મુંબઈ: કુર્લામાં રૂ. ૨૮ લાખના દાગીના લઇને ફરાર થયેલા કારીગરને કુર્લા પોલીસે રેલવે પોલીસની મદદથી ભુસાવળથી ઝડપી પાડ્યો હતો. આરોપીની ઓળખ સુદામ નિમાઇ સમંતા (૨૯) તરીકે થઇ હોઇ તેની પાસેથી તમામ દાગીના હસ્તગત કરવામાં આવ્યા હતા.
કુર્લા પશ્ર્ચિમમાં ઇમારતના પહેલા માળે મનોજ મોહનલાલ જૈનના દાગીના બનાવવાના કારખાનામાં સુદામ સમંતા કામ કરતો હતો. ૨૧ મેના રોજ સુદામ રૂ. ૨૮ લાખના દાગીના લઇને ફરાર થઇ જતાં કુર્લા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઇ હતી. પોલીસે આ પ્રકરણે ગુનો દાખલ કરીને સુદામના મોબાઇલ નંબરનો સીડીઆર મગાવ્યો હતો.
સુદામનો મોબાઇલ નંબર ટ્રેસ કરતાં લોકોશન લોકમાન્ય ટિળક ટર્મિનર્સ બતાવ્યું હતું. સુદામ પશ્ર્ચિમ બંગાળના ઘોસપુરનો વતની હોઇ તે પોતાના વતન ભાગી છૂટ્યો હોવાની પોલીસને શંકા હતી. દરમિયાન સુદામ પટના એક્સપ્રેસમાં પ્રવાસ કરી રહ્યો હોવાની માહિતી મળતાં ભુસાવળમાં રેલવે પોલીસનો સંપર્ક સાધવામાં આવ્યો હતો અને તેમને સુદામનો ફોટો મોકલાયો હતો. બાદમાં રેલવે પોલીસે તેને ભુસાવળથી ઝડપી પાડ્યો હતો.