(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: છ વિધાનસભ્યોની મુદત પૂરી થવાથી ૭૮ સભ્યોની વિધાનપરિષદમાં હવે ૨૧ બેઠકો ખાલી થઈ ગઈ છે. પહેલી વખત આટલી મોટી સંખ્યામાં વિધાનપરિષદમાં જગ્યા ખાલી થઈ છે. તેથી સભાપતિપદની ચૂંટણી પણ લંબાઈ પડી છે.
બે વર્ષથી પણ વધુ સમયથી રાજ્યપાલ દ્વારા નીમવામાં આવતી ૧૨ જગ્યા ખાલી પડી છે. કોરોના મહામારી અન્ય પછાતવર્ગના આરક્ષણ, પ્રભાગની રચના જેવા મુદ્દા પર રાજ્યની મહાનગરપાલિકા, નગરપાલિકા અને જિલ્લા પરિષદની ચૂંટણી લંબાઈ પડી છે. નગરસેવકો ચૂંટાયા ન હોવાથી વિધાનપરિષદની નવ લોકલ બોડી મતદાર સંઘની જગ્યા ખાલી છે.
નાંદેડ, સાંગલી-સાતારા, ભંડારા-ગોંદિયા, પુણે, યવતમાળ, જળગાંવ આ લોકલ બોડી મતદારસંઘની જગ્યા બે દિવસ પહેલા જ ખાલી થઈ છે. તે પહેલા થાણે, સોલાપૂર, અહમદનગર આ ત્રણ જગ્યા ખાલી થઈ હતી. લોકલ બોડી મતદારસંઘમાં નગરસેવકો મતદાર હોય છે. મતદારસંઘમાં ૭૫ ટકા સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા કાર્યરત હોય અથવા ૭૫ ટકા મતદાર હોય તો જ ચૂંટણી યોજી શકાય છે એવો સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે, જેમાં નવ મતદાર સંઘ બેસતા નથી. તેથી આ નવ મતદારસંઘમા તુરંત ચૂંટણી થવાની નથી. વિધાનપરિષદમાં લોકલ બોડી મતદારસંઘમાંથી ૧૨ વિધાનસભ્યો ચૂંટાઈ આવે છે, તેમાંથી નવ જગ્યા હાલ ખાલી પડી છે.
વિધાનપરિષદની ખાલી પડેલી ૧૨ જગ્યા જે રાજ્યપાલ દ્વારા નિયુક્ત કરવામાં આવે છે, તેની યાદી પર ભગતસિંહ કોશિયારીએ કોઈ નિર્ણય લીધો જ નહોતો. રાજ્યપાલને બંધારણ મુજબ પોતાનું કર્તવ્ય પાર પાડવાની સલાહ પણ હાઈ કોર્ટે આપી હતી. મહા વિકાસ આઘાડીની સરકાર તૂટી પડી, પણ બે વર્ષ રાજ્યપાલે કોઈ નિર્ણય લીધો નહોતો. મંત્રીમંડળે ભલામણ કરેલાં નામને ફગાવી દેવાનો અધિકાર પણ રાજ્યપાલને હોય છે, છતાં રાજ્યપાલે કોઈ નિર્ણય લીધો નહોતો.
રામરાજે નિંબાળકરની મુદત ગયા જુલાઈમાં પૂરી થઈ હતી, ત્યારથી સભાપતિપદ ખાલી પડયું હતું. ચોમાસું અધિવેશન પણ સભાગૃહના કામકાજ માટે ઉપસભાપતિ નીલમ ગોહેના અધ્યક્ષતામાં થયું હતું.
રાજ્યપાલ નિયુક્ત ૧૨ જગ્યા પરની નિમણૂકનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પ્રલબિંત છે. મહાપાલિકા, નગરપાલિકાની ચૂંટણી થાય નહીં ત્યાં સુધી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા મતદારસંઘની ચૂંટણી થશે નહીં. ૧૯ તારીખથી શિયાળું અધિવેશન ચાલુ થઈ રહ્યું છે, તેમાં પણ સભાપતિપદની નિમણૂક થવાની નથી.
વિધાનપરિષદમાં હાલ ભાજપના ૨૨, શિવસેનાના ૧૧, રાષ્ટ્રવાદી કૉંગ્રેસના નવ તો કૉંગ્રેસના આઠ હોઈ મહાવિકાસ આઘાડીના કુલ મળીને ૨૮ વિધાનસભ્ય છે.