Homeઆમચી મુંબઈપ્રોપર્ટી ટૅક્સ ડિફૉલ્ટરોની સંપત્તિ શોધવા ઍજન્સીની નિમણૂક

પ્રોપર્ટી ટૅક્સ ડિફૉલ્ટરોની સંપત્તિ શોધવા ઍજન્સીની નિમણૂક

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આવકનો મુખ્ય સ્ત્રોત ગણાતા પ્રોપર્ટી ટૅક્સ ચૂકવવામાં આડોડાઈ કરનારા સામે મુંબઈ મહાનગરપાલિકા આકરા પગલાં લેવાની છે. વખતોવખત નોટિસ મોકલ્યા બાદ પણ પ્રોપર્ટી ટૅક્સ નહીં ચૂકવનારાઓની હવે દેશભરમાં કોઈ પણ સ્થળે રહેલી મિલકતને શોધીને તેની નિલામી કરાશે. ડિફોલ્ટરોની મિલકત શોધવા માટે પાલિકાએ ઍજન્સીની નિમણૂક કરવાનો નિર્ણય લીધો છે.
પાલિકાએ પ્રોપર્ટી ટૅક્સ ડિફોલ્ટરો પર કાર્યવાહી ચાલુ કરી છે, જે અંતર્ગત ૬૭ ડિફોલ્ટરની મિલકત જપ્ત કરવામાં આવી છે. આ તમામ પ્રોપર્ટીધારકોની મળીને ૨૬૭ કરોડ ૮૮ લાખ રૂપિયાનો મૂળ કર તો ૮૭ કરોડ ૩૧ લાખ રૂપિયાનો દંડ એમ કુલ ૩૫૫ કરોડ ૧૯ લાખ રૂપિયાની રકમ વસૂલવાની બાકી છે. તેથી આ સંપૂર્ણ રકમની વસૂલી માટે ૬૭ ડિફોલ્ટરોની અન્ય સ્થાવર મિલકત અને રોકાણનો શોધ લેવા માટે મહાનગરપાલિકાએ કમર્શિયલ ઍજન્સીની નિમણૂક કરવાની પ્રક્રિયા ચાલુ કરી છે.
જકાત બંધ થયા બાદ પ્રોપર્ટી ટૅક્સ પાલિકાની આવકનો મુખ્ય સ્ત્રોત છે. પ્રોપર્ટી ટૅક્સના બિલ મળ્યા બાદ ૯૦ દિવસની અંદર પ્રોપર્ટી ટૅક્સ પાલિકામાં જમા કરવાનો આવશ્યક છે. આ સમય દરમિયાન કર નહીં ભરનારા પર પાલિકા દ્વારા તબક્કાવાર કાર્યવાહી કરવામાં આવે છે.
પાલિકાના અસેસમેન્ટ ખાતાના કહેવા મુજબ રહેણાંક, ઔદ્યોગિક, વાણિજ્ય, ખુલ્લી જગ્યા જેવી વિવિધ શ્રેણીમાં રહેલા ૬૭ ડિફોલ્ટરોએ રકમ ચૂકવી નથી. આ તમામ લોકો પાસેથી ૩૫૫ કરોડ ૧૯ લાખ રૂપિયાની વસૂલી કરી શકાય તે માટે ૬૭ ડિફોલ્ટરોના નામે રહેલી અન્ય સ્થાવર મિલકત અને રોકાણને શોધી લેવા માટે કમર્શિયલ ઍજન્સીની નિમણૂક કરવાની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે.

આવી રીતે કાર્યવાહી કરવામાં આવે છે
પાલિકાના ટૅક્સ ઍન્ડ અસેસમેન્ટ ખાતાના અધિકારીઓ પ્રત્યક્ષ સંપર્ક અને સંવાદ સાધીને તેમને ટૅક્સ ભરવાની અપીલ કરે છે, છતાં પણ ટૅક્સ નહીં ભરનારા લોકોને ‘ડિમાન્ડ લેટર’ મોકલવામાં આવે છે. એ બાદ પ્રોપ્રર્ટી ટૅક્સધારકોને ૨૧ દિવસની અંંતિમ નોટીસ મોકલવામાં આવે છે. છેવટે ડિફોલ્ટરોના પાણીના જોડાણ ખંડિત કરવા, પ્રોપર્ટીની જપ્તી, નિલામી જેવી કાર્યવાહી પાલિકા દ્વારા કરવામાં આવે છે.

નિયમમાં ફેરફાર
પાલિકાના નિયમમાં ફેરફાર કરવામાં આવ્યા છે, તે મુજબ કરની વસૂલી માટે જમીન અને બિલ્ડિંગની જાહેર નિલામી કરી શકાય છે. તે અનુસંધાનમાં જાહેર નિલામી પ્રક્રિયા પ્રભાવી રીતે પાર પાડી શકાય તે માટે સ્વતંત્ર કાર્ય પદ્ધતિને મંજૂરી આપવામાં આવી છે.
ઍજન્સી શું કામ કરશે?
ડિફોલ્ટરોના નામે રજિસ્ટર્ડ થયેલી સ્થાવર મિલકત શોધવું, તેના પર રજિસ્ટર્ડ મિલકતના માલિકીના દસ્તાવેજોના પુરવા ભેગા કરવા, ડિફોલ્ટરો સંચાલક પદ હોય તેવી કમર્શિયલ સંસ્થાને શોધવી, તે સંસ્થામાં ડિફોલ્ટરોનું રોકાણ અને તેના આર્થિક હિત શોધવા વગેરે કામ આ ઍજન્સી કરવાની છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -