નવી મુંબઈઃ એશિયા ખંડની સૌથી મોટી માર્કેટ તરીકે ઓળખાતી એપીએમસી માર્કેટ હાલ તો બેશિસ્ત વાહનચાલકો અને ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘનને કારણે ટ્રાફિક જામની સમસ્યાનો સામનો કરી રહી છે. પરંતુ હવે એપીએમસી પોલીસ દ્વારા આવા બેશિસ્ત વાહનચાલકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને દોઢ મહિનામાં જ 3,668 વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી છે.
મુંબઈ એપીએમસી માર્કેટમાં રાજ્ય અને બીજા રાજ્યમાંથી દરરોજ હજારો ટ્રક આવતા હોય છે. 600થી વધુ ટ્રક માટે સિડકો દ્વારા સેક્ટર 19માં ટ્રક ટર્મિનલ બનાવવામાં આવ્યું છે. પરંતુ હાલમાં સિડકોએ ત્યાં ગૃહ નિર્માણ પ્રોજેક્ટ હાથ ધર્યો હોઈ ટ્રક ટર્મિનલ માટે ફ્રૂટ માર્કેટની સામે તૂર્ભે એસટી ડેપોની જગ્યા ઉપલબ્ધ કરાવી આપવામાં આવી છે. આ નવી જગ્યામાં માત્ર 150 ટ્રક પાર્કિગ કરી શકાય એટલી જ જગ્યા છે.
પાર્કિંગની ઓછી જગ્યાને કારણે ટ્રક, નાના ટેમ્પો, અન્ય વાહનો, એપીએમસીની નજીક આવેલા સર્વિસ રોડ કે પછી અન્ય ઠેકાણે પાર્ક કરવામાં આવે છે. આ રીતે રસ્તા પર પાર્ક કરવામાં આવેલા ટ્રકને કારણે ટ્રાફિક જામની સમસ્યા ઉદ્ભવે છે. આવા 1,276 બેશિસ્ત વાહનચાલકો સામે પોલીસે કાર્યવાહી કરી છે જ્યારે ટ્રાફિકના અન્ય નિયમોનું ઉલ્લંઘન કરનારા 2,392 વાહનો પર પણ કાર્યવાહી કરી છે. આમ છેલ્લાં દોઢ મહિનામાં એપીએમસી પોલીસ દ્વારા કુલ 3,668 વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે.