હત્યા કેસમાં દોષિત ઠરેલ બિહારના પૂર્વ સાંસદ આનંદ મોહનને આજે સવારે બિહારના સહરસા જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. આનંદ મોહન વર્ષ 1994 ગોપાલગંજના તત્કાલીન ડીએમ જી કૃષ્ણૈયાની હત્યાના કેસમાં દોષિત પુરવાર થયા હતા અને છેલ્લા 14 વર્ષથી જેલમાં હતા. હવે તેમને જેલમુક્ત કર્યા બાદ જી કૃષ્ણૈયાના પરિવારની પ્રતિક્રિયા પણ સામે આવી છે. કૃષ્ણૈયાના પત્ની ઉમા દેવી અને તેમની પુત્રી પદ્માએ વડપ્રધાન મોદીને હસ્તક્ષેપ કરવા વિનંતી કરી છે.
જી કૃષ્ણૈયાના પત્ની ઉમા દેવીએ કહ્યું- “હું રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને આ મામલે હસ્તક્ષેપ કરવા વિનંતી કરું છું અને સીએમ નીતિશ કુમારને વિનંતી છે કે આનંદ મોહનને જેલમાં પાછા મોકલવામાં આવે. જનતા આનંદ મોહનની મુક્તિનો વિરોધ કરી રહી છે. આ પછી પણ તેને છોડી દેવામાં આવ્યો. તે કાયદા હેઠળ જેલમાં ગયો, પછી તે કાયદા હેઠળ કેવી રીતે બહાર આવ્યો? રાજકીય મુદ્દાને કારણે તેમને જેલમુક્ત કરાયો છે.”
બિહારના લોકોને અનુરોધ કરતાં ઉમા દેવીએ કહ્યું કે જો તે (આનંદ મોહન) ચૂંટણીમાં ઉભો રહે તો આવા વ્યક્તિનો બહિષ્કાર કરજો. ઉમા દેવીએ એમ પણ કહ્યું કે આનંદ મોહનની મુક્તિથી અધિકારીઓનું મનોબળ તૂટી જશે. કોઈ અધિકારીનું મન કામમાં લાગશે નહીં.
આનંદ મોહનની મુક્તિ પર, જી કૃષ્ણૈયાની પુત્રીએ કહ્યું કે તેનું જેલમાંથી મુક્ત થવું અમારા માટે ખૂબ જ દુઃખની વાત છે. સરકારે આ નિર્ણય પર પુનર્વિચાર કરવો જોઈએ. બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારને આ નિર્ણય પર પુનર્વિચાર કરવા વિનંતી છે. આ નિર્ણય સાથે તેમની સરકારે ખોટી મિસાલ મૂકી છે. આ માત્ર એક પરિવાર માટે અન્યાય નથી પરંતુ સમગ્ર દેશ માટે અન્યાય છે. અમે આ નિર્ણય સામે અપીલ કરીશું.
Hyderabad | It’s disheartening for us that Anand Mohan Singh has been released from jail today. The government should reconsider this decision. I request Nitish Kumar ji to give a second thought to this decision. With this decision, his govt has set a wrong example. It is unfair… pic.twitter.com/Q3CS2Vauzh
— ANI (@ANI) April 27, 2023
“>
જણાવી દઈએ કે 5 ડિસેમ્બર, 1994ના રોજ ગોપાલગંજના તત્કાલીન ડીએમ જી કૃષ્ણૈયાને માર મારવામાં આવ્યો હતો. છોટન શુક્લાની અંતિમયાત્રા દરમિયાન લાલ બત્તીવાળી તેમની કાર પસાર થઈ રહી હતી, જેના પર ભીડે હુમલો કર્યો હતો. આનંદ મોહન પણ અંતિમયાત્રામાં સામેલ હતા, તેમના પર આ હત્યા માટે ટોળાને ઉશ્કેરવાનો આરોપ હતો. 2008માં પટના હાઈકોર્ટે તેને આજીવન કેદની સજા ફટકારી હતી.
બિહાર સરકારે હવે જેલ મેન્યુઅલમાં સુધારો કર્યો છે અને આનંદ મોહન સહિત કુલ 27 કેદીઓને મુક્ત કરવામાં આવ્યા છે.