ફોકસ -સોનલ કારિયા
રીમાને મેટ્રો ટ્રેનમાં તેની કોલેજ કાળની બહેનપણી આકાંક્ષા અચાનક મળી ગઈ. બંને બહેનપણીઓ લગભગ ત્રણેક વર્ષ પછી મળી હતી. આ રીતે અનાયાસ એકબીજાને મળી તેનો આનંદ તે બંનેના ચહેરા પર હતો. પહેલાં તો બંને એકબીજાને વળગી જ પડી. મેટ્રો સ્ટેશનમાંથી બહાર નીકળીને બંને કોફી શોપમાં ગઈ. કેટલી બધી વાતો કરવાની હતી. આકાંક્ષાની બદલી બેંગ્લોર થઈ ગઈ હતી અને હજુ ગયા જ અઠવાડિયે તેણે નોકરી બદલી એટલે ફરી મુંબઈ આવી હતી. પંદરેક મિનિટ માંડ થઈ હશે ત્યાં રીમાએ કહ્યું, ‘મારે અડધો કલાકમાં નીકળવું પડશે. આર્યનને સ્કૂલમાં લેવા જવાનું છે.’
‘તારા સાસુને કહી દેને લઈ આવશે.’ આકાંક્ષાએ વધુ લાંબો સમય વાત કરવાના આશયથી કહ્યું.
‘મારા સાસુ અહીં નથી રહેતા’ રીમાએ ઉદાસીભર્યા સ્વરમાં કહ્યું.
‘મતલબ…’
‘હવે તેઓ ન્યુ જર્સીમાં તેમના ભાણેજની સાથે રહે છે…’
‘કેમ, એકના એક દીકરાનું ઘર છોડીને ભાણેજના ઘરે? તું તો કહેતી હતી કે મારી મમ્મી કરતાં પણ મારા સાસુ મને વધારે પ્રેમ કરે છે.’
‘હા, પણ બધી ભૂલ મારી જ છે. હું જ મારી માસીની વાતોમાં આવી ગઈ…’ રીમાએ રડમસ અવાજમાં કહ્યું.
રીમાએ પોતાની બહેનપણી આકાંક્ષાને બધી માંડીને વાત કરી. રીમાના લગ્ન થયા ત્યારથી તેને અને તેમના સાસુ કલાબેનને બહુ જ સારું બનતું. રીમા ફાઈનાન્સ્યિલ ઇન્સ્ટિટ્યૂટમાં કામ કરતી હતી એ ચાલુ રાખવાનો આગ્રહ પણ કલાબેને જ કર્યો હતો. તેમણે જ કહ્યું હતું કે તું આટલી બધી ભણેલીગણેલી છે અને હું તો માનું છું કે દરેક સ્ત્રીએ આર્થિક રીતે પગભર હોવું જ જોઈએ. અમારા વખતમાં એ શક્ય ન બન્યું પણ તું જ્યારે નોકરી કરે જ છે ત્યારે એ છોડવાની કંઈ જરૂર નથી. ઘર સંભાળવાનું ટેન્શન તું ન લેતી. આપણે બેઉ સાસુ-વહુ મળીને કરી લઈશું.
રીમા ઑફિસથી ઘરે પહોંચે એ સમયે કલાબેન તેમના માટે ચા અને ગરમ નાસ્તો તૈયાર રાખતા. સવારની રસોઈ કલાબેન અને સાંજની રસોઈ રીમા કરતી. ઘરના મોટાભાગના બીજા કામ રીમા સાંજે ઘરે આવે એ પહેલાં કલાબેન જ પતાવી લેતાં. ઘણી વાર રીમાને થાકેલી જોઈ તેઓ સામેથી જ કહેતાં કે હું મારા માટે ખીચડી મૂકી દઈશ. તમારાં બંને માટે બહારથી જ ખાવનું ઓર્ડર કરી લો અને નહીં તો બહાર જ જમી આવો. કલાબેનને જોઈને રીમાની બહેનપણી અને સગાંવહાલાંઓને પણ ઈર્ષ્યા થતી હતી.
‘આર્યનના જન્મ પછી પણ મમ્મીજી સતત મારી સાથે જ હતા. ત્રણ મહિના પછી તેમણે જ મને નોકરી ફરી શરૂ કરાવી…પણ હું જ મૂર્ખ હતી કે લતામાસીની વાતોમાં આવી ગઈ.’
‘લતામાસી એટલે તારા જામનગરવાળા માસીને?’ આકાંક્ષાએ પૂછ્યું.
‘હા, તે જ. માસા ગુજરી ગયા પછી તે સાવ એકલાં પડી ગયાં હતાં અને તેમણે સામેથી જ કહ્યું કે હું તારા ઘરે રોકાવાં આવું? મેં તેમને હા પાડી એ જ મારી સૌથી મોટી ભૂલ.’ રીમાની આંખમાં પાણી તગતગી ગયા.
‘લતામાસીએ જ મારા કાન ભંભેરવાના શરૂ કર્યાં. તેઓ કહેતા કે તું ભોળી છો એટલે તારા સાસુની ચાલ સમજતી નથી. તારી પાસે નોકરી કરાવીને પોતે તારા પૈસેથી જલસા કરવા માગે છે.’ રીમાએ કહ્યું.
‘તેમણે એવું કહ્યું અને તેં માની લીધું?’ આકાંક્ષાને બહુ નવાઈ લાગી રહી હતી.
‘ના, પહેલાં તો હું તેમની વાત કાને ધરતી જ નહોતી. પણ તેઓ નાની-નાની બાબતોમાં મને મારા સાસુનો વાંક દેખાડવા માંડ્યા. પછી તો તેમણે કહ્યું કે તને આ રીતે નોકરીના બહાને કલાકો સુધી બહાર રાખીને તે તારા દીકરા પર પોતાનો હક જમાવવા માગે છે. એમાં થયું એવું કે મારા સાસુ આર્યનને ખૂબ પ્રેમથી રાખતા એટલે આર્યન પણ તેમનો હેવાયો થઈ ગયો હતો. હું લતામાસીની નજરે જ બધું જોવા માંડી હતી. એક વાર આર્યનને તેઓ વઢ્યાં તો મેં તેમની સાથે ઝઘડો કર્યો. હકીકતમાં તો તેઓ આર્યનને ખૂબ પ્રેમ કરતા હતા અને તેઓ આર્યનને વઢ્યાં હતાં કારણ કે તે થાળીમાંથી જમવાનું બહાર ફેંકી રહ્યો હતો. પણ લતામાસીની સતત તેમની વિરુદ્ધની વાતોએ મારા મન પર એટલો બધો પ્રભાવ નાખ્યો હતો કે હું મારા સાસુને ન બોલવાનું બહુ બધું બોલી ગઈ. એ ઘટના પછી અમારા વચ્ચે અંતર વધતું જ ગયું.
નાની-નાની વાતોમાં હું તેમના પર ચીડાવા લાગી. આ બધી વાતોએ મોટું સ્વરૂપ ધારણ કર્યું અને તેમણે જ અમેરિકા તેમના ભાણેજના ઘરે જવાનો નિર્ણય લઈ લીધો.’
‘મતલબ કે તું મંથરા સિન્ડ્રોમનો શિકાર બની ગઈ’
‘મંથરા સિન્ડ્રોમ?’ રીમાએ પૂછ્યું.
‘રામાયણમાં રાણી કૈકયીની દાસી મંથરા. હકીકતમાં કૈકયી તો રામને ખૂબ પ્રેમ કરતી હતી. રામ જ્યારે ગુરુકુળમાં ભણવા જતા હતા ત્યારે કૈકયી જ સૌથી વધુ રડી હતી કે મારો રામ ત્યાં ભૂમિ પર કેવી રીતે સૂઈ શકશે, ત્યાંનું કષ્ટમય જીવન તે કેવી રીતે સહન કરી શકશે? શ્રીરામ કૈકયીના હાથમાં જ ઉછર્યા હતા અને તે રામના બહુ લાડ પણ કરતી હતી. પરંતુ તે જ કૈકયીએ શ્રીરામને વનવાસ અપાવ્યો. એનું કારણ હતી તેની દાસી મંથરા. તેણે જ કૈકયીના કાનમાં ઝેર રેડ્યું હતું.’
‘પણ એ તો રામાયણ કાળની વાત છે…’
‘રીમા, એ વાત આજે પણ એટલી જ સાચી છે. એટલા માટે જ રામાયણ અને મહાભારતને મહાન ગ્રંથ કહીએ છીએ. આપણે કદાચ એને હકીકત નહીં ને વાર્તા ગણીએ તો પણ એ ગ્રંથોમાં એવાં પાત્રો રચાયાં છે જે આજે પણ આપણી આજુબાજુ જોવા મળે. તારા કિસ્સામાં તારા લતામાસી મંથરા થઈને આવ્યા અને તેમણે તારા કાન ભર્યા. તું તેમની વાતોમાં આવી ગઈ અને તેં તારા સાસુને અમેરિકાવાસી બનાવી દીધા.’
‘તારી વાત સાચી છે આકાંક્ષા. પરંતુ હવે તો બહુ મોડું થઈ ગયું છે. એની સજા પણ મને મળી ગઈ છે. મારે નોકરી છોડી દેવી પડી છે કારણ કે ઘર સંભાળવું, આર્યનને સાચવવો અને નોકરી એ બધું મારાથી એકસાથે નહોતું થતું. મારા સાસુ હતા ત્યાં સુધી ઘરની બધી જવાબદારી તેઓ જ સંભાળતા હતા તો મને ખબર પણ નહોતી પડતી કે ક્યારે બધા કામ થઈ જતા હતા.
મારી ભૂલની સજા હું ભોગવી જ રહી છું. હું તો હવે બધાને એટલું જ કહીશ કે ઘરની વ્યક્તિઓ સાથે જો મનદુ:ખ કે ઝઘડા થાય તો એ જોઈ લેજો કે ક્યાંક તમારા જીવનમાં કોઈ મંથરા નથી આવીને? ક્યાંક તમે તો મંથરા સિન્ડ્રોમનો ભોગ નથી બન્યાને?’