે’ એ ચોવક લાગુ પડે છે. આમ તો ‘બાવરિયો’ એટલે કાંટાળો બાવળ! અર્થાત્ કાંટાળા બાવળની સૂળ તેને કાયમ ડંખતી રહેતી હોય છે.
કચ્છી ચોવકોના અર્થની વ્યાપકા વિશેષ હોય છે. જેમ અર્થઘટન વિચારતા જઈએ તેમ આનંદ અને આશ્ર્ચર્યની સીમાઓ વિસ્તરતી જાય છે! ‘ચોર’ શબ્દના પ્રયોગ વાળી ઘણી ચોવકો કચ્છીમાં છે. મજાની વાત તો એ છેકે, એ ચોવકોમાં ‘ચોર’ શબ્દના મૂળ અર્થ સાથે તેને જરા પણ સંબંધ નથી હોતો. આવો, માણીએ એવી કેટલીક ચોવકો.
‘ચોર કમજો, ચટો કમજો, ‘ગાલાવેલો ન કમજો’ શબ્દાર્થ સરળ છે, ભાવાર્થ ગહન છે. શબ્દાર્થ છે: ચોર કામનો ખટ સવાદિયો પણ કામનો, પણ ગાલાવેલો માણસ નકામો! ‘ચટો’ એટલે અહીં ‘ખટ સવાદિયો’ એવો અર્થ અભિપ્રેત છે. ટૂંકમાં ભાવાર્થ જોઈએ તો, આ ચોવક વચન પાલનનું માન અને મહત્ત્વ બતાવવા જ પ્રયોજાતી હોય છે. બીજી ચોવક છે: ‘ચોર કે ચોર ય ભલો’ મતલબ કે સમકક્ષ કે સમાન મોભા પ્રમાણેની વ્યક્તિ!
આ ચોવકથી તો સહુ પરિચિત હશે જ કારણ કે એ ગુજરાતીમાં પણ પ્રયોજાતી હોય છે. ચોવક છે: ‘ચોર કે ચોંધા ચોરઈ કજ, નેં ધણી કે ચોંધા જાગધો સુમજ. ‘ચાંધા’નો અર્થ થાય છે: કહેશે. ‘કજ’ એટલે કરજે, ‘જાગ દો’ એટલે જાગતો, ‘સુમજ’નો અર્થ છે સૂજે! આટલી લાંબી ચોવકનો ભાવાર્થ બે જ શબ્દોમાં જોવા મળે છે, અને તે એટલે ‘બેવડી નીતિ’. ચોરને કહેશેની ચોરી કર અને જ્યાં ચોરી કરવાની છે તે ઘરના માલિકને કહેશે કે, જાગતો રહેજે! જોયું ને? છે ક્યાંય ચોર કે ચોરીના અર્થ સાથે સંબંધ?
એમ કહેવાય છે કે, અજવાળી રાતે ચોર કયારેય ચોરી કરવા ન નીકળે! એ સાચું જ હશે એટલે તો ચોવક બની: ‘ચોર અંધર જો વેર’! ખરેખર તો આ ચોવક પોતાના દોષ કે અવગુણ જ્યારે છત્તા થઈ જાય ત્યારે વપરાતી હોય છે. પકડાઈ ન જાય ત્યાં સુધી ચોરને ક્યારેય નુકસાન નથી થતું. કારણ કે એનો ધંધો એવો નથી કે કંઈ રોકાણ કર્યં હોય તો ગુમાવવું પડે! વધુમાં વધુ તેનો ફેરો ફોગટ જાય! એ તો થનારા નફામાં ખોટ ગઈ ગણાય! ચોવક એવી બની કે, ‘ચોર જી નિખોધ ન વિંઝે’ શબ્દાર્થ: ચોરનું નખોદ ન જાય. પરંતુ મૂળ અર્થ છે કે, જ્યારે માણસના અવગુણ સમાજમાં ખુલ્લા પડી જાય ત્યારે વળી એક ચોવક એમ કહે છે કે, ‘ચોર જો ધણી કેર થિયે?’ એવી વ્યક્તિથી તો બધા દૂર જ રહે!
એક અદ્ભૂત ચોવક ‘ચોર’ શબ્દના પ્રયોગ સાથે વણી લેવાઈ છે: ‘ચોર જો નીયા સે મૂંજો નીયા’ અહીં ‘નીયા’ એટલે ન્યાય. કોઈએ આપેલા નિર્ણય મંજૂર રાખવામાં આવે ત્યારે પણ ‘ચોર’ શબ્દને આવડું મહત્ત્વ આપવામાં આવ્યું છે. ગુજરાતીમાં કહી શકાય ‘તમે કહો તે કબુલ’ કચ્છીમાં પણ એક બીજી ચોવક છે: ‘સાંધો ચે સે ગભણી’ અહીં ‘સાંધો’ શબ્દનો અર્થ ગોવાળ યથાર્થ છે અને ‘ગભણી’ અટલે ગર્ભવતી! ગાય – બકરી કે ભેંસ ગાભણી છે કે નહીં એ ગોવાળ જ કહી શકે! એનો ન્યાય સાચો!