મુંબઈ: મુંબઈ પોલીસની ભરતીની ઝુંબેશમાં સાંતાક્રુઝના કાલિના યુનિવર્સિટી ગ્રાઉન્ડ પર વાશિમનો ૨૬ વર્ષનો યુવક શારીરિક પરીક્ષા આપવા સમયે ઢળી પડ્યો અને બાદમાં મૃત્યુ પામ્યો હોવાની ઘટના તાજી છે ત્યાં જ મંગળવારે અમરાવતીનો ૨૯ વર્ષનો યુવક પણ આવી જ પરીક્ષા આપ્યા બાદ દક્ષિણ મુંબઈમાં હોટેલની રૂમમાં ગયા બાદ મૃત્યુ પામ્યો
હતો.
એમઆરએ માર્ગ પોલીસે આ પ્રકરણે એડીઆર દાખલ કરીને તપાસ આદરી હતી. મૃતકની ઓળખ અમર સોલંકી તરીકે થઇ હતી, જે અમરાવતીના નવસારીનો રહેવાસી હતો. તેણે પોલીસ ડ્રાઇવર કોન્સ્ટેબલના પદ માટે અરજી કરી હતી. તે શારીરિક પરીક્ષા આપવા માટે સોમવારે રાતે આવ્યો હતો અને સીએસએમટી ખાતે હોટેલમાં રોકાયો હતો.
મંગળવારે સવારે ૮.૪૫ વાગ્યે કાલિના યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં તેની ફિલ્ડ ટેસ્ટ હતી. બાદમાં તે હોટેલમાં પાછો ગયો હતો. ફિલ્ડ મેડિકલ ટીમ પાસે તેણે કોઇ પણ અસ્વસ્થતા અંગે ફરિયાદ કરી નહોતી, એમ પોલીસ અધિકારીએ કહ્યું હતું.
એમઆરએ માર્ગ પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર રાજેશ પવારે જણાવ્યું હતું કે મંગળવારે બપોરે ત્રણ વાગ્યે તે હોટેલમાં પહોંચ્યા બાદ ૩.૪૫ વાગ્યે સ્નાન કરવા ગયો હતો. જોકે તેને સારું નહી લાગતાં તે બહાર આવી ગયો હતો. તેને ઊલટી થઇ અને બાદમાં તે બેભાન થઇ ગયો હતો. તે સમયે રૂમમાં હાજર મહિલાએ મેનેજરને બોલાવી લીધો હતો. અમરને બાદમાં નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.
અમે પોસ્ટમોર્ટમનો અહેવાલ અને વિસેરાના નમૂનાના અહેવાલની રાહ જોઇ રહ્યા છીએ. જે પછી મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાશે, એમ પવારે કહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે શુક્રવારે સવારે વાશિમના યુવક ગણેશ ઉગલેએ ૧,૬૦૦ મીટર રેસમાં ભાગ લીધો હતો. ફિનિશ લાઇન પાર કર્યા બાદ તે ઢળી પડ્યો હતો. ગણેશને હોસ્પિટલમાં દાખલ કરાતાં તેનું સારવાર દમિયાન મૃત્યુ થયું હતું.