બંન્ને ટીમો અંતિમ-૧૬માં પહોંચી
દોહા: ફિફા વર્લ્ડ કપ ૨૦૨૨ના ગ્રૂપ સીમાંથી આર્જેન્ટિના અને પોલેન્ડની ટીમો અંતિમ-૧૬માં પહોંચી ગઈ છે. આર્જેન્ટિનાએ પોલેન્ડને તેની છેલ્લી ગ્રૂપ મેચમાં ૨-૦થી હરાવ્યું અને તેના ગ્રૂપના પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહીને આગલા રાઉન્ડ માટે ક્વોલિફાય કર્યું હતું. આ સાથે જ પોલેન્ડની ટીમને આ વર્લ્ડ કપમાં પહેલી હાર મળી છે. હાર છતાં પોલેન્ડની ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને રહેવામાં સફળ રહી અને અંતિમ- ૧૬માં પહોંચી ગઈ હતી. આ ગ્રૂપમાંથી સાઉદી અરેબિયા અને મેક્સિકો વલ્ડ કર્પમાંથી બહાર ફેંકાઇ ગયા હતા.
પોલેન્ડ સામેની મેચમાં આર્જેન્ટિના તરફથી મૈક એલિસ્ટર અને જૂલિયન અલ્વારેઝે એક-એક ગોલ કર્યા હતા. આ મેચમાં આર્જેન્ટિનાની ટીમે દરેક ક્ષેત્રમાં સારું પ્રદર્શન કર્યું હતું. આર્જેન્ટિનાએ કુલ છ પોઈન્ટ્સ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહી હતી. દરમિયાન, પોલેન્ડ અને મેક્સિકોના ચાર-ચાર પોઈન્ટ હતા.
આ મેચમાં આર્જેન્ટિનાએ આક્રમક શરૂઆત કરી હતી. મેચનો પહેલો કોર્નર પણ જીતી લીધો હતો પરંતુ પોલેન્ડની ટીમે તેના પર ગોલ થવા દીધો નહોતો. આ પછી મેસ્સીએ શરૂઆતની ૧૦ મિનિટમાં ગોલ કરવાના અનેક પ્રયાસો કર્યા પરંતુ ગોલકીપરે ગોલ થવા દીધા નહોતા.
આ પછી પણ આર્જેન્ટિનાની ટીમે આક્રમક રમત ચાલુ રાખી હતી પરંતુ ગોલ કરી શકી નહોતી.
મેચની ૩૫મી મિનિટે મેસ્સીએ જુલિયન અલ્વારેઝના ક્રોસ પર હેડર દ્વારા ગોલ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ ગોલ પોસ્ટની બહાર ગયો હતો. આર્જેન્ટિનાને પેનલ્ટી આપવામાં આવી હતી. જોકે, મેસ્સી પેનલ્ટી પર પણ ગોલ કરી શક્યો નહોતો. પ્રથમ હાફમાં કોઈ ટીમ ગોલ કરી શકી ન હોતી. પરંતુ આર્જેન્ટિનાએ આક્રમક રમત રમી હતી અને પોલેન્ડે સારો બચાવ કર્યો હતો.
બીજા હાફની શરૂઆતમાં આર્જેન્ટિના માટે બ્રાઇટન મૈકએલિસ્ટરે ગોલ કર્યો હતો. તે તેનો પ્રથમ આંતરરાષ્ટ્રીય ગોલ હતો. અહીંથી આર્જેન્ટિનાને ૧-૦ની લીડ મળી હતી અને આ ટીમની આગળના રાઉન્ડમાં જવાની શક્યતાઓ પ્રબળ બની હતી. ૬૭મી મિનિટે અલ્વારેઝે વર્લ્ડ કપમાં પોતાનો પહેલો ગોલ કરીને આર્જેન્ટિનાની લીડ ડબલ કરી હતી. જોકે, મેસ્સી ગોલ કરવાના દરેક પ્રયાસમાં નિષ્ફળ રહ્યો હતો.ઉ