મોંઘવારીથી ત્રસ્ત સામાન્ય નાગરીકોને મોંઘવારીનો વધુ એક ફટકો પડ્યો છે. જીવન જરૂરીયાતની તમામ વસ્તુઓના ભાવ સતત વધી રહ્યા છે એવામાં સિંગ તેલના ભાવમાં તોતિંગ વધારો થયો છે. સિંગતેલના 15 કિલોના ડબ્બામાં રૂપિયા 50 નો વધારો થયો છે. આ સાથે છેલ્લા 3 દિવસમાં સિંગ તેલમાં 90 રૂપિયાનો વધારો થયો છે.
હવે સિંગતેલના 15 કિલોના ડબ્બાનો ભાવ રૂ.2770 થી વધીને રૂપિયા રૂ.2820 પર પહોંચ્યો છે.મગફળીનું ઉત્પાદન વધી રહ્યું હોવા છતાં સિંગતેલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. સિંગતેલ સિવાય અન્ય તેલોનાં ભાવમાં કોઈ ખાસ અસર નથી દેખાઈ. કપાસિયા તેલનાં ડબ્બાનાં ભાવ રૂ.2000થી નીચે છે.
મળતી માહિતી મુજબ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની મબલક આવક છતાં સિંગતેલના ભાવમાં તેજી જોવા મળી રહી છે. ખેડૂતોને માર્કેટ યાર્ડમાં મગફળીના રૂ.1300 થી 1650 સુધીના ભાવ મળી રહ્યા છે. દરરોજ 10 થી 12 હજાર ગુણી મગફળીની આવક બેડી માર્કેટ યાર્ડમાં થઈ રહી છે.
વેપારીઓના કહેવા પ્રમાણે મબલક આવક છતાં મગફળી પિલાણ માટે ઓઈલ મિલ સુધી નથી પહોંચી રહી જેને કારણે સિંગતેલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. સીંગતેલના ડબ્બાના ભાવ આવનારા દિવસોમાં 3,000 ને પાર જઈ શકે છે. સિંગતેલની ડિમાન્ડ પણ સતત વધી રહી છે જેને કારણે ભાવ વધી રહ્યા છે.