વિશ્ર્વના યુદ્ધવીર -પ્રફુલ શાહ
(૪૦)
કાબા અંગ્રેજો સામે મુત્સદીગીરીની કસોટીમાં સાંગોપાંગ પાર ઉતરેલા સરદાર હરિસિંહ નલવા સાથે અગાઉ અનેકવાર બન્યું હતું એવું જ ફરી થયું. રાપોર મંત્રણાની સફળતા બાદ યાત્રાએ નીકળ્યા અને એમાંય ઘણાં સદકાર્ય કર્યાં.
હવે પંજાબના શીખો અને અફઘાની પઠાણો વચ્ચે એક નવા ખેલાડીનો પ્રવેશ થયો, અંગ્રેજોનો જયારે મહારાજા રણજિત સિંહ અને અંગ્રેજો એકમેક સાથે દોસ્તી બાંધવા-વધારવામાં વ્યસ્ત હતા ત્યારે પઠાણોની દાઢ ફરી સળકવા માંડી. વારંવાર હાર્યા અને અપમાનિત થયા બાદ જીવ બચાવવા માટે ઉંદરડાની જેમ ભાગી છુટનારા સૈયદ અહમદશાહે ફરીથી ઉપાડો લીધો. એની દોડ ક્યાં સુધીની હોય? તેણે ફરી ગાઝીઓને ધર્મને નામે ભેગા કર્યાં.
આ બધાને લઇને સૈયદ અહમદ શાહે કગાનમાં તંબું બાંધ્યા. પછી જે થયું એ માટે બે પણ થોડી અલગ પ્રકારની વિગતો મળે છે. પહેલી વિગત મુજબ ઇ. સ. ૧૮૩૧ની છઠ્ઠી મેના અને શુક્રવારના રોજ મનસેહરા જિલ્લાની પહાડી વિસ્તારમાં બાલકોટ મેદાનમાં હરિસિંહ નલવાના લશ્કર સામે જોરદાર લડાઇ થઇ. બીજી માહિતી મુજબ સૈયદ અહમદશાહ ખાને કગાનમાં ડેરા બાંધીને યોગ્ય તકની રાહ જોતો હતો, પરંતુ આની જાણકારી મળી જવાથી નલવાએ શાંત બેસીને હુમલાની રાહ જોવાનું મુનાસિબ ન માન્યું. તેમણે તો ઇ. સ. ૧૮૩૨ની ૩૦મી અને બુધવારે અચાનક શત્રુઓની છાવણી પર હુમલો કરી દીધો. આ લડાઇમાં નલવા સાથે રાજકુમાર શેરસિંહ પણ હતા. ખાલસા દળના લગભગ દશ હજાર જવાનો સામે સૈયદના સૈનિકોની સંખ્યા ૧૨ હજારની હતી, પરંતુ ફરક એ હતો કે ખાલસા સેનામાં અનુભવી સૈનિકો હતા, જયારે સૈયદની મુજાહિદ્દીન સેનામાં આમ આદમી હતા.
આ યુુદ્ધમાં સૈયદ અહમદશાહ ખાન અને શેરસિંહ સામે આવી ગયા. રાજુકમાર શેરસિંહની તલવારથી કાયમ ભાગી જનારા શત્રુનું માથું ધડથી કપાઇ ગયું. મુખ્ય નાયકના કારમા મોત બાદ પઠાણ સેનામાં દોડધામ અને ગભરાટના માહોલે કબજો જમાવી લીધો. આ અરાજકતામાં પઠાણ સેનાનું મોટું માથું ગણાતા મૌલવી ઇસ્માઇલ અચાનક સરદાર હરિસિંહ નલવાની સામે આવી ગયો. સામે ઊભેલા વીર અને એની કર્ણોપકર્ણ સાંભળેલી પરાક્રમ ગાથાથી ઇસ્માઇલના હાંજા
ગગડી ગયા, ગાત્રો થીજી ગયા. છતાં હિંમત કરીને તેણે તલવાર ઊંચકી અને પોતાના જ ગળ પર ફેરવી દીધી.
આ યુદ્ધમાં નવેક હજાર પઠાણો અને મોટી સંખ્યામાં ખાલસા સૈનિકોય માર્યા ગયા. યુદ્ધના અંત બાદ સૈયદ અહમદશાહ ખાન અને મૌલવી ઇસ્માઇલની લાશના ચિત્ર બનાવીને લાહોરના દરબારમાં રવાના કરી દેવાયા. આ વિજયથી અત્યંત પ્રસન્ન થઇને મહારાજાએ રાજકુમાર શેરસિંહ અને હરિસિંહ નલવા માટે ૫૦-૫૦ હજાર રૂપિયાના ઇનામ જાહેર કર્યાં હતા.
અલબત્ત, પંજાબ માટે આ વિજય કંઇ અફઘાન નામનાં શિરદર્દનો કાયમી ઇલાજ નહોતો. આ સમસ્યાને જડમૂળથી નેસ્તનાબૂદ કરી નાખવા માટે નસ્તરની જરૂર હતી. આ નસ્તર એટલે અંતિમ અને નિર્ણાયક યુદ્ધ. આ માટે ચર્ચા, મંત્રણા બાદ પેશાવર પર હુમલા કરવાનું નક્કી થયું. આ લડાઇમાં સેનાપતિપદની જવાબદારી ફરી આવી હરિસિંહ નલવાના માથા પર.
હવે વધુ રાહ જુએ એ નલવા નહીં. તેઓ તાત્કાલિક પોતાની સેના લઇને ઇ. સ. ૧૯૩૪ની ૨૦મી એપ્રિલે ગયા. અટક પહોંચી ગયા. આ અટક તેમના શૌર્યની અનેક ભવ્ય ગાથાઓનું સાક્ષી હતું. અહીં આક્રમણની તૈયારીઓ જોરશોરમાં ચાલતી હતી. ત્યાં છઠ્ઠા દિવસે રાજકુંવર નૌનિહાલ સિંહ પણ લડાઇમાં જોડાવા માટે આવી પહોંચ્યા.
હાલ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદથી નજીક આવેલા અને ક્યારેક કેમ્પબેલપુર તરીકે ય ઓળખાતા અટક શહેર નજીક આવેલી હારો નદી વચ્ચે આવતી હતી. આ નદી ઓળંગીને સેના સામે પાર પહોંચી ગઇ.
આ સમયે નલવાને મહારાજા રણજિતસિંહે વ્યક્ત કરેલી ઇચ્છા યાદ આવી. પેશાવરના પાડોશમાં આવેલા ચમકનીમાં ખૂબ મોટું પુસ્તકાલય છે એ સાચવી રાખવું એમ મહારાજા ઇચ્છતા હતા. એક મહારાજા આવું ઇચ્છે એ એમના સંસ્કાર દર્શાવે છે. નલવાએ તરત એમની ઇચ્છાન માન આપીને ચમકનીનું પુસ્તકાલય સલામત રહે એવી પૂરેપૂરી વ્યવસ્થા કરી.
મક્કમતા અને આત્મવિશ્ર્વાસ સાથે સેનાપતિ સરદાર હરિસિંહ નલવાની સેના આગેકૂચ કરી રહી હતી. વચ્ચે ખાન મોહમ્મદ ખાન અને હાજી ખાન આવ્યા. એમને થયું કે નલવાની સેનાને બતાવી દઇએ. પણ પોતાની સાથે જે થયું એ પૂરેપૂરું જોઇ ન શકાયા. લડાઇ બાદ જીવતા પકડાયા તો તોપના નાળચા સાથે બાંધીને બન્નેને ફૂંકી મરાયા. ફરી નલવા સેનાએ આગેકૂચ આદરી. તેમની મંઝિલ હતું પેશાવર. (ક્રમશ:)