Homeમેટિનીશું હિન્દી ફિલ્મોમાં માનસિક બિમારીનું નિરૂપણ વાસ્તવિક હોય છે?

શું હિન્દી ફિલ્મોમાં માનસિક બિમારીનું નિરૂપણ વાસ્તવિક હોય છે?

વિશેષ-વિક્રમ વકીલ

જ્યારથી ફિલ્મો બનવાની શરૂઆત થઈ ત્યારથી જ કેટલીક ફિલ્મોમાં ’પાગલ’ વ્યક્તિઓના પાત્રો આપણે જોતા રહીએ છીએ. હોલિવુડની ફિલ્મ ’વન્સ ફ્લ્યૂ ઓવર ધ કકૂઝ નેસ્ટ’થી માંડીને હિન્દી ફિલ્મઉદ્યોગની ’ખામોશી’ અને ’ડર’ જેવી ફિલ્મોના મુખ્ય પાત્રો માનસિક બિમારીને કેન્દ્રમાં રાખીને લખાયા છે. આમ તો આપણે ઘણી ફિલ્મોના નામ લઈ શકીએ, પરંતુ સામાન્ય રીતે જોવામાં આવ્યું છે કે બિન હિન્દી ફિલ્મોના દિગ્દર્શક – લેખક માનસિક રીતે સ્વસ્થ નહીં હોય એવી વ્યક્તિનું કેરેક્ટર લખતી વખતે ખૂબ મહેનત કરે છે. કહેવાનો મતલબ એમ નથી કે હિન્દી ફિલ્મવાળાઓ હંમેશા વગર મહેનતે જ આવા પાત્રોનું ચિત્રિકરણ કરે છે. આમ છતાં હકીકત એ છે કે હિન્દી ફિલ્મઇન્ડસ્ટ્રીના અત્યાર સુધીના એક ટોપમોસ્ટ દિગ્દર્શક ગણાતા આસિત સેન જેવાએ પણ કેટલેક અંશે આ બાબતે માર ખાધો છે. આસિત સેને બનાવેલી ’ખામોશી’ ફિલ્મની જ વાત કરીએ. બાકી બધી રીતે અદ્ભૂત કહી શકાય એવી આ ફિલ્મમાં ફક્ત એક જ ખોટ હતી કે એમાંના પાગલ પાત્રને વાસ્તવિકતાથી જોજનો ગાવ દૂર બતાવવામાં આવ્યા હતા.
આ ફિલ્મમાં એવું બતાવવામાં આવ્યું છે કે પ્રિયતમાની બેવફાઇને કારણે લાગતા આઘાતથી રાજેશ ખન્ના પાગલ થઈ જાય છે. રાજેશને જ્યારે ગાંડાઓની હોસ્પિટલમાં લાવવામાં આવે છે. ત્યારે એની સારવાર માટે નર્સ તરીકે વહીદા રહેમાન હોય છે. પ્રેમમાં નિષ્ફળતા મળવાથી પાગલ થઈને હોસ્પિટલમાં દાખલ થયેલા ધમેન્દ્રની સારવાર થોડા મહિના પહેલા નર્સ વહીદા રહેમાને કરી હોય છે. સારવાર દરમિયાન વહીદા પોતે ધર્મેન્દ્રના પ્રેમમાં પડે છે. સ્વસ્થ થયા પછી ધર્મેન્દ્રને વહીદાના સારવાર કે પ્રેમ યાદ હોતા નથી.
અગાઉ થયેલી ભૂલ ફરી ન થાય એ માટે વહીદા કાળજી રાખે છે. છેવટે વહીદાની પ્રેમાળ સારવારને કારણે રાજેશ સારો થઈ જાય છે. હવે રાજેશ વહીદાના પ્રેમમાં પડે છે, પરંતુ છેવટે વહીદા પોતે જ પાગલ થઈ જાય છે. માનસશાસ્ત્રીઓને ફિલ્મનું પાત્રાલેખન અસંબંધ લાગે છે. એક મનોચિકિત્સક કહે છે પ્રેમિકાની બેવફાઈને કારણે પ્રેમમાં કોઈ વ્યક્તિ પાગલ થઈ જાય એ અસંભવ છે. આવા આઘાતને કારણે જે તે વ્યક્તિના મગજ પર અસર થાય છે, પરંતુ અમે એને ’બ્રિફ રીએક્ટીવ સાઇકોસીસ’ કહીએ છીએ.
માનસશાસ્ત્રીઓના કહેવા પ્રમાણે આ ફિલ્મમાં અનેક જગ્યાએ અસંગતતાઓ છે. જેમ કે ભૂતપૂર્વ પ્રેમિકાને ફરીથી મેળવવાથી પાગલ પ્રેમીનું મગજ ઠેકાણે આવી શકે નહીં. દવાની યોગ્ય સારવાર વગર મોટા ભાગની માનસિક બિમારી સારી થઈ શકે નહીં. જાણીતા મનોચિકિત્સક ડો. મુકુલ ચોકસી કહે છે : ખામોશીમાં રાજેશ ખન્નાના પાત્રને જે માનસિક બિમારી બતાવવામાં આવી છે એને ’મેનિયા’ કહે છે. મેનિયાના દર્દીઓ ફક્ત સાઇકો થેરાપીથી સારા થતા નથી, એમને દવાની જરૂર પડે જ. એ જ રીતે અંગ્રેજી ફિલ્મ ’સ્લિપિંગ વિથ ધ એનીમી’ પરથી બનાવવામાં આવેલી ’અગ્નિશાક્ષી’ ફિલ્મમાં પણ માનસિક બિમારી ખોટી રીતે બતાવવામાં આવી હતી. ફિલ્મમાં પતિની ભૂમિકા નાના પાટેકરે ભજવી છે. એને શંકાશીલ અને વધુ પડતી આધિપત્ય ભાવનાવાળો બતાવવામાં આવ્યો છે. દરેક વખતે શંકા કરીને એ પત્નીને માર મારે છે. આવી વ્યક્તિને ખરેખર માનસિક રીતે બિમાર કહી શકાય. આ બિમારીને ’પેથોલોજીકલ જેલસી’ કહેવાય છે. એનું બીજુ નામ ’ઇલ્યુશનલ ડિસઓર્ડર’ છે. આ બિમારીથી પીડાતિ વ્યક્તિઓ એકલપટી અને ઝઘડાખોર હોય છે. કોઈક આત્મહત્યા પણ કરી નાંખે છે. આમ છતાં આખી ફિલ્મ દરમિયાન કયાંય એવો ઉલ્લેખ નથી કે નાના પાટેકર માનસિક રીતે બિમાર છે.
જોકે સુપર હિટ થયેલા નાટક ’ચિત્કાર’માં લેખક – દિગ્દર્શક લતેશ શાહે મહિનાઓના રીસર્ચ કર્યા પછી એના મુખ્ય મહિલા પાત્રનું લેખન કર્યું હતું. આ પાત્ર ’સ્કિઝોફેનિયા’ નામની બિમારીથી પીડાતી હોય છે. લતેશ શાહની મહેનતને કારણે નાટકમાં માનસિક બિમારીને યોગ્ય રીતે રજુ કરવામાં આવી હતી. ’જોકે આવું હર હંમેશ બનતું નથી.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -