અમેરિકાએ અરુણાચલ મુદ્દે ફરી એક વાર ભારતને સમર્થન આપ્યું છે. અમેરિકાએ ચીન અને અરુણાચલ પ્રદેશને વિભાજિત કરતી મેકમોહન રેખાને આંતરરાષ્ટ્રીય સરહદ ગણાવી છે. આ મુદ્દે અમેરિકી સેનેટમાં દ્વિપક્ષીય ઠરાવ રજૂ કરવામાં આવ્યો છે, જેમાં અરુણાચલ પ્રદેશને ભારતનું અભિન્ન અંગ માનવામાં આવ્યું છે. આ પ્રસ્તાવ રજૂ કરનાર સેનેટર બિલ હેગર્ટી અને જેફ માર્કલે જણાવ્યું હતું કે ‘જ્યારે ચીન મુક્ત હિંદ પ્રશાંત મહાસાગર માટે પડકાર બની રહ્યું છે. આવી સ્થિતિમાં અમેરિકા તેના વ્યૂહાત્મક ભાગીદારો સાથે ખાસ કરીને ભારત સાથે ખભે ખભા મિલાવીને ઊભું રહે તે જરૂરી છે.’
સેનેટર જેફે મંગળવારે કહ્યું હતું કે, “આ દ્વિપક્ષીય ઠરાવ અરુણાચલ પ્રદેશને સ્પષ્ટપણે ભારતના અભિન્ન અંગ તરીકે માન્યતા આપવા માટે સેનેટના સમર્થનને દર્શાવે છે, વાસ્તવિક નિયંત્રણ રેખા પર યથાસ્થિતિ બદલવા માટે ચીનના લશ્કરી આક્રમકતાની નિંદા કરે છે.”
પ્રસ્તાવમાં અમેરિકા-ભારત વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા અને ક્વાડમાં સહકાર વધારવાની વાત પણ કરવામાં આવી હતી. પ્રસ્તાવમાં ભૂટાનની સરહદમાં ચીનના દાવાની પણ ટીકા કરવામાં આવી છે. યુએસ સેનેટના બંને પક્ષો દ્વારા સંયુક્ત રીતે રજૂ કરવામાં આવેલા આ ઠરાવમાં ચીનની ઉશ્કેરણીજનક કાર્યવાહી સામે ભારતના વલણની પણ પ્રશંસા કરવામાં આવી છે અને ભારત સાથે ટેકનિકલ, આર્થિક સંબંધોને મજબૂત કરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.
અમેરિકી સેનેટનો આ પ્રસ્તાવ એવા સમયે આવ્યો છે જ્યારે LACના પૂર્વ સેક્ટરમાં ચીનના સૈનિકો અને ભારતના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ રહી છે