ઇટાનગર: ભારતીય સેનાનું બે પાઇલટ સહિતનું એક ચિતા હેલિકૉપ્ટર ગુરુવારે સવારે અરુણાચલ પ્રદેશના પશ્ર્ચિમ કામેંગ જિલ્લામાં પહાડી વિસ્તારમાં મંડલા નજીક તૂટી પડ્યું હતું અને તેમાંના બન્ને પાઇલટ – લેફ્ટનન્ટ કર્નલ વી. વી. બી. રેડ્ડી અને મેજર જયંત એ. શહીદ થયા હતા. લશ્કરે આ દુર્ઘટનાની તપાસનો આદેશ આપ્યો હતો.
છેલ્લા પાંચ વર્ષમાં હેલિકૉપ્ટર અક્સ્માતની ૧૭ જેટલી ઘટનાઓ બની છે. સંરક્ષણ પ્રવક્તાએ જણાવ્યું હતું કે હેલિકૉપ્ટર, બે અધિકારીને લઈને
સવારના નવ વાગ્યે જિલ્લાના સાંગે ગામથી ઉપડ્યું હતું અને આસામના સોનિતપુર જિલ્લાના મિસામારી તરફ જતું હતું.
લેફ્ટનન્ટ કર્નલ મહેન્દ્ર રાવતે જણાવ્યું હતું કે હેલિકૉપ્ટરનો એર ટ્રાફિક કંટ્રોલ સાથે સવારે સવા નવ વાગ્યે સંપર્ક તૂટી ગયો હતો. તે બોમડિલાના પશ્ર્ચિમમાં મંડલા પાસે ક્રેશ થયું હતું. બન્ને પાઇલટને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું અને સર્ચ પાર્ટીઓને સ્થળ પર મોકલવામાં આવી હતી.
રોહિત રાજબીર સિંહ, એસપી, (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન સેલ)એ જણાવ્યું હતું કે દિરાંગ ખાતે બંગજલેપના ગ્રામવાસીઓએ બપોરે સાડા બાર વાગ્યાની આસપાસ તૂટી પડેલું અને સળગતું હેલિકૉપ્ટર દેખાયા બાદ એમણે જિલ્લા અધિકારીઓને આ અંગે જાણ કરી હતી. હેલિકૉપ્ટર ઘણાં સમય સુધી સળગી રહ્યું હતું..
રાવતે જણાવ્યું હતું કે સર્ચ પાર્ટીઓને સ્થળ પર મોકલવામાં આવી હતી. વધુ વિગતની રાહ જોવાઈ રહી છે. આ વિસ્તારમાં કોઈ મોબાઈલ કનેક્ટિવિટી નથી અને હવામાન અત્યંત ધુમ્મસવાળું છે અને પાંચ મીટર જેટલી ઓછી દૃશ્યતા છે.
ગયા વર્ષે ઑક્ટોબરમાં અરુણાચલ પ્રદેશમાં સૈન્યનું એક હેલિકૉપ્ટર ક્રેશ થતાં ચાર જવાન શહીદ થયા હતા. ક્રેશ થયેલું રુદ્ર હેલિકૉપ્ટર લોઅર સિયાંગ જિલ્લાના સિંગિંગ ગામમાં પડ્યું હતું, જેમાં બે પાઇલટ સહિત પાંચ લોકો સવાર હતા. એ એડવાન્સ્ડ લાઇટ હેલિકૉપ્ટર (એએલએચ) બે પાઇલટ અને સૈન્યના જવાનોને લઇને જઇ રહ્યું હતું. એવામાં સવારે તુટિંગ વિસ્તારમાં ક્રેશ થઇ ગયું હતું, જેમાં ચાર જવાનોના મૃતદેહ મળી આવ્યા હતા.
ગયા વર્ષે અરુણાચલ પ્રદેશમાં ભારતીય સેનાનું એક ચિતા હેલિકૉપ્ટર તૂટી પડ્યું હતું. આ ઘટનામાં લેફ્ટનન્ટ કર્નલ યાદવ ગંભીર રીતે ઘાયલ થતા તેમને તુરંત હૉસ્પિટલ ખસેડાયા હતા, જોકે હૉસ્પિટલમાં તેમનું મોત નિપજ્યું હતું. જ્યારે એકને ઈજા થઈ હતી. આ હેલિકૉપ્ટર અરુણાચલ પ્રદેશના તવાંગમાં સવારે નિયમિત ઉડાન બાદ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.
છેલ્લાં પાંચ વર્ષમાં (૨૦૧૭-૨૦૨૨) હેલિકૉપ્ટર અક્સ્માતની ૧૭ જેટલી ઘટનાઓ બની છે.
ગયા વર્ષે લોકસભામાં રાજ્ય કક્ષાના સંરક્ષણ પ્રધાન અજય ભટ્ટ દ્વારા આ જાણકારી આપવામાં આવી હતી, જેમાં વર્ષ ૨૦૧૭થી લઇને ૨૦૨૨ સુધીના અકસ્માતોનો ઉલ્લેખ કરાયો હતો.
એમણે જણાવ્યું હતું કે ૨૦૨૨માં બે અકસ્માત થયાં હતા. વર્ષ ૨૦૧૭માં ચાર, ૨૦૧૮માં બે, ૨૦૧૯માં ત્રણ, ૨૦૨૦માં એક, ૨૦૨૧માં ક્રેશની પાંચ અને ૨૦૨૨માં ક્રેશની બે ઘટનાઓ મળીને કુલ ૧૭ જેટલી ઘટનાઓ હેલિકૉપ્ટર અકસ્માતની બની હતી.
મોટા ભાગની ઘટનાઓ પાછળનું મુખ્ય કારણ હેલિકૉપ્ટરમાં ટેક્નિકલ ખામી હોવાનું સામે આવ્યું છે. ભારતીય વાયુસેના પાસે આ સિવાય એમઆઈ ૧૭ પ્રકારના ૨૨૩ હેલિકૉપ્ટર્સ છે. જ્યારે વાયુસેના પાસે ૭૭ ચેતક, આર્મી પાસે ચાર અને નેવી પાસે ૩૬ ચેતક હેલિકોપ્ટર છે.(એજન્સી)