Homeવીકએન્ડટિમ કૂકને અચાનક ભારત માટે પ્રેમ કેમ ઊભરાવા લાગ્યો?

ટિમ કૂકને અચાનક ભારત માટે પ્રેમ કેમ ઊભરાવા લાગ્યો?

કવર સ્ટોરી -અભિમન્યુ મોદી

એપલના સીઇઓ ટિમ કૂકે મુંબઈમાં માધુરી દિક્ષિત નૈને સાથે વડાપાઉં ખાધું. પછી મુંબઇમાં રહીને આઇપીએલની મેચ પણ જોઈ. મુંબઈમાં એપલ સ્ટોરનું ઉદ્ઘાટન કર્યું ત્યારે તેમનું જે સ્વાગત કરવામાં આવ્યું તેના ટ્વિટર ઉપર વખાણ પણ કર્યા. એપલના સર્વેસર્વા ભારતની આગતાસ્વાગતાથી ભાવવિભોર થઇ ગયા. મુંબઈમાં ખાસ્સો સમય રોકાયા. મુંબઈમાં બાંદ્રા કુર્લા કોમ્પલેક્ષમાં એપલનો અતિઆધુનિક સ્ટોર ખોલ્યો. તેના પછી દિલ્હીની સાકેત માર્કેટ ખાતે પણ મોટા સ્ટોરનું ઉદ્ઘાટન કર્યું. ભારત માટે ટિમ કૂકને અચાનક આટલો પ્રેમ કેમ ઊભરાઈ રહ્યો છે?
સદ્ગત સ્ટીવ જોબ્સ અને ટિમ કૂકનો સ્વભાવ કેવો કઠણ છે એ ઓપન સિક્રેટ જેવી વસ્તુ છે. ટિમ કૂક ઘણાને ઉદ્ધત લાગ્યા છે. ભારત કે ભારતીયો માટે એપલની ટીમે ક્યારેય વિશેષ પ્રેમ દાખવ્યો નથી. સ્ટીવ જોબ્સ જ્યારે તેની લાઇફમાં દિશાવિહીન હતા ત્યારે ભારતમાં રખડ્યા હતા અને નીમકરોલી બાબાના આશ્રમમાં રહીને તેમના આશીર્વાદ મેળવીને અમેરીકા પરત ફર્યા હતા. પછી તેમને અપાર સફળતા મળી તે વાત જાણીતી છે, પરંતુ તેના પછી ભારત દેશ માટે કોઈ કૂણી લાગણી તેમને થઈ હોય એવું જાણમાં નથી. ટિમ કૂકે તો ભારતીય વિદ્યાર્થીઓ કે સસ્તામાં કામ કરી આપતા ભારતીય આઇટી નિષ્ણાતો માટે અણગમો દર્શાવ્યો છે. ભારતને અંગત રીતે ઘણા અંશે ઉતરતો દેશ ગણતા માણસો અચાનક ભારત આવીને વખાણ કેમ કરવા લાગે છે? ટિમ કૂકને એવી તો શું લાગણી ઊભરાઈ ગઈ કે મુંબઈ આવીને બધા સાથે આટલું બધું ‘ફ્રેન્ડલી’ થવું પડ્યું?
જીઓ વર્લ્ડ સેન્ટરમાં અઠ્ઠાવીસ હજાર સ્ક્વેર ફૂટના શોરૂમના ઉદ્ઘાટન પછી તરત ટિમ કૂકે ટ્વિટ કર્યું કે, “અહીંની એટલે કે મુંબઈની ઊર્જા, રચનાત્મકતા અને પેશન ગજબનાક છે. અમે ભારતમાં પહેલો એપલ સ્ટોર ખોલવા બાબતે બહુ ઉત્સુક છીએ. ટિમ કૂકના આ હરખના કારણો ચકાસીએ. ધંધો કરવા માટે માણસ કંઈ પણ કરતો હોય છે. ટિમ કૂકે પણ તેનો અહમ છોડીને ભારતના વખાણ કેમ કરવા પડ્યા તેના કારણો ડિટેલમાં તપાસતા પહેલા થોડું બેકગ્રાઉન્ડ જોઈએ.
એપલ કંપનીએ ડાયરેક્ટ પોતાનો જ સ્ટોર ખોલ્યો હોય એવા છવ્વીસ દેશોમાંથી ભારત એક છે. અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, સાઉથ કોરિયા, જર્મની, ચાઇના અને દુબઈ. ટુંકમાં ભારત કરતાં ઘણા નાના દેશોમાં એપલ સ્ટોર ખૂલી ગયો હતો, પણ ભારતમાં ખુલ્યો ન હતો. આ વાત હરખાવા જેવી છે કે આત્મમંથન કરવા જેવી એ વિચારવું રહ્યું. એપલ કંપની સ્ટોર ખોલવા માટે ભારત પહેલા બીજા પચ્ચીસ દેશોને વધુ લાયક માનતી. હરખાતા પહેલા એક ફેકટ ચેકિંગ જરૂરી છે કે એપલે દુનિયા આખીમાં ૫૦૦ જેટલા સ્ટોર ખોલીને રાખ્યા છે જ્યાં એપલની બધી પ્રોડક્ટ્સ અને સર્વિસીસ ઉપલબ્ધ હોય. ભારતનો વારો હવે છેક આવ્યો. એપલ કંપની એ રીતે જાહેરાત કરે છે કે એપલની પ્રોડક્ટ ખરીદવા માટે એક સાવ અલગ જ અનુભવ અમારો સ્ટોર પ્રોવાઇડ કરશે. કોઈ પણ ગ્રાહક એપલ સ્ટોરમાં પધારશે, વસ્તુઓ જોશે, તેને સમજશે, તેના સવાલોના જવાબ મળશે અને પછી તે સર્વિસથી ખુશ થઈને પરત ફરશે. વળી આ વ્યવસ્થાને એપલ ટાઉન સ્ક્વેર એવું રૂપાળું નામ આપે છે. એપલે જાહેરાત કરી છે કે અમારા કંપનીના ડાયરેકટ આઉટલેટ શોરૂમમાં નિષ્ણાતો બેઠા હશે કે કસ્ટમરને આઇફોન કે બીજી એપલ પ્રોડક્ટ્સની લેટેસ્ટ સર્વિસ વિશે માહિતગાર કરશે અને કોઈ ડાઉટ હશે તો ક્લિઅર કરશે. આવું તો કોઈ પણ દુકાનમાં શક્ય છે જ. એમાં ઢોલ પીટવાની જરૂર નથી.
મુંબઈના એપલ સ્ટોરમાં આખા ઉનાળા દરમિયાન ‘મુંબઈ રાઈઝિંગ’ના નામે સેશન થવાના છે જેમાં લોકલ કલાકારો કે સર્જકો ભાગ લેશે જેમાં સંસ્કૃતિની કે કોમ્યુનિટીના બોન્ડની ઉજવણી થશે. વળી આટલેથી ન અટકતા એપલનાં સ્ટોરમાં ‘જીનીયસ બાર’ હશે જે કસ્ટમરને ટેકનિકલ સપોર્ટ આપશે. ત્યાં કામ કરતા કર્મચારીઓ એપલ જીનીયસીસ કહેવાશે અને કસ્ટમર જો ખરીદી બાબતે મૂંઝાતા હશે તો તેને નિર્ણય લેવામાં મદદ કરશે. એપલ સ્ટોરમાં લાઇન લાગી હશે તો ત્યાંના સ્ટાફ પાસે મોબાઈલ પોઇન્ટ ઓફ સેલ હશે જે લાંબી કતારોમાં મદદરૂપ થશે. (એકની એક વાત રિપીટ થતી હોય એવું લાગ્યું ને? એ જ તો. સાડી વેચતો દુકાનદાર જે પ્રાથમિક સગવડતા મફતમાં આપે એ એપલ સ્ટોર ગાઈ બજાવીને આપે છે અને અમુક લોકો તેનાથી ઇમ્પ્રેસ થઈ ગયા છે.)
એપલ ભારતમાં તેની જે પ્રોડક્ટ્સ વેચે છે તેને મીનીમમ પચ્ચીસ વર્ષ થઈ ગયાં છે. હવે એપલે તેનો પહેલો રિટેલ સ્ટોર ખોલ્યો અને ભારતમાં મેન્યુફેક્ચરીંગ કરવા માગે છે. કેલિફોર્નિયાની આ કંપની તો પહેલા જ એપલ સ્ટોર ખોલવા માગતી હતી પણ કોવિડકાળ નડી ગયો એવું તેમનું કહેવું છે. એપલ અત્યાર સુધી ઈ-કોમર્સ વેબસાઈટ થકી પોતાના ફોન અને
બીજી વસ્તુઓ વેચતી. જેમાં એમેઝોન, વોલમાર્ટ અને ફ્લિપકાર્ટ મુખ્ય વેબસાઈટ હતી. ૨૦૨૦માં એપલે પોતાનો ઓનલાઇન સ્ટોર પણ ભારતમાં ખોલ્યો.
તો ભારતમાં સ્ટોર ખોલવામાં આટલું મોડું કેમ કર્યું ? અને હવે અચાનક શું કામ પ્રેમ ઊભરાયો છે?
ચાઈના અને તેની બખડજંતર જેવી જડ સરકારથી દુનિયા કંટાળી છે અને ભારત હવે વસ્તીમાં ચાઇના કરતાં આગળ પહોંચી ગયું છે. ભારતીયોની ખરીદશક્તિ દિવસેને દિવસે વધતી જાય છે. ભારત જેટલું મોટું માર્કેટ દુનિયાના એક પણ દેશ પાસે નથી તે દીવા જેવડું નહીં, પણ સૂર્ય જેવડું સત્ય છે. બીજા બધા દેશો નાના છે, ત્યાંની વસ્તી પણ ઓછી છે. એપલ જેવી ઓલરેડી હિટ પ્રોડક્ટનું વેચાણ બાકીની દુનિયામાં સેચ્યુરેશન પોઇન્ટ ઉપર આવી ગયું છે. અહીં બધા ભારતીયો પાસે મોબાઈલ ફોન છે. જેટલા મોબાઈલ ફોન ધારકો છે એમાંથી માત્ર ત્રણ ટકા લોકો પાસે જ એપલનો ફોન છે. ભારતીયો માટે એપલનો ફોન એટલે લક્ઝરી. ભારતીયો માટે આઇફોન એ શો-ઓફ કરવાની વસ્તુ છે. આઇફોન લેવા માટે કિડની વેચવાના જોક્સ આખી દુનિયામાં ફરી વળ્યા છે. ભારતીયોનું આઇફોન માટેનું વળગણ છૂપું રહ્યું નથી. માટે ભારતીયોનું મોટું માર્કેટ સર કરવા માટે ગઈકાલ સુધી અતડો રહેતો એપલનો સીઇઓ હવે મુંબઈમાં વડાપાઉં ખાતા ફોટો પડાવે છે. ભારતીયો ભોળા છે અને ભારતીયોને વખતોવખત કોઈને કોઈ મૂર્ખ બનાવતું રહે છે. આ વખતે અમેરિકન માણસ આવ્યો છે.
એપલનાં એપ સ્ટોરનો મોટો મદાર ભારતના આઇટી પ્રોફેશનલ ઉપર છે. આઇક્લાઉડ અને ઍપલના સ્ટોરને જુદી જુદી એપ્લિકેશનથી સમૃદ્ધ કરવામાં ભારતીય નિષ્ણાતોનો મોટો ફાળો છે, પરંતુ એપલ એ હકીકતને એવી રીતે રજૂ કરે છે કે આઇ ફોન સ્ટોર માટે કામ કરતા ડેવલપર્સના પગારમાં ૨૦૧૮થી ત્રણ ગણો વધારો કરવામાં આવ્યો છે. ૨૦૧૭થી બેંગલુરુ ખાતે આવેલા આઇઓએસ એપ ડિઝાઇન અને એકસલરેટરમાં જેટલા સેશન યોજાયા તેમાં દેશના ૧૫૦૦૦ ડેવલપરે ભાગ લીધો હતો. એપલ જાણે ભારતના આઇટી નિષ્ણાતો ઉપર ઉપકાર કરી રહ્યું છે. ભારતના સ્માર્ટફોન માર્કેટના લીડર બનવાની મહત્ત્વાકાંક્ષા સાથે ટિમ કૂક ભારત સાથે અડકો દડકો રમી રહ્યા છે.
એપલના આખી દુનિયામાંથી થતાં વકરામાં પાંચ ટકાનો ઘટાડો આવ્યો છે. બિલિયન ડોલરની નફામાં ખોટ ગઈ છે. કોવિડકાળ એપલને નડ્યો છે. માટે ભારતની માર્કેટને ટેપ કરવા માટે હવે એપલ કંપની ટિમ કૂકની આગેવાની હેઠળ થનગની રહી છે. આખી દુનિયામાં એપલની પ્રોડક્ટ્સનું વેચાણ વધ્યું ત્યારે ભારતમાં એપલનું વેચાણ પાછલાં વર્ષો કરતા પચાસ ટકા કરતાં પણ વધ્યું. આ વધારો અટકવાનો નથી, કારણ કે ભારતીયોને આઇફોનનું વળગણ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -