‘ગેરકાયદે’ ધરપકડ અંગેની અનિલ જયસિંઘાનીની અરજી હાઇ કોર્ટે ફગાવી
—
મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની પત્ની અમૃતા ફડણવીસને નાણાંની ઓફર તેમ જ બ્લેકમેઇલના પ્રયાસના કેસમાં ‘ગેરકાયદે’ ધરપકડ અંગે બૂકી અનિલ જયસિંઘાનીએ કરેલી અરજી મુંબઈ હાઇ કોર્ટે સોમવારે ફગાવી દીધી હતી.
જસ્ટિસ એ.એસ. ગડકરીના વડપણ હેઠળની ખંડપીઠે જણાવ્યું હતું કે કોઇ પણ પાત્રતા વિના આ અરજીને રદબાતલ કરવામાં આવે છે.
અમૃતા ફડણવીસે મલબાર હિલ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદને આધારે ૨૦ ફેબ્રુઆરીએ અનિલ જયસિંઘાની અને તેની પુત્રી અનિક્ષા સામે ગુનો દાખલ કરાયો હતો.
આ કેસમાં અનિક્ષાની ૧૭ માર્ચે ધરપકડ કરવામાં આવી હતી અને સેશન્સ કોર્ટે ૨૭ માર્ચે તેના જામીન મંજૂર કર્યા હતા.
આ કેસમાં બાદમાં અનિલ જયસિંઘાનીની ગુજરાતથી ધરપકડ કરવામાં આવી હતી અને હાલ તે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.
અનિલે હાઇ કોર્ટમાં કરેલી અરજીમાં દાવો કર્યો હતો કે ૧૮ માર્ચે તેની ગેરકાયદે ધરપકડ કરવામાં આવી હતી અને કાયદામાં ફરજિયાત હોવા છતાં ૨૪ કલાકમાં તેને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો નહોતો.
તેના વકીલ મૃગેન્દ્ર સિંહે દલીલ કરી હતી કે મારા અસીલને ધરપકડના ૩૬ કલાક બાદ મુંબઈની કોર્ટમાં હાજર કરાયો હતો. આ કેસની તમામ બાબત પર ફરિયાદીના પતિ અને નાયબ મુખ્ય પ્રધાન બારીકાઇથી નજર રાખી રહ્યા છે.
રાજ્યના એડવોકેટ જનરલ બ્રિરેન્દ્ર સરાફે આરોપ નકાર્યા હતા અને કહ્યું હતું કે પોલીસે તમામ પ્રક્રિયાનું યોગ્ય રીતે પાલન કર્યું હતું અને જયસિંઘાનીને કોર્ટમાં સમયસર હાજર કરવામાં આવ્યો હતો. પોલીસે ૧૯ માર્ચે જયસિંઘાનીને માત્ર તાબામાં લીધો હતો. તેઓ મુંબઈની કોર્ટમાં તેને હાજર કરવા માગતા હતા.
ધરપકડના દસ્તાવેજ અનુસાર જયસિંઘાનીની ૨૦ માર્ચે સાંજે પાંચ વાગ્યે ધરપકડ કરાઇ હતી અને તેને ૨૧ માર્ચે સેશન્સ કોર્ટમાં રિમાન્ડ માટે હાજર કરાયો હતો. (પીટીઆઇ) ઉ