(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વધતા પ્રવાસીઓની સંખ્યાને જોતા રેલવે સતત ટ્રેનની સંખ્યા વધારવાની સાથે સાથે ટ્રેનને એક્સ્ટેન્શન્સ અને ૧૨ ડબ્બામાંથી ૧૫ ડબ્બાની સર્વિસ વધારવાની પ્રકિયા ચાલુ છે અને એના ભાગ રૂપે સોમવારથી પશ્ચિમ રેલવેમાં છ વધુ ૧૨ ડબ્બાની ટ્રેનને બદલે ૧૫ કોચમાં દોડાવાશે. પંદર કોચની સર્વિસ વધતા ટ્રેનોમાં પ્રવાસ ક્ષમતામાં વધારો થશે અને પ્રવાસીઓ ભીડ વિના ટ્રાવેલ કરી શક્શે.
પેસેન્જર કેરિંગ કેપેસિટીમાં ૨૫ ટકાનો વધારો થવાથી લોકલ ટ્રેનોમાં ગીચતા ઘટશે, એમ અધિકારીએ જણાવ્યું હતું. ૧૨ ડબ્બામાંથી ૧૫ કોચની સર્વિસ વધવાથી પ્રવાસીને ફાયદો તો થશે તેની સાથે એકંદરે અકસ્માત થવાનું પ્રમાણ પણ ઘટી શકે છે. આ નવી ૧૫ કોચની છ સર્વિસ પૈકી ત્રણ અપ અને ત્રણ ડાઉન દિશામાં દોડાવાશે, જેથી કુલ ૧૫ કોચની સર્વિસમાં પણ વધારો થશે. હાલમાં કુલ ૧૪૪ સર્વિસ દોડાવાય છે, જે આવતી કાલથી ૧૫૦ થશે. ૧૫ ડબ્બાની સર્વિસ વધારવાની સાથે કોઈ નવી સર્વિસમાં વધારો થશે નહિ. અલબત્ત નિયમિત રીતે ચર્ચગેટ વિરાર/દહાણુ સેકશનમાં કુલ મળીને એસી લોકલ (૭૯) સર્વિસ સાથે ૧,,૩૮૩ સર્વિસ ચાલુ રહેશે, એમ સત્તાવાર જણાવાયું હતું.