દુંધાળા દેવ ગણપતિના ભક્તો તો ઠેર ઠેર જોવા મળે છે અને કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી દરેક જગ્યાએ તમને બાપ્પાના ભક્તો જોવા મળશે જ. ભારતમાં કોઈ ઉત્સવ, કોઈ પ્રસંગ એવો નથી કે જેમાં ભગવાન ગણેશની પૂજા ન કરવામાં આવતી હોય અને ભારતમાં તો દરેક જગ્યાએ ગણપતિ બાપ્પાના મંદિરો આવેલા છે, પરંતુ આજે આપણે અહીં જે મંદિરની વાત કરવાના છીએ એ જરા અનોખું છે અને આ મંદિર પ્રેમી પંખીડાઓમાં ખૂબ જ ફેમસ છે.
આ મંદિરની મુલાકાત લેવા માટે તમારે પહોંચી જવું પડશે રાજસ્થાન. રાજસ્થાનમાં આવેલું આ ગણેશ મંદિર એવુ છે કે જે પ્રેમી પંખીડાઓ માટે વરદાનરૂપ છે અને અહીં મોટી સંખ્યામાં પ્રેમીઓ બાપ્પાની મદદ મેળવવા કે સહાય મેળવવા માટે પહોંચે છે. એમની એવી માન્યતા છે કે ગણપતિ એમની મનોકામના પૂરી પણ કરે છે.
એવું માનવામાં આવે છે કે, અહીં બાપ્પા પ્રેમીપંખીડાઓની મદદ કરે છે. ગણપતિ સામે અરજી કરવાથી પ્રેમીઓની નૈયા પાર લાગી જાય છે અને આ જ કારણ છે કે રાજસ્થાનના આ મંદિરમાં સ્થાપિત ગણેશને ઈશ્કિયા ગણેશ કહેવાય છે. આ મંદિર સાથે જોડાયેલી કથા વિશે વાત કરીએ તો એ પણ એટલી જ રોમાંચક છે.
મંદિરમાં પ્રેમી પંખીડાઓ પોતાની ઈચ્છા પૂરી કરવા આવે છે. તેમની એવી માન્યતા છે કે અહીં તેમની વાત બાપ્પા જરૂરથી સાંભળશે, અને અહીં તેમના લગ્ન થશે. આ મંદિરમાં મોટી સંખ્યામાં પ્રેમી પંખીડાઓ હાજરી લગાવે છે. કહેવાય છે કે, અનેક પ્રેમી પંખીડાઓની ઈચ્છા અહી પૂરી થઈ છે. આ ગણેશ મંદિરની ખ્યાતિ ચોમેર પ્રસરેલી છે. દૂર-દૂરથી પ્રેમીઓ પોતાના પાર્ટનર સાથે બાપ્પાના દરબારમાં આવે છે. સાથે જ રાજસ્થાન ફરવા આવતા મુસાફરો પણ આ ઈશ્કિયા ગણેશ મંદિરમાં આવીને શિશ ઝૂકાવે છે.
સ્થાનિક લોકોની એવી માન્યતા છે કે જોધપુરમાં ઈશ્કિયા ગણેશ મંદિરની સ્થાપના અંદાજે 100 વર્ષ પહેલા કરવામાં આવી હતી. જોધપુરની સાંકડી ગલીઓમાં એક ઘરની બહાર ગુરુ ગણપતિ નામના આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. આ મંદિરનું નિર્માણ એટલા માટે કરાયુ હતું કે, કોઈ વ્યક્તિ દૂરથી કોઈને સરળતાથી નજર ન આવે. આ જ કારણ હતું કે, અહીં પ્રેમી યુગલો ચોરી-છુપીથી પહેલી મુલાકાત માટે આવતા હતા. આ રીતે ધીરે ધીરે આ મંદિર પ્રેમી પંખીડાઓની પહેલી પસંદગી બનતી ગઈ અને અહીં આવનારા યુવક-યુવતીઓની સંખ્યા વધવા લાગી અને આ રીતે પ્રેમીપંખીડાઓમાં આ મંદિર ઈશ્કિયા ગણેશ મંદિર તરીકે પ્રખ્યાત થવા લાગ્યું છે…