કવર સ્ટોરી -રાજેશ યાજ્ઞિક
વો ઝૂઠ બોલ રહા થા બડે સલીકે સે,
મૈં ઐતબાર ન કરતા તો ક્યા કરતા?
વસીમ બરેલવીના આ શેરમાં જે વાત કહી છે તે આપણે આપણી આસપાસ જોઈ શકીએ છીએ. લોકો એટલી સરળતાથી અને એટલી નિયમિતતાથી જૂઠું બોલતા હોય છે કે આપણે વિચારવા મજબૂર થઇ જઈએ કે આપણે શ્ર્વાસ લેવા જેટલી સરળતાથી જૂઠું કેમ બોલીએ છીએ? આજના કાળમાં કોઈ વ્યક્તિ જો એમ કહે કે હું ક્યારેય જૂઠું નથી બોલતો, તો એનાથી મોટું જૂઠ બીજું કોઈ નહીં હોય! કોઈ સાચું બોલવાના ભલેને ગમે તેટલા દાવા કરે, પણ રોજ એકાદ-બે જૂઠ તો બોલતા જ હોય છે. એવું નથી કે બોલાતું દરેક જુઠ્ઠાણું કોઈને નુકસાન પહોંચાડવા અથવા બદઈરાદાથી બોલાયું હોય. તેમ છતાં જૂઠ તો આખરે જૂઠ છે. શું છે આ સત્ય-અસત્યનું મનોવિજ્ઞાન?
સવાલ એ છે કે દિવસના એક-બે જુઠ્ઠાણાં બોલ્યા વિના કેમ ચાલતું નથી? ઘણાને તો એવી આદત પડી હોય છે કે જ્યાં સરળતાથી સાચું બોલી શકાય તેવું હોય ત્યાં પણ આદત મુજબ જૂઠું બોલે. લગભગ બે દાયકા પહેલા કેલિફોર્નિયા યુનિવર્સિટીના સામાજિક મનોવિજ્ઞાનના પ્રોફેસર બેલા ડે પોલોએ તેને અલગ રીતે સમજાવ્યું અને તેનું દસ્તાવેજીકરણ પણ કર્યું.
પોલો અને તેમના સાથીઓએ ૧૪૭ વયસ્કોને લખવા કહ્યું કે એક અઠવાડિયામાં તેઓ કેટલી વાર કોઈ પાસે ખોટું બોલ્યા. આ અભ્યાસમાં જણાયું કે દરેક વ્યક્તિ રોજના લગભગ એક-બે જૂઠ તો બોલ્યા જ હતા. તેમાંના મોટાભાગના જૂઠ કોઈને નુકસાન પહોંચાડવા નહીં, પણ પોતાની કમીઓ છુપાવવા અને બીજાની લાગણી સાચવવા બોલાયેલા હતાં.
જોકે અભ્યાસમાં એ પણ જણાયું કે મોટાભાગના લોકોએ મોટા મોટા જૂઠ્ઠાણાં પણ બોલ્યા છે, જેવા કે લગ્નબાહ્ય સંબંધો છુપાવવા કે તેના વિશે ખોટું બોલવું.
શું છે આ જુઠ્ઠાણાંનું વિજ્ઞાન?
નિષ્ણાતો માને છે કે મનુષ્યમાં ખોટું બોલવાની વૃત્તિ નવી નથી. લગભગ ભાષાની ઉત્પત્તિ સાથે જ ખોટું બોલવાની વૃત્તિનો પણ ઉદય થયો છે. કદાચ, એમ કહી શકાય કે ભાષા સાથે આપણી અંદર રહેલી જૂઠ્ઠાણાંની વૃત્તિને વાચા મળી. એક અભ્યાસ પ્રમાણે બાળક ૨ વર્ષનું થાય ત્યારથી તે ખોટું બોલવા માંડે છે.
એક્સપર્ટ ઘણીવાર જૂઠું બોલવું એ વિકાસલક્ષી માઈલસ્ટોન તરીકે જુએ છે જે દર્શાવે છે કે જ્ઞાનાત્મક વિકાસ ટ્રેક
પર છે.
જૂઠું બોલવું તમારા મગજમાં પરિવર્તન
લાવે છે..
આપણે જૂઠું બોલતી વખતે એવું વિચારીએ છીએ કે એ તો આપણે બીજાને કહીએ છીએ, પરંતુ હકીકતમાં જૂઠું બોલવાથી આપણામાં પણ કંઈક ફેરફાર થાય છે. વોશિંગ્ટન પોસ્ટના એક લેખમાં જૂઠું બોલવા અંગેના તાજેતરના સંશોધન સાથે જોડાયેલા, પત્રકારો વિલિયમ વાન અને સારાહ કેપલાન સમજાવે છે, “જૂઠું બોલવું, હકીકતમાં, તમારા મગજને પકડાઈ જવાના અથવા અન્યને નુકસાન પહોંચાડવાના ડરથી અસંવેદનશીલ બનાવે છે, જે તમારા પોતાના ફાયદા માટે જૂઠું બોલવું વધુ સરળ બનાવે છે.
નેચર ન્યુરોસાયન્સ જર્નલમાં ૨૦૧૬ ના અભ્યાસમાં, ડ્યુક સાયકોલોજિસ્ટ ડેન એરીલી અને સહકર્મીઓએ બતાવ્યું કે કેવી રીતે અપ્રમાણિકતા લોકોના મગજને બદલી નાખે છે, જે ભવિષ્યમાં જૂઠું બોલવાનું સરળ બનાવે છે. જ્યારે લોકો ખોટું બોલે છે, ત્યારે વૈજ્ઞાનિકોએ તેમના એમીગડાલામાં પ્રવૃત્તિનો વિસ્ફોટ જોયો. એમીગડાલા એ મગજનો એક નિર્ણાયક ભાગ છે જે ડર, ચિંતા અને ભાવનાત્મક પ્રતિભાવો ઉત્પન્ન કરે છે – જેમાં તમે જૂઠું બોલો ત્યારે તમને ભય, દોષિત લાગણી થાય છે.
જૂઠું બોલવાથી કામ આસાનીથી થઇ
જાય છે.
અભ્યાસ જણાવે છે કે જયારે લોકોને પોતાને કોઈ ફાયદો પહોંચવાનો હોય ત્યારે જૂઠું બોલવાનું કહેવામાં આવે ત્યારે મગજ તેમને નકારાત્મક સિગ્નલ આપતું નથી. અર્થાત કે તેમને પોતાના ફાયદા માટે જૂઠું બોલવું આસાન થઇ જાય છે. ખાસ કરીને જયારે લોકોને ખબર હોય કે જૂઠું બોલવાથી તેમને કોઈ નુકસાન થવાનું નથી ત્યારે તેઓ વધારે સરળતાથી જૂઠું બોલે છે. માત્ર જૂઠું બોલવાથી જો આસાનીથી કામ થતું હોય તો કેમ નહીં! મોટાભાગના અપરાધોમાં આ વાત દેખાઈ આવે છે.
આપણી માન્યતા સાથે મેળ ખાતું જૂઠ્ઠાણું, જૂઠ નથી લાગતું.
રસપ્રદ વાત એ છે કે જૂઠ્ઠાણાની સચ્ચાઈ આપણે જાણીએ છીએ તેમ છતાં આપણે
તેના ઉપર વિશ્ર્વાસ કરીએ છીએ. તેમાં અન્યને મૂર્ખ બનાવવાની અને પોતે મૂર્ખ બનવાની આપણી તૈયારી દેખાઈ આવે છે. આજના સોશિયલ મીડિયાના યુગમાં આ વાત ખાસ ધ્યાનાકર્ષક છે.
એક સમાજ તરીકે આપણી સત્ય – અસત્ય વચ્ચે તફાવત કરવાની ક્ષમતા જોખમમાં છે. જ્યારે જુઠ્ઠાણું આપણી માન્યતા મુજબનું હોય ત્યારે તેને સ્વીકારવામાં આપણને લેશમાત્ર સંકોચ થતો નથી!
જૂઠું બોલવાનાં ૯ કારણો
આમ તો દરેક વ્યક્તિ પાસે જૂઠું બોલવાનાં પોતપોતાના કારણો હોય છે. પણ સાધારણપણે જે કારણો હોય છે તેને નીચેના ૯માં વર્ગીકૃત કરી શકાય.
૧. સજાથી બચવા
મોટા હોય કે નાના, બધામાં જૂઠું બોલવાની પ્રેરણા થાય એ માટે આ કારણ સૌથી સામાન્ય છે. એ નોંધવું અગત્યનું છે કે પ્રામાણિક ભૂલ અથવા હેતુપૂર્ણ દુષ્કર્મ માટે સજાને ટાળવા માટે બોલવામાં આવેલા જૂઠાણાંમાં કોઈ નોંધપાત્ર તફાવત નથી.
૨. સહેલાઈથી મેળવી ન શકાય તેવો પુરસ્કાર કે લાભ મેળવવા માટે.
બાળકો અને પુખ્ત વયના લોકો દ્વારા આ બીજો સૌથી સામાન્ય હેતુ છે. દાખલા તરીકે નોકરીના ઇન્ટરવ્યુ દરમિયાન નોકરીની તકો વધારવા માટે કામના અનુભવનો ખોટો દાવો કરવો.
૩. અન્ય વ્યક્તિને સજાથી બચાવવા માટે.
વ્યક્તિગત સજા ટાળવા માટે જૂઠું બોલવાની જેમ જ, અહીં પણ ઉદ્દેશ્યને કારણે હેતુ બદલાતો નથી. સહકર્મીઓ, મિત્રો, કુટુંબીજનો અને અજાણ્યાઓ સાથે પણ આ રીતે અન્યને સજાથી બચાવવા જુઠાણું ચલાવાતું તમે જોયું જ હશે.
૪. શારીરિક નુકસાનના ભયથી પોતાને બચાવવા માટે.
આ સજા કરતાં અલગ છે, કારણ કે નુકસાનનો ભય ખોટું કામ કરવા કરતાં અલગ છે. ઉદાહરણ તરીકે, બાળક ઘરે એકલું હોય ત્યારે દરવાજે આવેલ વ્યક્તિને કહે કે તેના પિતા હમણાં સૂઈ ગયા છે એટલે પછી આવો.
૫. અન્યની પ્રશંસા પામવા
તમારી લોકપ્રિયતા વધારવા માટે જૂઠું બોલવું એ “નાના સફેદ જૂઠાણાં થી લઈને સંપૂર્ણ નવું (બનાવટી) વ્યક્તિત્વ દર્શાવવા માટે કહેવામાં આવતી વાર્તાને હોઈ શકે છે. સેલ્ફીમાં પોતાનો ચહેરો ‘કરેક્ટ’ કરવાથી લઈને ઘણી વસ્તુ આપણે જે નથી તેને લોકો સમક્ષ રજૂ કરે છે.
૬. એક વિચિત્ર સામાજિક પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે.
આ કારણથી પ્રેરિત થઈને જૂઠું બોલવું પણ ઘણું સામાન્ય છે. દાખલા તરીકે બોરિંગ પાર્ટીમાંથી જલ્દી ભાગી જવા બેબીસીટરની સમસ્યા હોવાનું કહેવું., અથવા દરવાજા પર કોઈ છે એમ કહીને ટેલિફોન વાર્તાલાપ પૂરો કરવો!
૭. અકળામણ કે શરમથી બચવા માટે.
ઉદાહરણ તરીકે બાળક પોતાનું પેન્ટ ભીનું થઇ જવા માટે ‘સીટ પહેલેથી ભીની હતી’ તેવું બહાનું બતાવે. અથવા યુવક કે યુવતીની ડોક ઉપરનું લાલ ચકામું તો મચ્છરે ડંખ
માર્યો છે!
૮. લોકોને જાણ ન થાય તેવી રીતે ગોપનીયતા જાળવવી.
લોકો પોતાની પ્રાઇવસી જાળવવા માગે પણ લોકોને જાણ ન થવા દેવી હોય તેથી પણ જૂઠું બોલતા હોય છે. જેમકે, લગ્નમાં લોકોને આમંત્રિત ન કરવા હોય ત્યારે બહાનું આપી દેવું કે સ્થળની મર્યાદા છે અથવા સંજોગોને કારણે તરત લગ્ન આટોપી લીધા, વગેરે.
૯. અન્ય પાસે રહેલી માહિતીનો ઉપયોગ કરીને તેમના ઉપર સત્તાનો ઉપયોગ કરવો.
હિટલર દ્વારા આ હેતુનો ખૂબ ઉપયોગ થયો હતો. આ જૂઠ્ઠું બોલવાનો સૌથી ખતરનાક
હેતુ છે.