અત્યાર સુધી ૧૨૬…. બાળકોને લાગ્યો ઓરીનો ચેપ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં મંગળવારે વધુ એક બાળકનું ઓરીથી મૃત્યુ થયું હતું. નળ બજારમાં રહેતા એક વર્ષના બાળકના મૃત્યુની સાથે જ મુંબઈમાં અત્યાર સુધી બેના મૃત્યુ થયા છે. મુંબઈમાં આ વર્ષમાં અત્યાર સુધી ઓરીના ૧૨૬…. કેસ નોંધાઈ ચૂક્યા છે.
પાલિકાના આરોગ્ય ખાતાના જણાવ્યા મુજબ સોમવારે નળ બજારમાં રહેતા એક વર્ષના બળકોનું પાલિકાની ચિંચપોકલીમાં આવેલી કસ્તુરબા હૉસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. બાળક પર ગયા અઠવાડિયાથી હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.
પાલિકાના આરોગ્ય ખાતાના કહેવા મુજબ બાળકનું મરણ કિડની ખરાબ થવાની સાથે જ સપ્ટિસેમિયા (બેક્ટરિયાને લીધે લોહીમાં ઝેર ફેલાતા) તથા ફેફસાંમાં ચેપ લાગતા થયું હતું.
મુંબઈના અમુક વિસ્તારમાં મોટા પ્રમાણમાં ઓરીનો ચેપ ફેલાયો છે. સપ્ટેમ્બરમાં ઓરીના ૯૯ કેસ નોંધાયા હતા. તો જાન્યુઆરીથી અત્યાર સુધી ૧૨૬ કેસ નોંધાયા છે.
પાલિકા દ્વારા બાળકોમાં ફેલાઈ રહેલા ઓરીના ચેપની સારવાર માટે ક્સ્તુરબામાં સ્પેશિયલ વોર્ડ ઊભો કરવામાં આવ્યો છે.
પાલિકા આરોગ્ય ખાતાના રિપોર્ટ મુજબ કસ્તુરબામાં હાલ ૬૧ બાળકો સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં છે, જેમનામાં ઓરીના લક્ષણો જણાયાં છે. આ લોકોને ચારથી ૧૪ નવેમ્બરની વચ્ચે આવ્યા હતા.
પાલિકા દ્વારા આ રોગની સારવાર માટે તેમના ૯થી ૧૬ વર્ષનાં બાળકોને વૅક્સિન આપી દેવાની સતત અપીલ કરવામાં આવી રહી છે.
ઓરીમાં બાળકોને તાવ, શરદી, ઉધરસ અને શરીર પર રેસીશ થાય છે. જે બાળકોના તમામ વૅકિસન થયા નથી તેવાં બાળકોને આ ચેપ લાગવાનું પ્રમાણ વધુ છે.
પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલે કહ્યું હતું મુંબઈના અમુક વિસ્તારોમાં ૧૯,૨૦૦ બાળકોએ ઓરીની વૅક્સિન લીધી ન હોવાનું સામે આવ્યું છે. પાલિકા આ બાળકોને શોધી રહી છે. તેમાંથી ૯૦૦ બાળકો ઓરીના શંકાસ્પદ કેસ છે. તો અમુકને ઓરીનો ચેપ લાગ્યો છે. પાલિકા પાસે આરોગ્ય વ્યવસ્થા સક્ષમ હોવાનું પણ કમિશનરે કહ્યું હતું. હૉસ્પિટલમાં ૧૫,૦૦૦ દર્દીને દાખલ કરી શકાય તે મુજબની વ્યવસ્થા કરવામાં આવી છે.