યુ એસના ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ગુનાહિત આરોપો પર આજે કોર્ટમાં હાજર થશે. ટ્રમ્પની કોર્ટમાં હાજરી પછી તેમને આરોપી જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. આ આરોપો મેનહટનની ગ્રાન્ડ જ્યુરીએ મૂક્યો છે. અમેરિકાના ઈતિહાસમાં આ પહેલીવાર છે કે જ્યારે કોઈ પૂર્વ રાષ્ટ્રપતિ વિરુદ્ધ ક્રિમિનલ કેસ ચાલી રહ્યો છે.
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ ફોજદારી કેસ ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે. ન્યૂયોર્કની ગ્રાન્ડ જ્યુરીએ ટ્રમ્પ વિરુદ્ધ અપરાધિક કેસને મંજૂરી આપી દીધી છે. ટ્રમ્પ ન્યૂયોર્કમાં ટ્રાયલનો સામનો કરવા કોર્ટમાં હાજર થશે. તેના પર પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને પૈસા આપવા સહિત અનેક ગંભીર આરોપો છે.
ડોનાલ્ડ ટ્રમ્પ પર જાતીય સંબંધ છુપાવવા માટે પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને પૈસા ચૂકવવાનો આરોપ છે. ટ્રમ્પ પર 2016માં એક પોર્ન સ્ટાર સાથે અફેર હોવાનો આરોપ છે. તેને છુપાવવા માટે તેમણે 1.30 લાખ ડોલર એટલે કે લગભગ 1 કરોડ રૂપિયા આપ્યા હતા. આરોપ છે કે 2016માં તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન પોર્ન સ્ટારને પૈસા આપવામાં આવ્યા હતા. ડેનિયલ્સને વકીલ મારફત પૈસા આપવાનો આરોપ છે. આ પહેલા ટ્રમ્પે ડેનિયલ્સ સાથે સંબંધ હોવાનો ઈન્કાર કર્યો હતો. પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સે એક પુસ્તક લખીને તેના પર ટ્રમ્પ સાથે અફેર હોવાનો આરોપ લગાવ્યો છે. ટ્રમ્પે અગાઉ તેને પોતાની પુત્રી ગણાવી હતી. ડેનિયલ્સનો આરોપ છે કે બાદમાં ટ્રમ્પે મારી સાથે સંબંધ બાંધ્યા હતા. આરોપ છે કે ટ્રમ્પે તેને રિયાલિટી શોમાં કાસ્ટ કરવાનું વચન આપ્યું હતું.
ટ્રમ્પ વિરુદ્ધ ફોજદારી કેસ ચલાવવાના ન્યૂયોર્ક કોર્ટના નિર્ણયને 76 વર્ષીય ટ્રમ્પ માટે મોટો આંચકો માનવામાં આવે છે. ન્યૂયોર્ક પોલીસે ટ્રમ્પ ટાવરની આસપાસ બેરિકેડ લગાવી દીધા છે. મેનહટન ક્રિમિનલ કોર્ટ પાસેના રસ્તાઓ બ્લોક કરી દેવામાં આવ્યા છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને ન્યૂયોર્ક પોલીસ વિભાગે કહ્યું કે સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. હવે ટ્રમ્પ સામે ફોજદારી કેસ ચલાવવાના નિર્ણય બાદ અમેરિકાની આગામી રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને ઉથલપાથલ થવાની સંભાવના છે. ટ્રમ્પનું 2024માં ફરીથી વ્હાઇટ હાઉસ પહોંચવાનું સપનું પણ તૂટી શકે છે.