નવી દિલ્હી: ગત એપ્રિલ મહિનામાં સાનુકૂળ બિઝનૅસ વાતાવરણ, હળવું થયેલું ભાવ દબાણ, આંતરરાષ્ટ્રીય વેચાણમાં વધારો અને પુરવઠા ચેઈનમાં થયેલા સુધારા જેવાં કારણોસર દેશનાં ઔદ્યોગિક ઉત્પાદનનો આંક વધીને ચાર મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો હોવાનું એક માસિક સર્વેક્ષણમાં
જણાવ્યું છે.
ગત એપ્રિલ મહિનામાં સ્ટાન્ડર્ડ ઍન્ડ પૂઅર ગ્લોબલ ઈન્ડિયા મેન્યુફેક્ચરિંગ પર્ચેઝિંગ મૅનૅજર્સ ઈન્ડેક્સ (પીએમઆઈ) માર્ચ મહિનાના ૫૬.૪ પૉઈન્ટ સામે વધીને ૫૭.૨ની સપાટીએ રહ્યો હતો. આંકમાં જોવા મળેલી આ વૃદ્ધિ આ વર્ષની અત્યાર સુધીની સૌથી ઝડપી વૃદ્ધિ રહી હોવાનું અહેવાલમાં જણાવતાં ઉમેર્યું હતું કે આ સાથે જ સતત બાવીસમાં મહિનામાં ઉત્પાદન કરતાં એકમોની ઓપરેટિંગ સ્થિતિમાં સુધારો જોવા મળ્યો છે. નોંધનીય બાબત એ છે કે ૫૦ની ઉપરનો આંક બિઝનૅસમાં વિસ્તરણ અને ૫૦ની નીચેનો આંક ઘટાડાનો નિર્દેશ આપતો હોય છે.
નવાં ઓર્ડરમાં સતત વધારો થવાથી એપ્રિલ મહિનામાં ઉત્પાદન વૃદ્ધિ આગળ ધપી છે. આ ઉપરાંત કંપનીઓને ભાવમાં થયેલા થોડાં ઘટાડાનો લાભ પણ મળ્યો છે. તેમ જ દરિયાપારનું વેચાણ વધવાની સાથે પુરવઠા ચેઈનની સ્થિતિમાં સુધારાનો પણ ઉત્પાદકોને લાભ થયો હોવાનું એસ ઍન્ડ પી ગ્લોબલ માર્કેટ ઈન્ટેલિજન્સનાં ઈકોનોમિક્સ એસોસિયેટ ડિરેક્ટર પોલ્લયાન્ના ડૅ લિમાએ જણાવ્યું હતું.
વધુમાં સર્વેક્ષણમાં ઉમેર્યું હતું કે ગત એપ્રિલ મહિનામાં ફેક્ટરી ઓર્ડર અને ઉત્પાદનમાં વર્ષ ૨૦૨૩માં અત્યાર સુધીની સૌથી વધુ ઝડપે વૃદ્ધિ જોવા મળી છે, કંપનીઓના રોજગારી સર્જનમાં વધારો થયો છે અને નવાં સ્ટોક માટે કંપનીઓ ઈનપૂટ ખરીદી માટે પણ આગળ આવી છે તે જોતા જણાય છે કે આગામી સમયગાળામાં ભારતીય ઉત્પાદકો માટે પ્રચૂર તકો છે. આ ઉપરાંત વર્ષ ૨૦૨૩માં નવાં કામકાજો માટે મજબૂત આંતરપ્રવાહ પણ જોવા મળી રહ્યો હોવાથી ઉત્પાદન ક્ષમતામાં વિસ્તરણ થતાં રોજગારીમાં વૃદ્ધિ પણ થઈ છે અને ઉત્પાદન પૂર્વેના સ્ટોકની સ્થિતિ પણ વધીને વિક્રમ સપાટીએ રહી હોવાનું અહેવાલમં
ઉમેર્યું છે.
આ ઉપરાંત ગત એપ્રિલ મહિનામાં નવાં ઓર્ડરોમાં વૃદ્ધિ પણ ગત ડિસેમ્બર પછીની સૌથી વધુ ઝડપી ગતિએ થઈ છે. પેનલના સભ્યોના મતે બજારની સાનુકૂળ સ્થિતિ, મજબૂત માગ અને પ્રચાર-પ્રસાર માધ્યમોથી થતી જાહેરાતે ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્ધિને ટેકો
આપ્યો છે.
વધુમાં ભાવ અંગે સર્વેક્ષણમાં જણાવ્યું છે કે એપ્રિલ મહિનામાં ઘઉં ઉત્પાદકોએ ઈંધણ, મેટલ, પરિવહન અને અમુક કાચા માલના ભાવમાં વધારાના સંકેતો આપ્યા હતા, પરંતુ ગત માર્ચ મહિનાથી એકંદરે ફુગાવો લાંબાગાળાની સરેરાશ કરતાં નીચે રહ્યો હતો. એપ્રિલ મહિનામાં ફુગાવો વધીને ત્રણ મહિનાની ટોચે રહ્યો હતો, પરંતુ લાંબાગાળાની સરેરાશ જળવાઈ રહી હતી.
ગત માર્ચ મહિનાથી છ ટકા કંપનીઓએ તેની ફીમાં વધારો કર્યો હતો, જ્યારે ૯૨ ટકા કંપનીઓએ યથાવત્ રાખી હતી. આગામી દિવસોમાં ઉત્પાદન વૃદ્ધિ જળવાઈ રહેવાનો આશાવાદ ભારતીય ઉત્પાદકો રાખી રહ્યા હોવાનું સર્વેક્ષણમાં ઉમેર્યું હતું.