Homeઉત્સવએક શત્રુએ વિષપાન કર્યું ને ત્રણને ફૂંકી માર્યા, ત્યાં આવ્યો નવો પડકાર

એક શત્રુએ વિષપાન કર્યું ને ત્રણને ફૂંકી માર્યા, ત્યાં આવ્યો નવો પડકાર

વિશ્ર્વના યુદ્ધવીર -પ્રફુલ શાહ

(૩૫)
અભયવચન મેળવી લીધું, મુક્તિ પામી લીધી અને મોહમ્મદ ખાન તરીન હઝારા પાછો પહોંચી ગયો. આદત મુજબ દબાણ હટી જતાં શ્ર્વાનની પૂંછ ફરી વાંકી થઇ ગઇ. તરીને લાખ મનાઇ છતાં આમ પ્રજાને રંજાડવાનું શરૂ કરી દીધું. ખાલસા રાજે લાદેલી શરત અને નલવાએ આપેલી શિખામણને અભેરાઇ પર ચડાવીને મનમાની શરૂ કરી દીધી.
સરદાર હરિસિંહ નલવા સુધી આ માહિતી પહોંચી તો તેઓ શાંત ન રહી શકયા. એમને ખૂબ ગુસ્સો આવ્યો આ બદ્તમીઝ અને નાદાન બેવકૂફ પર. બરાબર સમજાઇ ગયું કે લોતોં કે ભૂત બાતો સે નહીં માનેેંગે. નલવા પોતે જેમાં ઉત્તમોત્તમ હતા એ ઇલાજ અજમાવ્યો. તેમણે ફરી હઝારા જઇને મોહમ્મદ ખાન તરીન પર હુમલો કરી દીધો. આ વખતે નલવા લેશમાત્ર દયા દાખવવાના મૂડમાં નહોતો.
ખાલસા રાજના આદેશોની નાફરમાની અને ફરી-ફરીથી આંગળીચાળા થવાથી ખાલસા સૈનિકો ય એક ડબલ રોષ સાથે ટ્રિપલ જોશમાં હતા. તરીન અને ભત્રીજા વોસ્ટાખાન ઝાઝું ટકી ન શકયા. ફરીથી કાકા-ભત્રીજીને ખાલસાએ પકડી લીધા. આ લોકોની એક વિશિષ્ટતા જુઓ કે સાચા યુદ્ધવીરની માફક મેદાનમાં લડીને ખપી જવાને બદલે જીવના પકડાઇ જવામાં નાનપ સુદ્ધા અનુભવતા નથી.
બન્ને બંદીવાનને સરદાર નલવા સમક્ષ હાજર કરાયા, પરંતુ બેમાંથી એકેય પાસે આંખમાં આંખ નાખીને વાતો કરવાની તો ઠીક નજર મેળવવાનીય હિંમત નહોતી. સરહદે એકદમ આકરા પણ બુલંદ અવાજે સવાલ કર્યો કે બોલ, વિશ્ર્વાસઘાત માટે કેવી સજા મળવી જોઇએ તને? પણ તરીન ન કંઇ બોલી શક્યો કે ન આંખ સુધ્ધાં ઊંચી કરી શકયો. નલવાની ઉદારતા તો જુઓ કે તેમણે વિશ્ર્વાસઘાતી બંદીને એક દિવસનો સમય આપ્યો કે જેથી એ વિચારી શકે. પોતાની સજા-દંડ નક્કી કરી શકે.
પરંતુ આ વખતે ન જાણે કેમ મોહમ્મદ ખાન તરીનના ચહેરાનો રંગ સાવ ઊડી ગયો હતો. એની બૉડી લેંગ્વેજમાં જરાય જોશ નહોતું પોતાની ભૂલ સમજાઇ ગઇ, સજાનો અંદાજો આવી ગયો. ભવિષ્ય અંધકારમય લાગ્યું કે ન જાણે શું થયું. ભયંકર તાણ અને શરમિન્દગી વચ્ચે તેણે રાતે વીંટીમાંનું ઝેર ચૂસીને આપઘાત કરી લીધો. બાગીઓના સરદારે તો મોતને ગળે લગાડી દીધું. પણ હજી સાપોલિયા જેવા ત્રણ સાથી જેલબંધ હતા. આકરો બોધપાઠ ભણાવીને આખા પ્રાંતમાં શાંતિની સ્થાપના માટે ધાક બેસાડવી જરૂરી હતી. આ ત્રણેયને તોપના નાળચા પર બાંધીને ફૂંકી મરાયા.
ખરેખર સરદાર હરિસિંહ નલવાની આ નીતિ સફળ નિવડી. હઝારા પ્રાંતમાં ત્રણેક વર્ષ સુધી કોઇએ ચૂં કે ચાં ન કરી. આ શાંતિનો લાભ લઇને નલવાએ અન્ય કબીલા અને આસપાસની ઘાટી પર ખાલસા રાજનો ધ્વજ ફરકાવી દીધો. સરહદ હરિસિંહ નલવાને લડાઇ યુદ્ધના મેદાન, શસ્ત્રો, સેના અને વિજય પર કેવાં ગજબનાક પ્રેમ હશે કે તેઓ સતત લડતા, ઝઝુમતા અને જીતતા જ રહ્યાં. સાથોસાથ નલવાની રણજિતસિંહ અને ખાલસા રાજ પ્રત્યેની નિષ્ઠા અને વફાદારીને ક્યારેય ઊની આંચ સુધ્ધાં આવવા ન દીધી.
પરંતુ નલવાના હાથની રેખામાં નહોતી શાંતિ કે નહોતી નિરાંત, જાણે યુદ્ધ અને પડકાર તેમને શોધતા આવી જતા. હાલના ઉત્તર પ્રદેશના બરેલીના એક મૌલવી, નામ સૈયદ અહમદને હાથમાં બહુ ખંજવાળ આવતી હશે. ઇ. સ. ૧૮૨૨માં મક્કાની હજ કર્યા બાદ પાછા ફરતી વખતે જનાબ રોકાઇ ગયા કાબુલમાં. કાબુલ અને આસપાસના વિસ્તારની હાલત જોઇને એમનું મન તોફાને ચડી ગયું.
લાંબા મનોરંથન બાદ મૌલવી સૈયદ અહમદે મનોમન કંઇક નિર્ણય લીધો. હવે તેના અમલ કરાવવા માટે કોની પસંદગી કરતી એ વિચારે ચડી ગયા. તેણે પોતાના ધનપતિ અમીર મોહમ્મદ ખાનને બોલાવીને દાણો દાબી જોયો. સૈયદ અહમદે ચાલાકીપૂર્વક મોહમ્મદ ખાનને લલચાવવા અને ઉશ્કેરવાની શરૂઆત કરી દીધી. સૈયદે અમીરને કોણી એ ગોળ લગાવ્યો કે જો તું તૈયાર થાય તો હું પૂરેપૂરી નાણાંકીય સહાય આપું અને શસ્ત્ર-સરંજામની પણ વ્યવસ્થા કરી આપું. આનાથી આપણે કાબુલથી લઇને અટક તરફથી બધા વિસ્તારોને મહારાજા રણજિતસિંહના કબજામાંથી છોડાવી શકીએ.
આ સાંભળતાવેંત દોસ્ત મોહમ્મદ ખાનની દાઢ બરાબરની સળકવા માંડી. તે ચપટી વગાડવા જેટલી વારમાં તૈયાર થઇ ગયો, પરંતુ સંમત થયા બાદ નિરાંતે બેસવાને બદલે એ તરત કામે લાગી ગયો. આ મિશનને સાધવા માટે તેને પોતાના બે ભાઇ યાદ આવ્યા. સુલ્તાન મોહમ્મદ ખાન અને પાટ મોહમ્મદ ખાન. આ બન્ને રણજિતસિંહના આશ્રિત હતા. આવા શાસક માટે ‘કારદ’ જેવો શબ્દ વપરાતો હતો. અર્થાત્ એવો રાજા જે મોટા રાજાને કર ચૂકવીને પોતાનું રાજ્ય અને જીવ સલામત રાખે. કોઇ રાજા સ્વેચ્છાએ ‘કારદ શાસક’ ન બને. એટલે ભાઇ દોસ્ત મોહમ્મદ ખાને મહારાજા રણજિતસિંહની ધૂરી ફંગોળી દેવાની ઓફર કરી તો બન્ને ખાંધિયા રાજા એક ગેલમાં આવી ગયા.
આ કાવતરાની શરૂઆત માટે પસંદગી ઉતારાઇ પંતજાર પર. મૌલવી સૈયદ અહમદે અહીં પોતાને ખુદાએ મોકલેલો ખલીફા જાહેર કર્યો. તેણે ભેગા થયેલા પઠાણોને ઉશ્કેર્યા કે હિન્દુઓ સામે જેહાદ આદરવાનું છે. આ ધર્મયુદ્ધમાં સામેલ થઇને પોતાની ફરજ બજાવવાનું ચુકતા નહીં. કમનસીબે ધર્મની ધર્મભીરૂ પઠાણો એમની વાતોમાં એકદમ ભોળવાઇ ગયા.
આ વાત દાવાનળની જેમ ફેલાવા માંડી. છેક દિલ્હી અને રામપુરથી અનેક મુસલમાનો રોકડ અને સોનું લઇને મૌલવી સૈયદ અહમદ પાસે પહોંચી ગયા.
પઠાણોની ફોજ, શસ્ત્રો અને રોકડ જમા થવા માંડ્યા. ધ્યેય નિશ્ર્ચિત હતા. હવે સીધા પગલાં ભરવાનો સમય આવી ગયો હતો. મહારાજા રણજિતસિંહના વિસ્તારને નિશાન બનાવવાનું હતું. યોગાનુયોગે ત્યાં સરદાર હરિસિંહ નલવા હાજર હતા. (ક્રમશ:)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -