માનસ મંથન -મોરારિબાપુ
વ્યાસપીઠ કહેતી રહી સતત કે હનુમાનજીનો આશ્રય. આ દેશ માટે તો સવાલ જ નથી. બહુ જ જરૂરી આ દેશ માટે, પણ વિશ્ર્વનો કોઈ માણસ, વિશ્ર્વનો કોઈ મૂલકે, હનુમાનજીને કોઈ ને કોઈ રૂપે એને સ્વીકારવા જ પડે છે! અને જ્યાં હનુમંત તત્ત્વ આખા બ્રહ્માંડમાં નથી ત્યાં કાંઈ નથી. હનુમંત તત્ત્વ એટલે પ્રાણતત્ત્વ, વાયુતત્ત્વ. ઈ જ્યાં નથી, ત્યાં કાંઈ નથી ! લોકો અબજો ડોલરનો ખર્ચ કરીને જાય છે ને હનુમાનજી ન હોય એટલે પાછા આવે કે ઈ ગ્રહ ઉપર કાંઈ નથી ! વાયુ નથી, પ્રાણવાયુ નથી, ઓક્સિજન નથી એટલે હનુમાનજી જ નથી ને ! ? સીધી વાત. ઈ એની ભાષા બોલે, આપણે શ્રદ્ધાની ભાષા બોલીએ. મૂળ તત્ત્વ તો એક જ છે ને ? હનુમાનજી વગર ચાલે એમ નથી. એટલે હનુમાનજીનો આશ્રય ખૂબ કરવો. આમ હંમેશાં હું કહ્યા કરું અને એ પણ હું સતત કહ્યા કરું કે હનુમાનજીનો આશ્રય કરવો એટલે બહુ હનુમાનજીની અઘરી ઉપાસનામાં આપણે સંસારી માણસોએ ન જવું. બહુ એવા મંત્રો લઈને હનુમાનને ન ઉપાસવા.
ચારો જુગ પરતાપ તુમ્હારા હૈ પરસિદ્ધિ જગત ઉજિયારા
હનુમાનજી જગતને પ્રભાવિત નથી કરતા, જગતને પ્રકાશ… તુલસી શબ્દ વાપરે છે ‘જગત ઉજિયારા’ જગતને પ્રભાવિત કરવાનું કામ હનુમાનનું નથી, પ્રકાશિત કરવાનું કામ હનુમાનજીનું છે.
તો, શ્રી હનુમાનજી મહારાજનો આશ્રય ખૂબ કરવો, ભાઈઓ-બહેનોએ બધાંએ કરવો. બધાંને છૂટ છે. બહેનો હનુમાનજીનો આશ્રય ન કરી શકે, આ એક બિલકુલ ખોટી ધારણા સમાજમાં કોઈકે નાખી છે એ નીકળી જવી જોઈએ. બહેનોએ હનુમાનજીનો આશ્રય કરાય. પણ, બહેનોથી ‘હનુમાનચાલીસા’ થાય નહીં ને સુંદરકાંડ’ થાય નહીં ને હનુમાનજીને પડે લગાય નહીં ને… ને… ખબર નહીં આ કોણે નાખ્યું છે ? ઈ માણસ હજી મળતો નથી ! અરે, મળે તો કાંઈ હું એની સાથે લડું નહીં, એની સાથે કાંઈ તોફાન ન કરું, એને પગે લાગું હું. અને એને કહું કે તેં આ ક્યાંથી કાઢ્યું, હં ? ખૂબ હનુમાનજીનો આશ્રય કરજો. બહેનો, બેટીઓ, ભાઈઓ, યુવાનો. આ દેશનો આદર્શ હનુમાન છે, હા, અને એ હનુમાનનો આદર્શ એ બધામાં આવશે ત્યારે રામરાજ્ય આવશે. એકેએકમાં આવશે ત્યારે થશે ! એક બે જણા ધૂણશે ત્યાં સુધી નહીં મેળ ખાય!.. હનુમાનનો ઓતર બધાંને આવવો પડે, તો થાય. હનુમાનજીનો ખૂબ આશ્રય કરવો, બાપ ! અદ્દ્ભુત તત્ત્વ છે, હનુમંત તત્ત્વ.
થોડા દિવસો પહેલાં, હું છાપાનું નામ ભૂલી જાઉં તો મને માફ કરજો. કોઈએ લખ્યું હતું. એક પ્રવચનમાં તો મેં ઈ કોટ કર્યું. મારે એમાં થોડુંક ભેળવીને કહેવું છે એટલે તમને પાછી ઈ વાત કરું, જરાક ધ્યાન દઈને સાંભળજો, કાકા કાલેલકરની મૂળ તો વાત. મુનશી કે કાલેલકર…એણે એક ગદ્ય-પદ્યની વાત કરી, બહુ સરસ. મને બહુ ફાવી ગઈ, એટલે એમાં થોડુંક… મારી રીતે રજૂઆત કરું. એમણે એમ કીધું કે ત્રણ મૂર્તિ હતી. એક કપૂરની મૂર્તિ હતી, બીજી ફૂલની મૂર્તિ હતી, અને ત્રીજી મીણની મૂર્તિ હતી. કપૂરની મૂર્તિ, ફૂલની મૂર્તિ અને મીણની મૂર્તિ. ઈ ત્રણેયને ટાઢ ચડી. આ ટાઢ હું ચડાવું છું ! એ એનામાં નથી આવતું ! એવી ધ્રૂજે ત્રણેય મૂર્તિઓ, એવી ટાઢ ચડી ત્રણેયને. હવે ટાઢ બહુ ચડે એટલે પછી આપણે તાપવા જઈએ ને ? કે કાંઈક તાપણે જઈને તાપીએ. ત્રણેય મૂર્તિ તાપવા ગઈ ! હવે કપૂરની મૂર્તિ હતી, દીવાની પાસે કે તાપણા પાસે તાપવા ગઈ, એ પોતે બળી ગઈ ! કારણ કે એ કપૂરની મૂર્તિ હતી. ફૂલની મૂર્તિ હતી, એ તાપવા ગઈ તો કરમાઈ ગઈ ! ફૂલ મૂરઝાઈ ગયાં. મીણની મૂર્તિ હતી એ ઓગળી ગઈ, પીગળી ગઈ! પછી બીજી ત્રણ મૂર્તિઓ આવી. એક પથ્થરની મૂર્તિ, એક ચીંથરાની મૂર્તિ અને એક સાકરની મૂર્તિ. આ ત્રણેય મૂર્તિઓને ન્હાવા જવાની ઈચ્છા થઇ કે આપણે અધિક મહિનો છે ને નાહીએ. હવે પથ્થરની મૂર્તિ ન્હાવા ગઈ ગઈ તો એ તળિયે જતી રહી ! ચીંથરાની મૂર્તિ હતી ઈ ભીંજાઈ ગઈ, ભીની થઈ ગઈ ! અને સાકારની મૂર્તિ હતી ઈ ઓગળી ગઈ ! હેતુ સિદ્ધ ન થયો. ન્હાવા ગયાનો !
બીજી ત્રણ મૂર્તિ-એક માટીની મૂર્તિ સુકાઈ ગયેલી,રંગ કરેલો,માટીની મૂર્તિ. બીજી એક લાકડાની મૂર્તિ અને ત્રીજી લોટની, ઘઉંના લોટની મૂર્તિ. એ ત્રણેયને તરવાની ઈચ્છા થઈ કે તરવા જઈએ ! હવે માટીની મૂર્તિ હતી ઈ તરવા ગઈ એટલે ઈ સુકાઈ ગયેલી હતી, મૂર્તિ હતી એ જરા ઘન થઈ ગયેલી તો ઈ ડૂબી ગઈ ! પછી ઓગળી ગઈ હશે ! લાકડાની મૂર્તિ હતી ઈ તણાઈ ગઈ, તરવા ગઈ ત્યાં ! અને ઘઉંના લોટની મૂર્તિ હતી ઈ માછલાંને પૂછો, એનું શું થયું ? માછલાંઓ ખાઈ ગ્યાં ! ટૂંકમાં, ‘સ્વ ધર્મે નિધનંશ્રેય’.
પોતાના સ્વાભાવિક સ્વરૂપને છોડીને એની વિપરીત દિશામાં માણસ યાત્રા કરે તો કાં તો બળી જાય, કાં તો મૂરઝાઈ જાય, કાં તો તણાઈ જાય, કાં તો ડૂબી જાય ! એમાં સારું પરિણામ આવે નહીં ! મૂળ આવું કહેવાનો હેતુ. બહુ સારો સિદ્ધાંતો આની પાછળ, વાર્તા દ્વારા આવું જ થાય ! હવે જે કહેવું છે એ મારે કહેવું છે. એક દશમી મૂર્તિ હતી ! અને ઈ સોનાની હતી. એ તાપણે તાપવા ગઈ, જેટલી આગ એણે ખાધી એટલી એ ચમકીને બહાર નીકળી ! એ સોનાની મૂર્તિ નાહવા ગઈ તો ડૂબી ગઈ પણ તેને કાટ ન લાગ્યો. તરવા ગઈ પણ સોનાની મૂર્તિ, તો પોતે કઈ તરી ન શકે, એક જણાના હાથમાં આવી તો એ તરી ગયો. તો, હનુમાનજીનો આશ્રય ખૂબ કરો બાપ ! બહુ અઘરી સાધનામાં જવું નહિ. શ્રી હનુમાનજીની વંદના ગોસ્વામીજીએ કરી. આપણા જેવાઓ માટે બહુ જ સિદ્ધ અને શુદ્ધ સાધના તુલસીએ બતાવી છે ‘હનુમાનચાલીસા’. ભગવાન શંકર સાથે જોડાયેલી ચાલીસ ચીજ ‘હનુમાનચાલીસા’માં સમાયેલી છે. વિશ્ર્વની આદિ ચાલીસા છે-હનુમાનચાલીસા. ‘હનુમાનચાલીસા’ સિદ્ધ પણ છે અને શુદ્ધ પણ છે. એનાથી અષ્ટસિદ્ધી મળે છે, નવનિધિ મળે એ તો ઠીક છે, પરંતુ ‘હનુમાનચાલીસા’ના અંતમાં શું છે ?-
पवन तनय संकट हरन, मंगल मूरति रुप ।
राम-लखन-सीता सहित हृदय बसहूँ सुर भूप ॥
આખરે પરિણામ, મારા હૃદયમાં રામ વસો; મતલબ કે મારા હૃદયમાં રામની સ્મૃતિ રહે, રામનું સ્મરણ રહે. તો, હનુમાનની પરમ વંદનાના અવસર પર હું આપને એ કહેવા માગું છું કે સાધના તો ઘણી છે યાર ! અદ્દભુત છે ‘હનુમાનચાલીસા’. હનુમાનની સાધનાથી એ શીખવું જોઈએ કે જપ કરતા કરતા જમ્પ લાગી જાય; એ જમ્પ બની જાય, એવો એ માણસ છે.
– સંકલન : જયદેવ માંકડ