નવી દિલ્હી: ૩૬ દિવસથી ફરાર ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહ અંતે પોલીસના હાથે ઝડપાયો છે. અમૃતપાલે રવિવાર, તા. ૨૩મી એપ્રિલે મોગા પોલીસ સામે આત્મસમર્પણ કર્યું હતું. અમૃતપાલ સિંહ વિરુદ્ધ રાષ્ટ્રીય સુરક્ષા ધારા (નેશનલ સિક્યુરિટી એક્ટ-એનએસએ) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ એવો કાયદો છે જેની હેઠળ કેસ ચલાવ્યા વિના આરોપીને એક વર્ષ સુધી જેલમાં રાખી શકાય છે.પંજાબ પોલીસે ૧૮મી માર્ચના ‘વારિસ પંજાબ દે’નાં વડા અને તેનાં સાથીઓ વિરુદ્ધ ઝુંબેશ ચાલુ કરી હતી. ત્યારથી અમૃતપાલ સતત ભાગતો રહ્યો હતો. ગયા મહિનામાં અમૃતપાલ અનેક જગ્યાએ જોવા મળ્યો હતો. તેનાં વીડિયો પણ બહાર આવ્યા હતા. તેનાં સાથીઓની એક પછી એક ધરપકડ થવા લાગી હતી, અંતે તેણે પણ આત્મસમર્પણ કર્યું હતું. તેનાં પહેલાં પંજાબ પોલીસ રાજસ્થાન, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને નેપાળની સરહદ નજીકનાં વિસ્તારોમાં તેની તપાસ કરવા ગઇ
હતી, પણે તે ક્યાંય પકડાયો નહોતો.
આત્મસમર્પણ કરતાં અગાઉ તેણે મોગા જિલ્લાના રોડે ગામની ગુરુદ્વારાની મુલાકાત લીધી હતી. તેની ધરપકડ અંગે ગુરુદ્વારાના ગ્રંથીએ મોટી જાણકારી આપી હતી. રોડે ગામના ગુરુદ્વારાના ગ્રંથીએ જણાવ્યું હતું કે અમૃતપાલ શનિવારની રાતે જ અહીં આવી ગયો હતો. તે પોતે જ જણાવી રહ્યો હતો કે ગુરુદ્વારામાં નમન કરીને પછી પોલીસ સામે આત્મસમર્પણ કરીશ. તેણે સવારના સાત વાગ્યે ધરપકડ વહોરી લીધી હતી. તેણે કોઇના દબાણ હેઠળ ધરપકડ વહોરી નહોતી એમ આ ગ્રંથીએ જણાવ્યું હતું.
અમૃતપાલ સિંહ છેલ્લાં ઘણા સમયથી પંજાબમાં સક્રિય હતો, અને તે કાયમ સશસ્ત્ર ટેકેદારો સાથે જ જોવા મળતો હતો. ખાલિસ્તાન સમર્થક અને ત્રાસવાદી જરનેલ સિંહ ભિંદરાંવાલેનો તે ટેકેદાર હતો અને પંજાબમાં તેની ગણના ‘ભિંદરાંવાલે ૨.૦’ તરીકે થતી હતી.
ફેબ્રુઆરી મહિનામાં અમૃતપાલ સિંહ અને તેના કેટલાંક ટેકેદારો ખુલ્લી તલવાર અને બંદૂકો સાથે અજનાલા પોલીસ સ્ટેશનમાં ધસી ગયા હતા અને પોતાના એક સાથીદારને છોડાવવા માટે તેઓ પોલીસ સાથે ઘર્ષણમાં ઉતર્યાં હતાં.
ગુપ્તચર ખાતા તરફથી એમ કહેવાતું હતું કે અમૃતપાલ સિંહ પોતાની જાસૂસી સંસ્થા ચલાવતો હતો અને તેનાં દ્વારા તે પાકિસ્તાનથી હથિયારની દાણચોરી કરતો હતો. અમૃતપાલ પંજાબનાં ભાગલા પાડવા ઇચ્છતો હતો.
અમૃતપાલની ધરપકડ કર્યા પછી આસામના દિબ્રુગઢમાં મોકલવામાં આવ્યો છે. તેનાં આઠ સાથીદારો અગાઉથી જ દિબ્રુગઢની જેલમાં છે. (પીટીઆઇ)