ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે નારાજ નેતાઓના પક્ષ પલટાનો દોર યથવાત છે. ત્યારે NCPને વધુ એક ઝટકો લાગ્યો છે. ટિકિટ ન મળતા રેશ્મા પટેલે NCP માંથી રાજીનામું આપી દીધું છે. તેમણે NCPના તમામ સભ્યપદેથી રાજીનામું આપ્યું છે. થોડા દિવસ પહેલા જ કુતિયાણાના NCP વિધાનસભ્ય કાંધલ જાડેજાએ પણ રાજીનામું આપ્યું હતું.
મળતી માહિતી મુજબ રેશ્મા પટેલે ગોંડલ બેઠક પર ટિકિટ માંગી હતી. પંરતુ એનસીપી અને કોંગ્રેસનાં ત્રણ બેઠકનાં ગઠબંધનને કારણે તેમને ગોંડલ બેઠક પર NCP ઉમેદવાર ઉભો રાખી શકે એમ ન હતી. જેથી રેશ્મા પટેલ NCPથી નારાજ હતા.
રેશ્મા પટેલે જણાવ્યુ હતુ કે, આ ગઠબંધનથી હું ઘણી દુખી છું. આ સાથે સૌરાષ્ટ્રની કોઇપણ બેઠક પર અમને મેન્ડેટ આપવામાં આવ્યો નથી. આ રાજનીતિ છે અહીં મહિલાઓ અને જાતે સંઘર્ષ કરતા લોકોને વધારે મહેનત કરવી પડે છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે રેશમા પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાશે. આજે અમદાવાદના પ્રદેશ કાર્યાલય ખાતે રેશમા પટેલ રાજ્યસભાના સાંસદ અને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાની હાજરીમાં AAPમાં સામેલ થશે.
આમ આદમી પાર્ટીમાં જોડાતાની સાથે જ વિરમગામ ઉમેદવારને બદલી રેશમા પટેલને ટીકીટ અપાઈ તેવી શક્યતા છે. વિરમગામથી ભાજપના ઉમેદવાર અને અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ સામે રેશમા પટેલને મેદાનમાં ઉતારાય એવી ચર્ચા છે.