ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનામાં ગરમી શરૂ થઈ ત્યારે માર્ચ કેવો આકરો હશે તે વિશે વાતો થઈ રહી હતી, પરંતુ માર્ચ મહિનામાં માવઠા પડતા વાતાવરણ મોટેભાગે ડહોળાયેલું જ રહ્યું. ત્યારે પ્રિલ મહિનો હવે ઉનાળાનો અનુભવ કરાવી રહ્યો છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગરમીનો પારો ઉપર ચડ્યો છે અને હજુ વધે તેવી સંભાવના છે.
રાજ્યના મોટાભાગના શહેરોમાં પારો ઉચકાઇ રહ્યો છે અને લોકોને ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે. અમદાવાદ સહિતના શહેરમાં ગરમી વધી છે. અમદાવાદ અને ભુજમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું છે. 20 એપ્રિલ સુધી 40થી વધુ ડિગ્રી તાપમાન અને બાદમાં 45 ડિગ્રી સુધી તાપમાન રહેવાની આશંકા છે.
ગરમીનો ખતરનાક રાઉન્ડ શરૂ થઇ ગયો છે. આ જોતાં આકરી ગરમી પડવાના એંધાણ વર્તાઇ રહ્યા છે. આજે અમદાવાદમાં 40.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ભુજમાં પણ પારો 40 ડિગ્રીએ પહોંચ્યો છે. બીજી બાજુ, હજુ તાપમાન 3 ડિગ્રી સુધી વધશે. આવતા 3 દિવસ સતત તાપમાન વધશે. હાલ જ્યાં 40 ડિગ્રી તાપમાન છે ત્યાં તાપમાન 43 ડિગ્રી પહોંચી શકે છે.
આજે અમદાવાદમાં 40.4, વડોદરામાં 39.2, સુરતમાં 39.2, રાજકોટમાં 38.9, ડાંગમાં 39.4, ભુજ 39.9, સુરેન્દ્રનગર 39, કેશોદ 38, ડિસા 37, ગાંધીનગર 37, મહુવા 39, પોરબંદર 33, દ્વારકા 29, ઓખા 31, વેરાવળ 33, દિવ 36 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જોકે ગરમી વધે તે સાથે ફરી માવઠાની સંભાવનાઓ પણ સેવાઈ રહી છે. આગાહી પ્રમાણે ફરી કમોસમી વરસાદ વરસવાની સંભાવના છે.
બીજી બાજુ, આકરી ગરમી વચ્ચે માવઠાનો માર પણ સહન કરવો પડશે. ખેડૂતો 3 દિવસ માવઠા માટે તૈયાર રહે. 11 એપ્રિલથી 3 દિવસ માવઠાના એંધાણ છે. 11 એપ્રિલે કચ્છમાં માવઠાની સંભાવના છે. જ્યારે 12 એપ્રિલે 8 જિલ્લામાં માવઠાની સંભાવના છે. ઉપરાંત 13 એપ્રિલે 11 જિલ્લામાં માવઠાની આગાહી છે.
12 એપ્રિલે બનાસકાંઠા, અમદાવાદ, આણંદ, વડોદરા, સાબરકાંઠા, બોટાદ, અમરેલી, ભાવનગરમાં આગાહી છે. જ્યારે 13 એપ્રિલે અમદાવાદ, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, બોટાદ, અમરેલી, ભાવનગરમાં આગાહી છે.