મહારાષ્ટ્રની રાજધાની મુંબઇની અંધેરી પૂર્વની વિધાનસભાની બેઠક પર થયેલી પેટાચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરે જૂથના ઉમેદવાર ઋતુજા લટકે વિજયી થયા છે. ઋતુજાને ચૂંટણીમાં 66,530 મત મળ્યા છે, પરંતુ રસપ્રદ વાત એ છે કે બીજા નંબરે NOTA ને 12,806 એટલે કે 14.79 ટકા મત મળ્યા છે. આ જીત મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ચૂંટણી પહેલા ઠાકરે જૂથ માટે પ્રોત્સાહન સમાન છે. શિવસેનાના શિંદે જૂથના બળવા પછી ઠાકરે જૂથની આ પ્રથમ મોટી જીત છે.
અંધેરી વિધાનસભા ક્ષેત્રમાં 2 લાખ 71 હજાર મતદારો છે પરંતુ મતદાનના દિવસે 3 નવેમ્બરના રોજ માત્ર 85 હજારથી થોડા વધુ મતદારોએ મતદાન કર્યું હતું. એટલે કે માત્ર 31.74 ટકા મતદાન થયું હતું. કોંગ્રેસ અને એનસીપી શિવસેનાના ઠાકરે જૂથને સમર્થન આપી રહ્યા હતા. સ્વર્ગસ્થ ધારાસભ્ય રમેશ લટકેની વિધવા ઋતુજા લટકેના સમર્થનમાં ભાજપે તેના ઉમેદવારની અરજી પાછી ખેંચી લીધી હતી. આવી સ્થિતિમાં ઠાકરે જૂથ માટે આ જીત માત્ર એક ઔપચારિકતા હતી. શિંદે જૂથે પહેલાથી જ ભાજપના ઉમેદવારના સમર્થનમાં પોતાનો ઉમેદવાર ન ઉતારવાનો નિર્ણય લીધો હતો.
જોકે, ઠાકરે જૂથે જણાવ્યું હતું કે અંધેરીની વિધાનસભાની બેઠકની પેટાચૂંટણીમાં NOTAને બીજા નંબરે મત મળ્યા છે, એ હકીકતમાં ભાજપના મત છે. ભાજપે ઉમેદવારનું નામ પાછું ખેંચીને ઋતુજા લટકે પ્રત્યે સહાનુભૂતિ હોવાનો ઢોંગ કર્યો હતો. ભાજપને તેમની હાર નજર સમક્ષ દેખાતી હતી, તેથી તેમણે પીછેહઠ કરી હતી. આ પછી ભાજપે ષડયંત્ર રચી મતદારોને NOTAની તરફેણમાં મતદાન કરવા પ્રેરિત કર્યા હતા.
ઠાકરે જૂથના નેતા અનિલ પરબે કહ્યું હતું કે, ‘નોટા પર મત આપવા માટે ખુલ્લેઆમ ઝુંબેશ ચલાવવામાં આવી રહી હતી. લોકોને પૈસા આપવામાં આવતા હતા. અમે આ માટે ચૂંટણી પંચ અને પોલીસને ફરિયાદ પણ કરી હતી અને તેમને ઓડિયો-વીડિયો પુરાવા પણ આપ્યા હતા. પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.
ભાજપે NOTA અંગેના આક્ષેપોનું ખંડન કરતા જણાવ્યું હતું કે, લોકોએ NOTA પર વોટ કરીને પોતાની નાપસંદગી જાહેર કરી હતી. લોકશાહીમાં આ લોકોનો અધિકાર છે. અમને દોષ દેવાનો કોઈ અર્થ નથી.