ઊડતી વાત -ભરત વૈષ્ણવ
આપણે ત્યાં ભેળસેળ એ રાષ્ટ્રીય દૂષણ છે. ખાધપદાર્થોમાં ભેળસેળ કરનારનું કાળજું થડકતું નથી. કાળજું કયાંથી થડકે?? મગર અને વાંદરાની બાળવાર્તાની જેમ વેપારીઓ કાળજું નફાખોરીના ઝાડ પર મૂકી આવ્યા હોય છે!!!
આ દેશમાં દુધાળા ઢોરની સંખ્યા કરતા શુદ્ધ, પરિશુદ્ધ, અણિશુદ્ધ દૂધનું ઉત્પાદન થાય છે. દૂધ ઉત્પાદન કરતાં માખણ , પનીર, ચીઝનું
વિપુલ માત્રામાં ઉત્પાદન થાય છે!! જે નિરંતર ભેળસેળ છે.
દૂધના નામે પાવડરનું દૂધ કે ડુપ્લિકેટ દૂધ પધરાવવામાં આવે છે. ગ્રાહક સુરક્ષા બુરક્ષા માર્યા ફરે!! ગ્રાહક તરીકેનો અધિકાર કિસ ખેત કી મામૂલી મુલી હૈ??ચંદ સિક્કા માટે સ્વાસ્થ્ય સાથે જઘન્ય છેડછાડ કે ચેડા સાપરાધ મનુષવધથી ઓછા ખરાબ ન ગણી શકાય.
આપણા આરાધ્ય દેવ-દેવીને દીવાબત્તી કરવા માટે વપરાતા ઘીમાં ભેળસેળ કરીને આપણે કેટલા આધ્યાત્મિક છીએ તેનો પુરાવો પૂરો પાડીએ
છીએ. દીવો કરવા માટે દિવેટ બનાવવા જે રૂનો ઉપયોગ કરીએ છીએ તેમાં લાંબા તાર સાથે ટૂંકા તાર અથવા ઇજિપ્શન સાથે દેશી કોટન
મિકસ કરી શકાય તો તેવો ખેલ પાર પાડી દે તેવા બદમાશો છે!!
ભેળસેળનો ઇતિહાસ જોઇએ તો ૧૮૨૦ સુધીનો પ્રથમ ગાળો જેમાં ગંધક, તેજાબ, સીસુ, તાંબુ કે મીઠાઇમાં ભેળસેળ જોવા મળી હતી. ૧૯મી સદીના બીજા ગાળામાં ઔદ્યોગિક ક્રાંતિની આગેકૂચમાં ખોરાકની ઉત્પાદન પદ્ધતિઓમાં પર્યાપ્ત માત્રામાં વિતરણ વ્યવસ્થા ન હોવાથી આ સમસ્યા જોવા મળતી પણ ત્રીજા ગાળામાં ૨૦મી સદીના પ્રારંભથી ભેળસેળનો ધંધો પૂર બહારમાં ખીલી ઊઠ્યો હતો.
જો કે પૃથકકરણાત્મક પદ્ધતિઓ અને નિયમોના દબાણથી માત્ર થોડો ઘટાડો થયો હતો.મનુ મુનિ જેવાએ ભેળસેળ માટે દંડસંહિતા પણ નક્કી કરેલ હતી.
ઇરાદાપૂર્વકનું ઉમેરણ અથવા અન્ય પદાર્થનું ભેળવવું એટલે ભેળસેળ ન હોય જંતુનાશક દવાનો વપરાશ, ફૂગજન્ય ઝેર, ઝેરી ધાતુઓ પણ આથી વધુ ભયાનક છે. આપણી કમનશીબી છે કે ગ્રાહક પોતે જ ગરીબીને કારણે અથવા યોગ્ય શિક્ષણના અભાવે આવી ખાદ્ય પ્રોડક્ટસની ગુણવત્તા વિશે ચિંતિત નથી.
કેટલીક ભેળસેળમાં ધાન્ય સાથે કાંકરી, માટી, જીવાત, લાલ દાળમાં લાંગની દાળ અને કઠોળને ખનીજ તેલથી ચમકાવતા હોય છે. રાઇમાં સરસવના બી ને નરી આંખે જોઇ શકાતા નથી. બધામાં ગ્રાહક જાગૃતિ સૌથી અગત્યનો પાર્ટ છે તેના વગર કશું શક્ય નથી.
ભેળસેળ કરવા માટે પણ ડિટર્જન્ટ, અખાદ્યપદાર્થ, ઘોડાની લાદ,લાકડાનો છોલ, રાખ, માટી કાંકરા. જેમ ઊંટ મેલે આંકડો ને બકરી મેલે કાંકરો તે ન્યાયે ભેળસેળિયો ભેળસેળ માટે પંચમહાભૂત તત્ત્વોનો ઉપયોગ કરે. તમે ઊંચા માંયલી કાજુ કતરીના પૈસા ચુકવો અને કાજુ કતરી નહીં પણ સિંગ કતરી પામો છો.!! માવાની મીઠાઇમાં બટાટા કે શિંગોડાનો લોટ ભેળવ્યો હોય!! ટોમેટો સોસમાં કોળા, સેકરીન અને પપૈયું હોય!! જો ભેળસેળિયામાં નવટાંક માનવતા અગર ઇન્સાનિયત હોય તો ક્યારેય કોઇ પણ મીઠાઇ,ઘી, ફરસાણમાં લગીરે ભેળસેળ ન કરવી જોઇએ!! વો દિન કહાં કે મિંયા કે પાંવ મેં જૂતી!!
ફૂડ એન્ડ ડ્રગ્ઝ અગર મહાનગરપાલિકા ખાદ્યપદાર્થોના સમ ખાવા પૂરતા-દેખાડો કરવા માટે નમૂના લે છે. તેનો લેબોરેટરી ટેસ્ટ કરાવે છે. જેના રિઝલ્ટ છ મહિને કે વરસે આવે છે. ર૦૦ કિલો દહીંમાંથી સેમ્પલ લીધું હોય છ મહિને સેમ્પલ ફેઇલ થાય ત્યાં લગીમાં તો બસો કિલો દહીં વપરાઇ ગયું હોય. આ તો ઘોડો ભાગી ગયા પછી તબેલાને તાળું પણ મારતા નથી. !! એકાદ હજાર નમૂના લે એમાં બે ત્રણ સેમ્પલ ફેઇલ જાય.બાકી અન્ડર ટેબલ સેટિંગ?? આ વિષચક્રનો અંત આવે એવું દૂર દૂર ક્ષિતિજે દૃશ્યમાન થતું નથી.
અમદાવાદમાં મીઠાઇના વેપારીની દુકાનમાંથી , મ્યુનિ.ના ફૂડ સેફ્ટી ઑફિસરે ૨૦૧૫ના રોજ તપાસ માટે નમૂના લીધા હતા. જેમાં બે જીવતી અને બે મરેલી કીડી મળી હતી.
આ કેસ કોર્ટમાં ચાલ્યો. લેબોરેટરી લેબોરેટી તપાસ કરતાં હકીકત બહાર આવી હતી કે, સામાન્ય રીતે કોઇપણ ખાદ્યપદાર્થમાં ફૂડ કલરની માત્રા ૧૦૦ પીપીએમ જેટલી મહત્તમ હોવી જોઇએ. જોકે લેબોરેટરી તપાસમાં એવું જણાયું હતું કે, તેમાં ૧૧૫.૫૯ પીપીએમ કલરની માત્રા હતી. તે ઉપરાંત આ ફૂડ પેકેટ પર ન્યુટ્રિશનલની વિગતો, પેકર્સ, મેન્યુફેક્ચરર તથા ઇમ્પોર્ટસનું નામ પણ લખ્યું ન હતું.
જે ધ્યાને લઇ વેપારી સામે અનસેફ અને મિસબ્રાન્ડેડ ખોરાક બાબતે ફરિયાદ નોંધવામાં આવી હતી. આ કેસમાં કોર્ટે આરોપીને ૧.૫૦ લાખ રૂપિયાનો દંડ કર્યો.આમાં વેપારીને અન્યાય થયો. જીવતા કીડી દીઠ કેટલો દંડ અને મરેલી કીડી દીઠ કેટલો દંડ કર્યો તેની વિગતો પણ નથી!! તમે જ કહો કે હજાર રૂપરડીની મીઠાઇમાં કીડી કે કીડા સિવાય શું નીકળે? બજેટ સોલીડ રાખો તો ચિતો પણ નીકળે. !! ચિતો નામ્બિયાથી મંગાવવાનો છે. બુલબુલની પાંખે બેસાડવાનો છે.
મીઠાઇ ઉત્પાદક એવો દાવો પણ કરી શકે કે અમારી મીઠાઇ બનાવવાની મેથડ નિર્દોષ, હર્બલ, ઓર્ગેનિક છે કે મીઠાઇ બનાવવાની પ્રક્રિયા દરમિયાન કીડીને પણ કછુ હાનિ થયેલ નથી. અલબત, એ આરોગ્યા પછી તમારા પેટમાં ગરબડ થાય તો ભોગ તમારા.!! વાસ્તવમા ગ્રાહકોના પાચનતંત્ર એટલા આળા અને તકલાદી થયા છે કે સંપૂર્ણ શુદ્ધ ફોર્મેટમાં ધી, દૂધ મિઠાઇ પચાવી શકે તેમ નથી. તેથી તેને સુપાચ્ય કરવા માટે ભેળસેળ કરવી જરૂરી છે. મારી વાતમાં વિશ્ર્વાસ નથી? ઓકે. તમે શુદ્ધ સોનું એટલે ચોવીસ કેરેટના સોનામાંથી અલંકારો બનાવી શકતા નથી. ઘરેણા બનાવવા તાંબું, જસત ભેળવવા
પડે છે.!!
અદાલતનો ચુકાદો પણ અસહ્ય છે. મીઠાઇમાંથી ચાર કીડી નીકળી અને દોઢ લાખનો દંડ. ઇન્સાફ મેં નાઇન્સાફી હૈ. સભ્ય સમાજમાં એક કીડી માટે સાડત્રીસ હજાર પાંચસો રૂપિયાનો દંડ?
કીડીની કિંમતના પ્રમાણમાં દંડ કરવો જોઇએ કે નહીં? આ તો કીડીના વાંકે કંદોઈને દંડ જેવું કહેવાય!! ખરેખર તો કંદોઈને કોશનો ડામ આપ્યો કહેવાય!
જો કે, મીઠાઇના વેપારીએ શુકર મનાવવો જોઇએ કે મીઠાઇમાં ચાર કીડી હતી. મીઠાઇમાં લાખ કીડી નીકળી હોત તો તેની હાલત ખસ્તા થઇ
હોત!!! હવે સવાલ એ છે કે વેપારી દંડ ભરી દે પછી પેલી મીઠાઇ અને કીડીનો કબજો
ન્યાયિક રીતે વેપારીને આપવામાં આવશે કે કેમ? ચુકાદામાં તેનો ઉલ્લેખ થાય તે માટે સુધારા અરજી અદાલતમાં કરવી પડશે કે કેમ? એ તો મારો ભગવાન જાણે!!!