ગોંદિયાઃ દિવસે દિવસે શિયાળો જામતો જાય છે તેની સાથે ધુમ્મસ-ફોગને કારણે લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનો મોડી પડવાનું ચલણ વધ્યું છે, જેમાં મહારાષ્ટ્રના ગોંદિયા શહેરમાં શાલીમાર-ઓખા એક્સપ્રેસ લગભગ છ કલાકથી વધુ સમય મોડી પડવાને કારણે પ્રવાસીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું, પરિણામે ટ્રેનસેવા ખોટકાવવાના કિસ્સામાં 14 અજાણ્યા શખસ સામે કેસ નોંધ્યો છે. શાલીમાર/ઓખા સુપરફાસ્ટ એક્સપ્રેસ લગભગ છ કલાકથી વધારે સમય મોડી આવ્યા પછી પ્રવાસીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગુસ્સે થયેલા પ્રવાસીઓના ગ્રૂપમાંથી અમુક પ્રવાસીઓ ત્રણ નંબરના પ્લેટફોર્મ પરથી ટ્રેક પર ધસી ગયા હતા અને ટ્રેનના વિલંબની વિરુદ્ધમાં રેલવે પ્રશાસનની સામે આક્રોશ વ્યક્ત કરતા સૂત્રોચ્ચાર કર્યાં હતા. રેલવે ટ્રેક પર પ્રવાસીઓ ધસી જવાને કારણે આરપીએફ અને જીઆરપીના પોલીસના જવાનો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને ટ્રેક પરથી પ્રવાસીઓને હટી જવાનો અનુરોધ કર્યો હતો. પ્રવાસીઓના વિરોધને કારણે ટ્રેન લગભગ અડધો કલાકનો વિલંબ થયો હતો. ટ્રેક પરથી પ્રવાસીઓને હટાવવામાં આવ્યા પછી ટ્રેનને નાગપુર માટે રવાના કરી હતી. ટ્રેનના વિલંબને કારણે પ્રવાસીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું, પરંતુ પોલીસ પ્રશાસનના જવાનોએ પ્રવાસીઓને સમજાવ્યા પછી પરિસ્થિતિને સંભાળી લેવામાં આવી હતી, ત્યાર બાદ પ્રવાસીઓ ટ્રેક પરથી હટી ગયા હતા. 14 જેટલા અજાણ્યા શખસ સામે વિરોધ પ્રદર્શન તથા ટ્રેનસેવાને ખોરવવાના પ્રયાસમાં પોલીસે કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરી હોવાનું પોલીસે જણાવ્યું હતું.(પીટીઆઈ)