મુંબઈઃ પશ્ચિમ રેલવેમાં મુંબઈ સેન્ટ્રલથી ગાંધીનગરની વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ દોડાવવામાં આવી રહી છે ત્યારે આગામી અઠવાડિયામાં વધુ બે વંદે ભારત એક્સપ્રેસ મધ્ય રેલવેમાંથી દોડાવવામાં આવશે. ઈન્ટિગ્રલ કોચ ફેકટરી (ચેન્નઈ)માં વંદે ભારત એક્સપ્રેસનું પ્રોડક્શન ચાલી રહ્યું છે, જે અંતર્ગત મુંબઈમાં સવારે વંદે ભારત એક્સપ્રેસ પહોંચી હતી, જ્યારે બીજી ટ્રેન છઠ્ઠી ફેબ્રુઆરી સોમવારે આવવાની અપેક્ષા છે, એમ રેલવેના અધિકારીએ જણાવ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મુંબઈ-શિરડી અને મુંબઈ અને સોલાપુરની વચ્ચે ચાલુ કરી શકાય છે અને તેનું નિર્માણ કાર્ય ચેન્નઈ આઈસીએફમાં કરવામાં આવ્યું છે.
શુક્રવારે સવારના પુણે યાર્ડમાંથી મુંબઈ પહોંચી હતી, જ્યારે બીજી ટ્રેન છઠ્ઠી ફેબ્રુઆરીના ચાલુ કરવાની અપેક્ષા છે. મુંબઈ અને સોલાપુરની વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ભોર ઘાટ (કર્જત અને ખંડાલાની વચ્ચે) દોડાવવાની સંભાવના છે, જ્યારે આ બંને સ્ટેશનની વચ્ચેનું અંતર 455 કિલોમીટરનું અંતર 6.35 કલાકમાં કાપવામાં આવશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
મુંબઈ અને શિરડી વચ્ચે થાલ ઘાટ સેક્શન સેમી હાઈ સ્પીડ ટ્રેન (કસારા સેક્શન) દોડાવવાની સાથે લગભગ 340 કિલોમીટરનું અંતર 5.25 કલાકમાં કાપવાની અપેક્ષા છે. જોકે ભોર અને થાલ ઘાટમાં સૌથી વધારે મુશ્કેલ ઘાટ પૈકીના છે, તેથી આ ઘાટમાંથી પસાર થનારી તમામ ટ્રેનોને એડિશનલ લોકોમોટિવ દ્વારા ખેંચવામાં આવે છે અને આ લોકોમોટિવને બેંકર પણ કહેવાય છે. આ બેંકરને જોડવા અને અલગ કરવાની પ્રક્રિયામાં થોડો સમય લાગે છે, જેથી ટ્રાવેલના સમયમાં થોડો સમય લાગે છે, પરંતુ સેમી હાઈ સ્પીડ ટ્રેનને બૈંકર વિના દોડાવવાનો નિર્ણય લીધો છે. ઘાટ સેક્શનમાં બેંકરની બાદબાકી માટે ખાસ કરીને આ બંને વંદે ભારત એક્સપ્રેસમાં પાર્કિંગ બ્રેક લગાવવામાં આવશે, તેનાથી ટ્રેનને ઢોળાવ પર ચઢવામાં મદદ મળી શકે છે, એવો અધિકારીએ દાવો કર્યો હતો.