સુપ્રીમ કોર્ટ કોલેજિયમે કેન્દ્રને કોઈપણ વિલંબ કર્યા વિના ન્યાયાધીશોની પેન્ડિંગ નિમણૂકોને ઝડપી બનાવવા જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટના કોલેજિયમે કેન્દ્રનું ધ્યાન દોરવા પ્રયાસ કર્યો છે કે ન્યાયાધીશોના નામ રોકવાથી ઉમેદવારોની વરિષ્ઠતાને ખલેલ પહોંચે છે.
મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની કોલેજિયમે મદ્રાસ હાઈકોર્ટના ન્યાયાધીશો તરીકે નિમણૂક માટે ચાર જિલ્લા ન્યાયાધીશોના નામની ભલામણ કરી હતી. તેમણે આર શક્તિવેલ, પી ધનાબલ, ચિન્નાસામી કુમારપ્પન અને કે રાજસેકરના નામની ભલામણ કરી હતી. સુપ્રીમ કોર્ટે એડવોકેટ હરપ્રીર બ્રારને હાઈકોર્ટના જજ તરીકે નિયુક્ત કરવાની ભલામણનો પણ પુનરોચ્ચાર કર્યો છે. સુપ્રીમ કોર્ટ કોલેજિયમે પંજાબ અને હરિયાણાની હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે બ્રારની નિમણૂક માટે 25 જુલાઈ, 2022ની તારીખે કરવામાં આવેલી તેમની ભલામણનો પુનરોચ્ચાર કર્યો છે.
સુપ્રીમ કોર્ટ કોલેજિયમે નોંધ્યું હતું કે, “પુનરાવર્તિત કરાયેલા નામોને રોકવા અથવા અવગણવાથી જજોની વરિષ્ઠતાને ખલેલ પહોંચે છે.” તેમણે કેન્દ્રને પેન્ડિંગ નિમણૂકોને ક્લિયર કરવા પર વહેલી તકે પગલાં લેવાનો નિર્દેશ પણ આપ્યો હતો.
કૉલેજિયમ વિ કેન્દ્રઃ
SC કૉલેજિયમ દ્વારા તાજેતરની ભલામણ એવા સમયે કરવામાં આવી છે જ્યારે ન્યાયાધીશોની નિમણૂકના મુદ્દે સુપ્રીમ કોર્ટ અને કેન્દ્ર સરકાર નિયમિત સામસામે આવી રહ્યા છે. જ્યારે સરકાર ન્યાયાધીશોની નિમણૂકમાં નવી સિસ્ટમ અને સુધારા માટે બેટિંગ કરી રહી છે, ત્યારે સુપ્રીમ કોર્ટ ઇચ્છે છે કે કોલેજિયમ સિસ્ટમ ચાલુ રહે. આવો જ એક દાખલો દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે ખુલ્લેઆમ ગે એવા એડવોકેટ સૌરભ કિરપાલની નિમણૂકમાં વિલંબનો છે. સૌરભ કિરપાલ ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ બીએન કિરપાલના પુત્ર છે. SC વેબસાઇટ પર અપલોડ કરાયેલા કોલેજિયમના ઠરાવ મુજબ, કેન્દ્ર સરકાર કિરપાલની ઉમેદવારી સામે બે આધારો પર વાંધો ઉઠાવી રહ્યું છે – એક કે તેઓ ગે (સમલૈંગિક) છે અને બીજુ કે તેમનો પાર્ટનર સ્વિસ નાગરિક છે.
કોલેજિયમ સિસ્ટમ શું છે?
એક એવી પ્રણાલી છે કે જે સિસ્ટમ હેઠળ, ભારતના મુખ્ય ન્યાયાધીશ અને સર્વોચ્ચ અદાલતના ચાર સૌથી વરિષ્ઠ ન્યાયાધીશો જજોની નિમણૂક અને બદલીની ભલામણ કરે છે. કોલેજિયમ સિસ્ટમ ન્યાયતંત્રને રાજકારણથી સ્વતંત્ર બનાવે છે. જોકે, તેનો મુખ્ય ગેરફાયદો એ છે કે કોલેજિયમ સિસ્ટમ CJI પદ માટેના ઉમેદવારની ચકાસણી માટે કોઈ ચોક્કસ માપદંડ ધરાવતી નથી, જેના કારણે તેમાં સગાવાદ, ભત્રીજાવાદ અને પક્ષપાત સંભવી શકે છે, જે ન્યાયતંત્રમાં બિનપારદર્શિતાને જન્મ આપે છે. આ બાબત દેશમાં કાયદો અને વ્યવસ્થાના નિયમન માટે ખૂબ જ નુકસાનકારક છે .