5 દિવસમાં 3નો લેવાયો ભોગ
ગુજરાતમાં છેલ્લા અનેક દિવસથી વન્ય પ્રાણીઓ હિંસક બની રહ્યાં છે. એક તરફ જ્યાં દીપડાનો ત્રાસ વધી રહ્યો છે, તો બીજી તરફ ગીરની સિંહ અને સિંહણો પણ હિંસક બની રહ્યા હોવાના સમાચાર સાંભળવા અને વાંચવા મળી રહ્યા છે. છેલ્લાંએક અઠવાડિયામાં વન્ય પ્રાણીઓના ચાર જેટલા હુમલાની ઘટનાઓ સામે આવી છે. જેમાં ત્રણ બાળકોને વન્ય પ્રાણીઓએ ફાડી ખાધા હતા. આજે પીપાવાવ પોર્ટમાં વહેલી સવારે પરપ્રાંતીય યુવાન ઉપર સિંહણે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી હતી.
સિંહણ સિંહબાળ પરિવાર સાથે સામે આવતા પરપ્રાંતીય યુવાન મંગળ હેગડા ડરના કારણે ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જેથી સિંહણ પણ તેની પાછળ દોડી હતી અને તેના પર હુમલો કર્યો હતો. સદભાગ્યે ત્યાંથી આવી રહેલી એક બસના ચાલકે આ ઘટના જોઈ અને તેણે યુવકને બચાવ્યો હતો. યુવકને ગંભીર ઇજા થતાં મહુવા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પીપાવાવ પોર્ટ વિસ્તારમાં અત્યાર સુધીમાં પહેલી ઘટના બનતા વનવિભાગમાં દોડધામ મચી ગઈ છે. સિંહણના હુમલાની ઘટનાની ઊંડાણ પૂર્વક તપાસ શરૂ કરાઈ છે.
અમરેલી જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી વન્ય પ્રાણીઓનો શિકારની ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં ત્રણ બાળકોનો ભોગ લેવાયો હતો. આ પહેલાં લીલીયા રેન્જમાં આવેલાં ખારા ગામમાં એક સિંહણે પાંચ મહિનાના માસુમ બાળકનો શિકાર કર્યો હતો અને એ જ દિવસે મોડી રાત્રે એક દીપડાએ સાવરકુંડલાના કરજાળા ગામે ત્રણ વર્ષના બાળકનો ભોગ લીધો હતો. જ્યારે રાજુલા તાલુકાના કાતર ગામે એક રહેણાંક મકાનમાં ગઈ કાલે રાત્રે એક દીપડો ઘરમાં ઘૂસીને બે વર્ષના માનવ ગોપાલભાઈ પરમાર નામના બાળકનું ગળું પકડીને બાવળની જાળીમાં લઈ ગયો હતો. પરિવાર જાગી જતા હિંમત રાખીને અવાજ કરતા દીપડો બાળક મૂકીને ભાગી ગયો હતો.
બાળકને તાત્કાલિક રાજુલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, ત્યારે મોડી રાત્રે બાળકની હાલત વધુ બગડતા બાળકને એમ્બ્યુલન્સ મારફતે વધુ સારવાર માટે મહુવાની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ બાળકને સારવાર મળે એ પહેલા જ તેનું મૃત્યુ થઈ ગયું હતું. બીજી બાજુ લીલીયાના ખારા ગામમાં 5 મહિનાના બાળકને મોતને ઘાટ ઉતારનાર સિંહણને વનવિભાગના અધિકારીઓ દ્વારા પાંજરે પુરવામાં હતી.
આ તમામ ઘટનાઓની વન વિભાગ દ્વારા નોંધ લેવાઈ રહી છે. અમરેલી જિલ્લામા છેલ્લા 5 દિવસની અંદર 3 માસુમ બાળકોનો વન્ય પ્રાણીઓના હુમલામાં મોત થયા છે. હવે એવુ લાગી રહ્યુ છે કે, વન્ય પ્રાણીઓ વધુને વધુ હિંસક બની રહ્યાં છે. આ અગાઉ કયારેય આ પ્રકારના હુમલાઓની ઘટના સામે નહોતી આવતી. અત્યાર સુધી ગીરના જંગલમાં માણસો અને સાવજ બંને જણ શાંતિથી સંપીને રહેતા હતા. પરંતુ હવે ગીરના સિંહો પણ હિંસક બની રહ્યાં હોવાનું સામે આવી રહ્યું છે.