NCP સાંસદ સુપ્રિયા સુળેએ શનિવારે 12 નવેમ્બરના રોજ એક ટ્વિટ કર્યું હતું. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું હતું કે શિંદે-ફડણવીસ સરકારની નજર સામે વેદાંત ફોક્સકોન, બલ્ક ડ્રગ્સ પાર્ક, ટાટા એરબસ જેવા ત્રણ મોટા પ્રોજેક્ટ ગુજરાતમાં જતા રહ્યા છે. આ બધા પ્રોજેક્ટ્સ મહારાષ્ટ્રના વિકાસ માટે વિશેષ મહત્વ ધરાવે છે. આ ઉપરાંત ઉર્જા ઉપકરણોનું નિર્માણ કરવા સાથે સંબંધિત પ્રોજેક્ટ પણ મહારાષ્ટ્રની બહાર એટલે કે મધ્ય પ્રદેશમાં જતો રહ્યો છે. એમણે પોતાની ટ્વીટમાં એક અંગ્રેજી અખબારમાં પ્રકાશિત થયેલો લેખ પણ એટેચ કર્યો હતો. તેમની આ ટ્વીટનો હવે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જવાબ આપ્યો છે.
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, ‘જો કોઈ પ્રોજેક્ટ રાજ્યની બહાર જાય છે, તો અમારા નામ પર દોષારોપણ અને સીએમ એકનાથ શિંદે સાથે મારી તસવીર છાપવાનો પ્રયાસ બંધ થવો જોઈએ. જે ઉદ્યોગો અને પ્રોજેક્ટ રાજ્યની બહાર ગયા તે મહાવિકાસ આઘાડી સરકારના કારણે ગયા છે. ફડણવીસ શનિવારે નાગપુર આવ્યા હતા. અહીં તેઓ મીડિયા સાથે વાત કરી રહ્યા હતા.
ફડણવીસે કહ્યું, ‘ઊર્જા ઉપકરણોના ઉત્પાદન સાથે સંબંધિત પ્રોજેક્ટ મહારાષ્ટ્રમાંથી જતો રહ્યો, આવા ખોટા સમાચાર ન ફેલાવો. તેની સંપૂર્ણ સમયરેખા મહાવિકાસ આઘાડી સરકારના સમયથી છે. કેન્દ્ર સરકારે ઊર્જા ઉપકરણોના ઉત્પાદન સાથે સંબંધિત પ્રોજેક્ટ ત્રણ ભાગમાં કરવાનું વિચાર્યું છે. પાર્ટ-1ની જાહેરાત થઇ ગઇ છે. પાર્ટ ટુની જાહેરાત થવાની બાકી છે. મહારાષ્ટ્રને તે ટૂંક સમયમાં મળી જશે.
‘જ્યારે કેન્દ્ર સરકાર આવા પ્રોજેક્ટ તૈયાર કરે છે ત્યારે તમામ રાજ્યોમાંથી ટેન્ડર મંગાવવામાં આવે છે. તેમાંથી કોને સંબંધિત પ્રોજેક્ટમાં જવાનું છે તે નક્કી થાય છે. દરેક વખતે પ્રોજેક્ટ મહારાષ્ટ્રમાંથી જવા માટે હોબાળો થાય છે, તે ખોટું છે. તેનાથી મહારાષ્ટ્રની બદનામી થાય છે. રાજ્યમાં પ્રોજેક્ટ લાવવા માટે જે અધિકારીઓ દિવસ-રાત મહેનત કરી રહ્યા છે તેમનો ઉત્સાહ પણ ઠંડો પડી ગયો છે. માહિતી મેળવ્યા વિના મહાવિકાસ અઘાડીની નિષ્ફળતા અમારા માથા પર નહીં થોપો,’એમ ફડણવીસે જણાવ્યું હતું.