ફોકસ-ગીતા માણેક
મન હોય તો માળવે જવાય એ કહેવતને મુકેશ આહુજાએ સાચી પુરવાર કરી છે. મુકેશ આહુજાને તેમના નામ કરતાં ચહેરાથી લોકો વધુ ઓળખતા હશે, કારણ કે તેમણે અનેક ટેલિવિઝન સિરિયલ, ટી.વી. શો અને ફિલ્મોમાં પણ અભિનય આપ્યો છે.
મુકેશ આહુજા પાસે ભરપૂર કામ હતું અને જિંદગી સરિયામ રસ્તા પર દોડતી જઈ રહી હતી પણ અચાનક તેમના જીવનમાં એક વળાંક આવ્યો. ચાલતા-ફરતા અને જુદા-જુદા પ્લેટફોર્મ પર અભિનય કરતા મુકેશ આહુજા અચાનક પથારીવશ થઈ ગયા. જો કે ૧૫ વર્ષ પહેલાં પણ તેમની સાથે આવું થયું હતું. તેમને કરોડરજજુમાં કોઈ તકલીફ સર્જાઈ હતી અને એ વખતે પણ તેમણે પથારીવશ થઈ જવું પડ્યું હતું. એ વખતે તો તેઓ એટલા બધા નાસીપાસ થઈ ગયા હતા કે તેમણે એ વખતના રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામને પત્ર લખીને યૂથનેઝિઅ એટલે કે તેમને જે અસાધ્ય રોગ થયો હતો તેના માટે સહજ મૃત્યુ માટે અરજી કરી હતી. જેના માટે અંગ્રેજીમાં મર્સી કિલિંગ શબ્દ પણ વાપરવામાં આવે છે. તેમના માટે જીવવું દોજખ બની ગયું હતું કારણ કે પથારીવશ હોવાને કારણે તેઓ કશું જ કરી શકતા નહોતા.
જોકે ત્યારબાદ તેમના પર કેટલાંક ઑપરેશન થયા અને તેઓ ફરી ચાલતા-ફરતા થઈ ગયા હતા. તેમણે ફિલ્મો અને ટીવી સિરિયલોમાં અભિનય કરવાનું શરૂ કરી દીધું હતું અને એમાં સારી એવી સફળતા પણ મળી રહી હતી, પરંતુ ૨૦૧૯ની સાલમાં ફરી તેમની કરોડરજજુએ તેમને દગો દીધો. ફરી વાર ઑપરેશન કરવું પડ્યું પણ આ વખતે ઑપરેશન સફળ ન થયું. ફરીવાર તેઓ પથારીવશ થઈ ગયા. આ સંજોગોમાં અભિનય કરવાનું તો સંભવ જ નહોતું. એક વ્યસ્ત અભિનેતા માટે આ રીતે પથારીમાં પડ્યા રહેવું કોઈ સજાથી ઓછું નહોતું.
જોકે ગયા વખતની જેમ આ વખતે મુકેશ આહુજાએ હાર ન માની. તેમણે ફિઝિયોથેરપી અને અન્ય પ્રકારની સારવાર લેવાની શરૂ કરી. આનો સંપૂર્ણ તો નહીં પણ થોડો ઘણો ફાયદો થયો. હવે મુકેશ આહુજા વ્હીલચેરમાં હરીફરી શકતા હતા, પરંતુ વ્હીલચેરમાં ફરતી વ્યક્તિને કોઈ અભિનયનું કામ તો ક્યાંથી આપે?
મુકેશ આહુજાએ અભિનય માટેના તેમના ઉત્કટ અનુરાગ માટે પોતે જ એક ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. આ ફિલ્મ માટેની સ્ક્રીપ્ટ તેમણે જાતે જ લખવા માંડી.
આ ફિલ્મનું શીર્ષક આપ્યું – સઝા એ ઝિંદગી. સ્ક્રીપ્ટ લખાઈ ગઈ અને એ સારી લખાઈ છે એવી મુકેશ આહુજાને ખાતરી થઈ પછી તેમણે પોતે જ આ ફિલ્મના મુખ્ય નાયકની ભૂમિકા ભજવવાનું નક્કી કર્યું.
જો વ્યક્તિનો નિશ્ર્ચય પાકો હોય, મનોબળ મજબૂત હોય તો પ્રકૃતિ પણ મદદરૂપ થવા આવી પહોંચે છે. મુકેશ આહુજાની આ ફિલ્મમાં કામ કરવા માટે ભરત દાભોલકર અને આશિષ વિદ્યાર્થી જેવા અભિનેતાઓ પણ તૈયાર થયા.
મુકેશ આહુજાએ સ્વયં આ ફિલ્મ બનાવી. આ ફિલ્મ તેમણે પોતાના જીવન પરથી જ પ્રેરણા લઈને બનાવી છે. આ ફિલ્મને દર્શકોએ ખૂબ સારો પ્રતિસાદ આપ્યો એટલું જ નહીં પણ જુદા-જુદા ફિલ્મ ફેસ્ટિવલમાં ઍવોર્ડઝ પણ મળ્યા છે.
મુકેશ આહુજા કહે છે કે મારી બીમારીને કારણે મારી જિંદગી મારા માટે સજા જ બની ગઈ હતી, પરંતુ એની સામે ધમપછાડા કર્યા વિના મેં એને સ્વીકારી લીધી. મેં નક્કી કર્યું કે પરિસ્થિતિ ભલે ગમે તે હોય હું મારું જીવન જેટલું છે એને સંપૂર્ણ રીતે જીવીશ. હું જાણું છું કે હું ક્યારેય ટેકા વિના પોતાની જાતે ચાલી નથી શકવાનો, પણ આ સ્થિતિ મને સુખી થતાં રોકી નહીં શકે. મુકેશ આહુજાએ નક્કી કર્યું છે કે હું અભિનય ન કરી શકું તો કંઈ નહીં પણ લખી તો શકું જ ને? હવે તેમણે ફિલ્મોમાં અભિનયને બદલે લેખકની ભૂમિકા ભજવવાનું એટલે કે ફિલ્મો લખવાનું શરૂ કર્યું છે. તેઓ કહે છે કે મારી ફિલ્મની સ્ક્રીપ્ટસ પરથી હું ભવિષ્યમાં ફિલ્મો બનાવીશ. તેઓ સતત સોશ્યલ મીડિયા પર સક્રિય રહે છે અને નાસીપાસ થવાને બદલે જીવનને ભરપૂર રીતે માણે છે.
આપણે જ્યારે નાની-નાની વાતો માટે ઉદાસ અને ડિપ્રેશ્ડ થઈ જઈએ છીએ ત્યારે મુકેશ આહુજા જેવી વ્યક્તિ આટલી બધી વિકટ સ્થિતિમાંથી પણ જીવવા માટેનું કારણ શોધી લે છે. મુકેશ આહુજા અનેક લોકો માટે પ્રેરણાદાયી બની શકે એમ છે. હો નિશ્ર્ચય અડગ તો હિમાલય પણ નડતો નથી એનું જીવંત ઉદાહરણ છે અભિનેતા મુકેશ આહુજા. ઉ