સંજય ગાંધી નેશનલ પાર્ક (SGNP) ખાતે શુક્રવારે હાથ ધરવામાં આવેલી વાર્ષિક વોટરહોલ સેન્સસ દરમિયાન 433 જેટલા પ્રાણીઓ જોવા મળ્યા હતા. પાછલા વર્ષો કરતા આ સંખ્યા ઓછી છે, પરંતુ વન વિભાગ માને છે કે આનો અર્થ એવો નથી કે પાર્ક ખાતે વનજીવન ઓછું થઈ રહ્યું છે.
બુદ્ધ પૂર્ણિમાની રાત્રે કરવામાં આવેલી ગણતરીમાં રાષ્ટ્રીય ઉદ્યાન અને તેની બહારના ભાગમાં, કૃષ્ણગિરી ઉપવન, યેઉર અને તુલસી વન તેમજ તુંગારેશ્વર વન્યજીવ અભયારણ્યમાં લગભગ 40 કૃત્રિમ અને કુદરતી વોટરહોલ્સનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આશરે 190 ચોરસ કિલોમીટરનો કુલ વિસ્તાર કવર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
દેશના ઘણા ભાગોમાં હવે કેમેરા ટ્રેપિંગથી પ્રાણીઓનું ગણતરી થાય છે, પણ અહીં પારંપારિક પદ્ધતિથી ગણતરી થાય છે જે વર્ષો પહેલાની સિસ્ટમ હતી. જોકે ગુજરાતના સાસણ ગીર ખાતે પણ આ રીતે ગણતરી થાય છે. કોરોનાના કારણે ૨૦૨૦ અને ૨૦૨૧ના વર્ષમાં ગણતરી થઈ ન હતી.
આ વર્ષે જોવા મળેલા 433 પ્રાણીઓમાંથી 243 સસ્તન પ્રાણીઓ, પાંચ સરિસૃપ (રેપ્ટાઈલ્સ) અને 185 જંગલી પક્ષીઓ હતા. તાજેતરના વર્ષોમાં નોંધાયેલા આ સૌથી ઓછા આંકડા હોવાનું જાણવા મળે છે. 2017માં, વોટરહોલ સેન્સસ દરમિયાન 995 જેટલા પ્રાણીઓ નોંધાયા હતા, જે ધીમે ધીમે ઘટીને 2018માં 671 અને 2019માં 590 થઈ ગયા હતા. જે દુઃખનો વિષય છે.
આ વર્ષની વસ્તી ગણતરીમાં ચાર ચિત્તા, બે જંગલી બિલાડીઓ અને એક મગર ઉપરાંત અનેક હરણ, જંગલી ડુક્કર અને મોરનો સમાવેશ થાય છે.
ગણતરી દર વર્ષે બુદ્ધ પૂર્ણિમાના દિવસે કરવામાં આવે છે કારણ કે વધુ કુદરતી પ્રકાશ સાથે પ્રાણીઓને શોધવાનું પ્રમાણમાં સરળ છે. તે વોટરહોલ્સની નજીક હાથ ધરવામાં આવે છે, જ્યાં ઉનાળા દરમિયાન પ્રાણીઓ જોવા મળે છે કારણ કે જંગલની અંદરના તાજા પાણીના પ્રવાહો સુકાઈ જાય છે.
જોકે વન વિબાગના અધિકારીના જણાવ્યા અનુસાર ઓછા પ્રાણી દેખાયા છે તેનો અર્થ એ નથી કે વન્ય જીવન ઓછું થઈ ગયું છે. હવે આ પદ્ધિતિથી ગણતરી થતી નથી, પરંતુ અમે ૨૧ વર્ષથી આ પરંપરાને અનુસરી રહ્યા છીએ. બુદ્ધ પૂર્ણિમાના દિવસે વધારે પ્રકાશ હોવાથી પ્રાણીઓને જોવામાં સરળતા રહે છે. આ પદ્ધતિ અનુસાર ઉનાળામાં જંગલના પીવાના પાણીના પ્રવાહો સૂકાઈ જતા હોવાથી પ્રાણીઓ આ વોટરબોડી આસપાસ આવે છે અને તે રીતે તેની ગણતરી થાય છે. ઘણા નિષ્ણાતો આને સચોટ પદ્ધતિ નથી માનતા.