Homeઆમચી મુંબઈઅંધેરીનો બ્રિજ બંધ હોવાથી પરેશાની પારાવાર

અંધેરીનો બ્રિજ બંધ હોવાથી પરેશાની પારાવાર

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: અંધેરી પૂર્વ અને પશ્ર્ચિમને જોડનારો મુખ્ય રસ્તો ગણાતા ગોપાલ કૃષ્ણ ગોખલે પુલને બંધ કરવાના ત્રણ દિવસમાં જ વાહનચાલકો અને રાહદારીઓ હેરાનપરેશાન થઈ ગયા છે. છતાં પાલિકા પ્રશાસન અને રેલવે પ્રશાસનને લોકોની હાલાકીની કોઈ પરવા જ ન હોવાનું જણાઈ રહ્યું છે. રેલવેની હદમાં આવતા પુલને તોડવાને લઈને રેલવે અને પાલિકા પ્રશાસન વચ્ચે ચાલી રહેલા વિવાદ પર બીજા દિવસે પણ કોઈ નિર્ણય લેવાયો નહોતો. તેથી પુલ તોડશે કોણ તેનો નિર્ણય લેવાતો નથી ત્યાં સુધી તેનું કામ પણ આગળ વધવાનું નથી.
આ અઠવાડિયાની શરૂઆતમાં જ રેલવેને તેમની હદમાં આવતા પુલના હિસ્સાને તોડી પાડવા માટે પાલિકાએ તેમને કહ્યું હતું. જોકે રેલવે પ્રશાસને એવો દાવો કર્યો હતો કે ભૂતકાળમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે રેલવેની હદમાં આવતા પુલના હિસ્સા સહિતના સમગ્ર પુલને તોડી પાડવાનું કામ પાલિકા જ કરશે.
સાત નવેમ્બરથી ગોખલે પુલ વાહનવ્યવહાર અને રાહદારીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો છે ત્યારથી તેના બદલે આપવામાં આવેલા પર્યાયી માર્ગો પર ભયંકર ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ છે. પાલિકાએ ગોખલે પુલ ૧૦ મહિનાની અંદર બાંધી દેવાની સમયમર્યાદા નક્કી કરી હતી, પરંતુ તેમનો ઈરાદો સફળ થાય એવી શક્યતા જણાતી નથી, કારણ કે હજી સુધી પુલના પુન:નિર્માણ માટેનાં ટેન્ડરો બહાર પાડવામાં આવ્યાં હતાં. બુધવારે પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલે બહુ જલદી પુલના કામના ટેન્ડર બહાર પાડવામાં આવશે એવું કહ્યું હતું.
બુધવારે પાલિકાના અનેક અધિકારીઓએ ગોખલે પુલની સાઈટની મુલાકાત લીધી હતી. વાહનચાલકોને અગવડ થાય નહીં તે માટે હાલ અહીં પર્યાયી રૂટની માહિતી આપતા બોર્ડ લગાવવામાં આવ્યાં છે. પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ મે, ૨૦૨૩ સુધીમાં પુલની બે લેન ખુલ્લી મૂકી દેવાની યોજના છે. બાકીની બે લેન સપ્ટેમ્બર, ૨૦૨૩ સુધીમાં ખુલ્લી મુકવામાં આવશે.
પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ રેલવેએ જુલાઈ, ૨૦૨૧માં પાલિકાને પુલનું કામ કરવા કહ્યું હતું. પાલિકાએ ઑગસ્ટ, ૨૦૨૧માં તેની માટે ક્ધસલ્ટન્ટની નિમણૂક કરી હતી. ૯૦ મીટરના સ્પેન ડ્રોઈંગ રેલવેને સબમિટ કરવામાં આવ્યું હતું, તેમાં અનેક ફેરફાર કરવામાં આવ્યા છે. છેવટે મે, ૨૦૨૨માં તેને મંજૂર કરવામાં આવ્યું હતું. પાલિકાએ આઈઆઈટી બોમ્બેનો પણ સંપર્ક કર્યો હતો અને રેલવેની ઉપરના હિસ્સાની ડિઝાઈન પણ જલદીમાં જલદી મંજૂર કરવાની તેમને વિનંતી કરી હતી. જેને આઈઆઈટી બોમ્બે આ અઠવાડિયામાં ફાઈનલ કરવાને રાજી થઈ છે.
આ દરમિયાન વોર્ડ સ્તરે અધિકારીઓએ ટ્રાફિક મૂવમેન્ટ ઝડપી કરવા માટે વૈકલ્પિક માર્ગોનું રિસર્ફેસિંગ હાથ ધરવાનો નિર્દેશ આપ્યો હતો ત્યાં કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે.
અહીં ઉલ્લેખનીય છે કે પાલિકાએ પહેલી નવેમ્બરના જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ (ટ્રાફિક)ને પત્ર લખીને વાહનોની અવરજવર માટે આ પુલ બંધ કરવા માટે કહ્યું હતું. પુલની તપાસ દરમિયાન પુલના આરસીસી કૉલમ, ટાઈમ બીમ, ગ્રિડર્સ, ડેક સ્લેબ અને બેરિંગ્સ જેવા પુલના વિવિધ ભાગને ભારે નુકસાન થયું હોવાનું જણાયું હતું. તેથી પુલ અસુરક્ષિત જણાયો હતો. તેથી તેેને તાત્કાલિક બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -