Homeઆમચી મુંબઈએપીએમસીની ફ્રૂટ માર્કેટમાં આગ લાગી: ૧૨ દુકાન-ઓફિસોને નુકસાન

એપીએમસીની ફ્રૂટ માર્કેટમાં આગ લાગી: ૧૨ દુકાન-ઓફિસોને નુકસાન

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: નવી મુંબઈની એપીએમસી માર્કેટમાં ગુરુવારે સાંજે ૪.૪૦ વાગ્યે આગ ફાટી નીકળી હતી. આગને કારણે ૧૨ દુકાન-ઓફિસોને નુકસાન પહોંચ્યું હતું. આગની ખબર મળતાં જ ચાર ફાયર એન્જિન મોકલવામાં આવ્યાં હતાં. બજારનાં સૂત્રો પાસેથી જાણવા મળેલી માહિતી અનુસાર સાંજે અહીં ફળનાં વાહનો અને ખરીદદારોની મોટી ભીડ હતી. જોકે આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નહોતી. પ્રાપ્ત માહિતી અનુસાર કચરાના ઢગલામાં સિગારેટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.
એપીએમસી માર્કેટની એન વિંગની પાછળના ભાગમાં પડેલા કચરાના ઢગલામાં સિગારેટના તણખાને કારણે આગ પ્રગટી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. કચરામાં પૂઠાં અને કાગળિયાંઓનો ઢગલો હોવાને કારણે આગનું સ્વરૂપ જોતજોતામાં વિકરાળ બની ગયું હતું. આગને કારણે એપીએમસીની ફ્રૂટ માર્કેટની ૧૨ જેટલી ઓફિસો લપેટમાં આવી ગઇ હતી. આ અંગે ફ્રૂટ માર્કેટના ડિરેક્ટર સંજય પાનસરેએ માહિતી આપતાં કહ્યું હતું કે સાંજે પાંચેક વાગ્યે આગ લાગવાને કારણે માર્કેટમાં નાસભાગ મચી ગઇ હતી. એન વિંગની પાછળના ઢગલામાંથી આગ ભભૂકી હતી અને જોતજોતામાં ૧૨ ઓફિસો ભરડામાં આવી ગઇ હતી. નસીબજોગ સાંજનો સમય હોવાથી મોટા ભાગની ઓફિસોમાં કોઇ હાજર નહોતું. ઓફિસોમાં દસ્તાવેજો અને કોમ્પ્યુટર બળીને ખાખ થઇ ગયા હતા. નુકસાન કેટલાનું થયું છે તેની તપાસ ચાલી રહી છે.

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -