Homeલાડકીદક્ષિણની ઝાંસીની રાણી તરીકે પ્રચલિત થયેલી તમિળનાડુની અંજલિ અમ્માલ

દક્ષિણની ઝાંસીની રાણી તરીકે પ્રચલિત થયેલી તમિળનાડુની અંજલિ અમ્માલ

ભારતની વીરાંગનાઓ -ટીના દોશી

તમિળનાડુની એક એવી સ્ત્રી જેની નીડરતા, સાહસ અને હિંમત જોઇને ગાંધીજીએ એને દક્ષિણની ઝાંસી રાણી તરીકે ઓળખાવેલી…
નામ એનું અંજલિ અમ્માલ. ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં તમિળનાડુની અગ્રીમ હરોળની સ્વતંત્રતા સેનાની. મહાત્મા ગાંધીના અસહકાર આંદોલનમાં સહભાગી થયેલી દક્ષિણ ભારતની સર્વપ્રથમ સ્ત્રી. સ્વરાજની લડતમાં વારંવાર જેલવાસ ભોગવેલો એણે. તમિળનાડુ વિધાનસભાની પ્રથમ મહિલા વિધાનસભ્ય પણ એ જ હતી. ત્રણ ત્રણ વાર એ ચૂંટાયેલી.
અંજલિ અમ્માલનો જન્મ કુડલોર જિલ્લાના મુધુનગરમાં ૧૮૯૦માં થયેલો. એનો પરિવાર સામાન્ય સ્થિતિનો હતો. અંજલિએ પાંચમા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો. અંજલિનાં માતાપિતા અંગેની વિગતો ઉપલબ્ધ નથી, પણ એના પતિનું નામ મુરુગપ્પા હતું. મુરુગપ્પા એક સામયિક સાથે જોડાયેલો હતો. અંજલિ અને મુરુગપ્પાનું જીવન એક સાધારણ કુટુંબનું હોય એવું જ હતું.
કેટલાંક વર્ષો આમ જ પસાર થઇ ગયાં. સામાન્ય ગૃહિણી તરીકેનું જીવન જીવતી અંજલિ એકત્રીસ વર્ષની થઇ. એ જ અરસામાં, ૧૯૨૧માં મહાત્મા ગાંધીજીએ અસહકાર આંદોલનનો આરંભ કર્યો. ગાંધીજી ભારતભરમાં ઘૂમીને અસહકારનો સિદ્ધાંત સમજાવતા. અસહકારમાં સહકાર કરવા સમજાવવા માટેની સભાઓ ભરતા. જનમેદનીને સંબોધતાં કહેતા: ગીતા, રામાયણ, કુરાન અને બાઇબલે આપણને શીખવ્યું છે કે દેવો અને દાનવો વચ્ચે કોઈ સહકાર સંભવી ન શકે. સંત અને સેતાનની વચ્ચે કોઈ મિત્રાચારી, અરસપરસની મદદ કે સહકાર હોઈ ન શકે… હું આજ તમારી સામે… વજનવાળો અને દુનિયાની જોરાવરમાં જોરાવર સરકારને પણ થંભાવી દે એવો જોરાવર અસહકાર કરવા વીનવી રહ્યો છું… સરકાર તમારી ઈજ્જત સાચવવાને બદલે લૂંટવા લાગે ત્યારે તેવી સરકારની જોડે સહકાર નહીં પણ અસહકાર તેટલો જ જરૂરી ધર્મ છે.
ગાંધીવાણીથી પ્રભાવિત થઈને અંજલિ અમ્માલના જીવનનો પ્રવાહ પલટાયો. દેશને આઝાદ કરાવવાની લડતમાં એક અદના સિપાહી તરીકે કામગીરી અદા કરવાનો એણે સંકલ્પ કર્યો. અસહકાર આંદોલનમાં ભાગ લીધો. માત્ર તમિળનાડુની જ નહીં, સંપૂર્ણ દક્ષિણ ભારતમાંથી અસહકાર આંદોલનમાં ભાગ લેનારી એ પ્રથમ મહિલા બની. અંજલિ અમ્માલ સ્વાતંત્ર્ય માટેના સંગ્રામમાં નાનીમોટી કામગીરી કરતી રહી, પણ જે મહત્ત્વના સત્યાગ્રહમાં સહભાગી થઇ એ નીલની પ્રતિમા હટાવવા અંગેનો હતો. નીલ સ્ટેચ્યૂ સત્યાગ્રહ તરીકે ઓળખાયેલું આ આંદોલન ૧૯૨૭માં મદ્રાસ પ્રેસિડેન્સીમાં થયેલું. તત્કાલીન મદ્રાસમાં અત્યારના અન્ના સલાઈ અને તત્કાલીન માઉન્ટ રોડ પર અંગ્રેજ અધિકારી કર્નલ જેમ્સ જ્યોર્જ સ્મિથ નીલનું પૂતળું મુકાયેલું. જેમ્સ નીલ મદ્રાસ ફ્યૂસિલિયર્સ રેજીમેન્ટનો કર્નલ હતો. ફ્યૂસિલિયર એટલે સશસ્ત્ર સૈનિક કે લડવૈયો. ભારતના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ ગણાતા ૧૮૫૭ના વિદ્રોહને ડામવામાં અને કચડવામાં કર્નલ જેમ્સ નીલની મહત્વની ભૂમિકા હતી. લખનઊમાં થયેલી એક ઘેરાબંદી દરમિયાન એ માર્યો ગયેલો. ભારતીય પ્રજામાં એ ‘અલાહાબાદનો કસાઈ’ તરીકે બદનામ અને કુખ્યાત થયેલો. ભારતીયો માટે ખલનાયક બની ગયેલો આ કર્નલ જેમ્સ નીલ બ્રિટિશ સરકારની આંખોમાં નાયક હતો. માત્ર નાયક જ નહીં, શહીદ પણ. બ્રિટિશ સરકારે ૧૮૬૧માં માઉન્ટ રોડ બાર ફૂટ ઊંચો ઓટલો ચણીને એના પર કર્નલ નીલનું દસ ફૂટનું કાંસાનું પૂતળું બેસાડેલું. આટલા ઊંચા ઓટલા અને પૂતળાને કારણે કર્નલ નીલ વિરાટ અને આજુબાજુનું સઘળું વામણું દેખાતું હતું. નીલ મહાકાય અને એના પૂતળા પાસેથી પસાર થતાં માણસો મગતરા જેવા દેખાતાં.
નીલનું આ પૂતળું ભારતના દેશપ્રેમીઓને ખૂંચતું અને ખટકતું હતું. એમણે ૧૯૨૭માં નીલના પૂતળાને નિશાન બનાવ્યું. મદ્રાસ મહાજન સભા અને ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસની મદ્રાસ પ્રાંતીય સમિતિએ નીલનું પૂતળું હટાવવા અંગેનો ઠરાવ સર્વાનુમતે પસાર કર્યો. તેમણે મદ્રાસમાં નીલના સ્મારકના વિરોધમાં પ્રદર્શનો ભરવાના શરૂ કર્યા. તિરુનેલવેલીના એસ. એન. સોમાયાજુલુના નેતૃત્વમાં આ વિરોધ પ્રદર્શનો યોજાયેલાં. એમાંની એક પ્રદર્શનકારી અંજલિ અમ્માલ પણ હતી. અંજલિએ પોતાની નવ વર્ષની દીકરી અમ્માકાન્નુને પણ વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા માટે પ્રેરેલી.
બ્રિટિશ સલ્તનતે નીલ સ્મારક સત્યાગ્રહને કચડવાનું નક્કી કર્યું. કેટલાક પ્રદર્શનકારીઓને એમણે પકડીને જેલભેગા કરી દીધાં. અંજલિ અમ્માલને પણ એની દીકરી અમ્માકાન્નુ સાથે જેલમાં પૂરી દેવામાં આવી.
આ ગાળામાં મદ્રાસની મુલાકાતે આવેલા ગાંધીજીએ સત્યાગ્રહનું સમર્થન કર્યું. જેલમાં પુરાયેલા પ્રદર્શનકારીઓને પણ એ મળ્યા. અંજલિ અને એની દીકરીને પણ મળ્યા. એ સમયે મદ્રાસ વિધાનસભાએ પણ નીલની પ્રતિમા હટાવવાનો ઠરાવ પસાર કર્યો, પણ કાંઈ વળ્યું નહીં. કેટલોક વખત આંદોલનનો અગ્નિ પ્રજ્વલિત રહ્યો, પણ ધીમે ધીમે આંદોલનના અંગારા પર રાખ ફરી વળી, પણ દસ વર્ષ પછી, ૧૯૩૭માં સી. રાજગોપાલાચારીના વડપણ હેઠળ મદ્રાસમાં કૉંગ્રેસ સરકાર રચાઈ. રાખ ઊડી ગઈ અને અંગારા ફરી ભભૂક્યા. મદ્રાસ મહાપાલિકાએ નીલ સ્મારક હટાવવાનો ઠરાવ પસાર કર્યો. રાજગોપાલાચારીએ નીલનું પૂતળું હટાવીને મદ્રાસ સંગ્રહાલના માનવશસ્ત્ર વિભાગમાં મુકાવી દીધું. જેના વિરોધમાં પ્રદર્શનો યોજાતા હતા, એ જેમ્સ નીલ ખુદ પ્રદર્શનનો હિસ્સો બની ગયો. આ રીતે અંજલિ અમ્માલ અને અન્ય સત્યાગ્રહીઓના પ્રયાસોનો મોડો મોડો પણ વિજય થયો.
અંજલિ અમ્માલે એ પછી ૧૯૩૦ના નમક સત્યાગ્રહમાં ભાગ લીધો. પહેલી વાર મીઠુ ઉપાડ્યું પછી બરાબર એક અઠવાડિયે એટલે કે ૧૩મી એપ્રિલના ગાંધીજીએ દાંડીમાં બહેનોનું સંમેલન બોલાવેલું. આ સંમેલનોમાં બહેનોને દારૂનાં પીઠાં અને પરદેશી કાપડની દુકાનો પર ચોકી કરવાનું અને ખાદી વેચવા સારુ ફેરી કરવાનું કહેવામાં આવ્યું. ગાંધીજીએ કહેલું: ભારતની સ્ત્રીઓ માટેનો સંદેશો હું તૈયાર કરી રહ્યો છું. મારી વધારે ને વધારે ખાતરી થતી જાય છે કે સ્વાતંત્ર્યપ્રાપ્તિની લડતમાં પુરુષો કરતાં આ દેશની સ્ત્રીઓ પોતાનો વધારે મોટો હિસ્સો આપી શકે તેમ છે. પુરુષો માને છે તેમ તેઓ અબળા નથી. તેમનામાં સાચા પ્રકારની હિંમત વધારે મોટા પ્રમાણમાં છે. સ્વાત્માર્પણનો જુસ્સો અમાપ છે. વળી સ્ત્રીના કરતાં હૃદયને વધારે અસરકારક અપીલ બીજું કોણ કરી શકે?
નૈતિક ક્ષેત્રે સ્ત્રીઓના પરાક્રમ અંગે ગાંધીજીની અંત:સ્ફુર્તિથી જન્મેલી શ્રદ્ધા મીઠાના સત્યાગ્રહ દરમિયાન આબાદ રીતે સાચી ઠરી. ભારતના ઇતિહાસમાં કોઈ પણ પ્રકારના સામાજિક મહત્ત્વના કામમાં આટલી મોટી સંખ્યામાં સ્ત્રીઓ ત્યાર પહેલાં કદીયે બહાર નહોતી આવી. ગાંધીજીની હાકલથી જ અંજલિ અમ્માલે પણ પિકેટિંગની જવાબદારી ઉઠાવી લીધી. જોકે, સત્યાગ્રહ દરમિયાન પોલીસના લાઠીમારથી બૂરી રીતે ઘવાયેલી. છતાં ફરજમાંથી પાછીપાની કરી નહોતી.
એકાદ વર્ષ પછી, ૧૯૩૧માં અંજલિએ અખિલ ભારતીય મહિલા સંમેલનની બેઠકની અધ્યક્ષતા કરી. એના વર્ષ બાદ, ૧૯૩૨માં એક સત્યાગ્રહમાં સહભાગી થવાને કારણે અંજલિને વેલ્લોર જેલમાં બંદી બનાવવામાં આવી. એ વખતે ગર્ભવતી અંજલિની પ્રસૂતિનો સમય હોવાથી એને જામીન પર છોડવામાં આવી. બાળકના જન્મના બે અઠવાડિયા પછી ફરી જેલમાં. જેલવાસ પૂરો થયા પછી અંજલિ ફરી સ્વતંત્રતા સંગ્રામમાં જોડાઈ ગઈ. દરમિયાન એક વાર ગાંધીજી કુડલુર પધાર્યા. બ્રિટિશ સરકારે ગાંધીજીને અંજલિને મળવા પર પ્રતિબંધ મૂકી દીધો, પણ અંજલિ અમ્માલ જેનું નામ. એ બુરખો ધારણ કરીને ઘોડાગાડીમાં બેસીને ગાંધીજીને મળવા આવી. એના આ સાહસને કારણે ગાંધીજીએ એને દક્ષિણની ઝાંસી રાણી કહીને બિરદાવી.
સાહસિક અંજલિએ એ પછી તો ભારત છોડો આંદોલનમાં પણ જોમજુસ્સાથી ભાગ લીધો. દેશ આઝાદ થયા પછી અંજલિ અમ્માલ ત્રણ ત્રણ વાર તમિળનાડુ વિધાનસભામાં ચૂંટાઈને વિધાનસભ્ય બની, છતાં આજે પણ દક્ષિણ ભારતીયોમાં ‘દક્ષિણની ઝાંસી રાણી’ તરીકે જ મશહૂર છે!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -