Homeસ્પેશિયલ ફિચર્સપ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ: પૂજ્યશ્રી પ્રમુખસ્વામી મહારાજના જીવનની ઝાંખી

પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ: પૂજ્યશ્રી પ્રમુખસ્વામી મહારાજના જીવનની ઝાંખી

રાજેશ યાજ્ઞિક

બોચાસણ વાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ નારાયણસ્વરૂપ દાસજી નું નામ તમે સાંભળ્યું છે? એવો પ્રશ્ર્ન જો તમને કરીએ તો તમે કદાચ માથું ખંજવાળશો. પણ જો એમ પૂછીએ કે પ્રમુખ સ્વામીનું નામ સાંભળ્યું છે? તો તમે પ્રતિપ્રશ્ર્ન કરશો કે વિશ્ર્વમાં એમને કોણ નથી જાણતું?
પ્રમુખસ્વામીનું જીવન પરમાત્માને ચરણે ધરેલી અંજલિ સમાન હતું. બાળપણથી લઈને અક્ષર નિવાસી થયાં ત્યાં સુધી ઈશ્ર્વર, ગુરુ અને લોકકલ્યાણ સિવાય ચોથો કોઈ વિચાર તેમણે કર્યો નહીં હોય, તેવું તેમનું જીવન રહ્યું છે. પૂજ્યશ્રીના જીવન અને તેમનાં કાર્યો વિશે તો પુસ્તકો ભરીભરીને લખાયું છે. પણ તેમની જન્મ શતાબ્દી મહોત્સવના અવસરે તેમના જીવનની નાનકડી ઝાંખીનું દર્શન કરીએ.
પૂજ્યશ્રીનો જન્મ ઈસવી સન ૭ ડિસેમ્બર, ૧૯૨૧, માગશર સુદ ૮, વિક્રમ સંવત ૧૯૭૮ના પાદરા તાલુકાના ચાણસદ ગામે થયો હતો. તેમનું નામ શાંતિલાલ રાખવામાં આવેલ. માતા-પિતાનું નામ દિવાળીબેન અને મોતીભાઈ પટેલ.
૧૩ વર્ષની કુમળી આયુમાં ગૃહત્યાગ કરીને અમદાવાદમાં બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના વરદ હસ્તે પાર્ષદી દીક્ષા ગ્રહણ કરી. તેમનું નામકરણ શાંતિ ભગત થયું.
એક વર્ષ પછી, ૧૯૪૦માં ગોંડલ – અક્ષરદેરીમાં બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે ભાગવતી દીક્ષા આપી ‘નારાયણસ્વરૂપદાસ’નામ ધારણ કરાવ્યું
૧૯૫૦માં બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ દ્વારા માત્ર ૨૮ વર્ષની વયે બીએપીએસ સંસ્થાના પ્રમુખ પદે વરણી થઇ. તે દિવસથી સ્વામી નારાયણસ્વરૂપ દાસજી, પ્રમુખસ્વામી તરીકે ઓળખાતા થયા.
૧૯૫૯-૬૦માં બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ સાથે પ્રથમ વિદેશ યાત્રા કરી.
૧૯૬૮માં પ્રથમવાર પ્રાત: સ્મરણીય યોગીજી મહારાજે સ્વયં પ્રમુખ સ્વામી મહારાજનો ૪૮મો જન્મોત્સવ ઊજવી, દર વર્ષે ઊજવવાની ભક્તોને આજ્ઞા કરી. તેમની આજ્ઞા શિરસાવંદ્ય ગણી ભક્તોએ આજે પણ તે ક્રમ યથાવત રાખ્યો છે.
૧૯૭૧માં બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ સ્વધામ પધાર્યા અને તેમના માર્ગાનુસારી પરમપૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ તેમના આધ્યાત્મિક ઉત્તરાધિકારી બન્યા.
૧૯૭૧માં પ્રમુખસ્વામીના સ્વહસ્તે સાંકરીમાં પ્રથમ શિખરબદ્ધ મંદિરની રચના થઇ.
૧૯૮૧માં ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી અમદાવાદ ખાતે જ ઉજવાયો, જેમાં આજથી ચાલીસ વર્ષ પહેલા પણ ૮૦ લાખ ભક્તો સહભાગી થયા હતા! એ પ્રસંગે ૨૦૭ ઉચ્ચ શિક્ષિત યુવાનોએ સંસાર જીવનનો ત્યાગ કરી પ્રભુ ભક્તિની વાટ પકડી.
૧૯૮૩માં પૂજ્યશ્રીને હૃદયરોગનો હુમલો આવ્યો, પરંતુ તેમનો ભક્તિ અને સેવાનો યજ્ઞ અવિરત, અખંડ ચાલતો જ રહ્યો.
૧૯૮૦ના દશકમાં તેમની વિદેશ યાત્રાઓ દરમ્યાન વેટિકનમાં પોપ સાથે મુલાકાત થઇ. ઇંગ્લેન્ડ અને કેનેડાની પાર્લામેન્ટે પૂજ્યશ્રીનું બહુમાન કર્યું.
૧૯૯૨માં ગાંધીનગરમાં સ્વામિનારાયણ ‘અક્ષરધામ’મહામંદિરની રચના કરાવી.
૧૯૯૩માં મહારાષ્ટ્રમાં ભૂકંપ રાહત નિમિત્તે બે ગામ દત્તક લઈને તેનું પુન: નિર્માણ કરાવ્યું.
૧૯૯૮માં ગુરૂભક્તોના આગ્રહને વશ થઈને તેમણે ન્યૂયોર્કમાં હૃદયની બાયપાસ સર્જરી કરાવી
૨૦૦૦માં યુનોમાં ‘મિલેનિયમ વર્લ્ડ પીસ સમીટ’માં સંબોધન કરીને સ્વામીશ્રીએ વિશ્ર્વધર્મ સંવાદિતાની હાકલ કરી.
૨૦૦૧માં ગુજરાતમાં આવેલ વિનાશક ભૂકંપ દરમ્યાન ૧૫ ગામો-વસાહતો દત્તક લઈને તેનું નવનિર્માણ, ૪૯ શાળાઓનું પુનર્નિમાણ, ૪૦૯ ગામોમાં રાહતસામગ્રીનું વિતરણ કર્યું.
૨૦૦૧માં વિશ્ર્વની સૌથી વધુ પ્રતિભાશાળી ૨૦ વ્યક્તિઓમાં પૂજ્યશ્રી પ્રમુખસ્વામી મહારાજનું નામ ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સામેલ કરવામાં આવ્યું.
૨૦૦૭માં આદરેલા વ્યસન મુક્તિ અભિયાનમાં ૬,૩૦,૦૦૦ લોકોને વ્યસન મુક્ત કર્યા.
૨૦૧૬માં પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર સારંગપુર ખાતે સંવત ૨૦૭૨ ના શ્રાવણ સુદ દશમ ના રોજ સાંજે ૬ વાગ્યે અક્ષરધામગમન કર્યું.
“સૌના સુખમાં આપણું સુખ એ વાતને જીવનમંત્ર બનાવીને સમગ્ર જીવન પ્રભુસેવા અને લોકસેવામાં સમર્પિત કરનાર પૂજ્યશ્રી પ્રમુખસ્વામી મહારાજ તેમના સમગ્ર આધ્યાત્મિક જીવન દરમ્યાન ૧૭૦૦૦થી વધુ ગામડાઓ-શહેરોમાં વિચરણ કરતાં રહ્યા. દેશને ખૂણે ખૂણે જઈને માત્ર સેવાકાર્યો જ નહીં, પરંતુ વ્યસનમુક્તિ, પૂર રાહત, ભૂકંપ રાહત, બાળ સંસ્કાર, વિશ્ર્વશાંતિ, સર્વધર્મ સમભાવને લગતા અનેક કાર્યો કર્યાં અને કરાવ્યાં. દેશ-વિદેશમાં ૧૧૦૦થી વધુ મંદિરોનું નિર્માણ કરાવીને ધર્મ અને અધ્યાત્મની ઊર્જાને લોકો સુધી પહોંચાડી. તેમની પ્રેરણાથી આયોજિત કોઈ પણ કાર્યક્રમમાં આધ્યત્મ કેન્દ્ર સ્થાને હોય જ, પરંતુ તેની સાથે ભારતીય સંસ્કૃતિ અને સેવા એ બે મુખ્ય સ્તંભો પણ અવશ્ય હોય.
વિચાર કરો, અબ્દુલ કલામ જેવા નખશીખ વૈજ્ઞાનિક પણ બ્રહ્મસ્વરૂપ પૂજ્યશ્રી પ્રમુખસ્વામીથી કેટલા પ્રભાવિત થઇ ગયેલા. ૨૦૦૧માં શ્રી અબ્દુલ કલામ પ્રમુખસ્વામીને પહેલી વાર મળ્યા. અને એટલા અભિભૂત થઇ ગયા કે પછી તો આઠ વાર તેમણે પૂજ્યશ્રીની મુલાકાત લીધી. શ્રી અબ્દુલ કલામે “ટ્રેનસેન્ડન્સ નામે એક પુસ્તક પૂજ્યશ્રી સાથેના તેમના અનુભવો ઉપર લખ્યું. “ટ્રેનસેન્ડન્સ શબ્દનો અર્થ જ ‘ગુણાતીત’ થાય છે. પુસ્તકનું સમગ્ર નામ “ગુણાતીત – પ્રમુખ સ્વામીજી સાથેના મારા આધ્યાત્મિક અનુભવો. પુસ્તકના લોકાર્પણ સમારંભમાં પૂજ્યશ્રીને ઉદ્દેશીને અબ્દુલ કલામ બોલ્યા, “આપ મહાન ગુરુ છો. તમારી પાસેથી મને હું-પણું અને મારા-પણું દૂર કરતા શીખવા મળ્યું.
નરેન્દ્ર મોદી પણ પ્રમુખસ્વામી મહારાજ સાથે ભાવનાત્મક રીતે ગાઢ રીતે જોડાયેલા રહ્યા હતા. તેમણે પોતે મહોત્સવના ઉદ્ઘાટન સમારંભમાં કહ્યું હતું કે તેઓ પૂજ્યશ્રી સાથે ૧૯૮૧થી જોડાયેલા રહ્યા છે. તેમણે કહ્યું હતું કે ત્યારથી તેમનો અને પૂજ્યશ્રીનો સંબંધ બાપ-દીકરા જેવો રહ્યો છે. જાહેર જનતા ન જાણતી હોય તેવી વાતો યાદ કરતાં નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે કચ્છમાં એક સામાન્ય કાર્યકર તરીકે કામ કરતો હતો ત્યારે મારી આર્થિક સ્થિતિનું ધ્યાન રાખીને મારા માટે પૂજ્યશ્રી ભોજનની વ્યવસ્થા કરાવતા હતા. ૧૯૯૧માં એકતા યાત્રામાં નરેન્દ્ર મોદીએ જમ્મુમાં તિરંગો લહેરાવ્યો ત્યારબાદ સૌથી પહેલો ફોન તેમને પ્રમુખસ્વામીએ કરીને તેમની કુશળતા પૂછી હતી. ૨૦૦૨માં મોદી રાજકોટથી ઉમેદવાર ઘોષિત થયાં ત્યારે બે સંતોએ તેમને એક પેન આપી અને જણાવ્યું કે પ્રમુખસ્વામીજીએ જણાવ્યું છે કે આ પેનથી જ ચૂંટણીના કાગળિયા ઉપર સહી કરજો. ત્યારથી લઈને કાશીની ચૂંટણી સુધી મોદીએ આ ક્રમ યથાવત રાખ્યો છે. માટે જ પૂજ્યશ્રીના અક્ષરવાસ બાદ શ્રદ્ધાંજલિ આપતાં તેમણે કહ્યું હતું કે “ઘણાએ પોતાના ગુરુ ગુમાવ્યા છે, પણ મેં તો મારા પિતા ગુમાવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -