Homeઉત્સવમૃણાલિની સારાભાઈ અને કેપ્ટન લક્ષ્મીની માતા અમ્મુ સ્વામીનાથન: વિશ્ર્વવિખ્યાત નૃત્યાંગના અને વીરાંગનાના...

મૃણાલિની સારાભાઈ અને કેપ્ટન લક્ષ્મીની માતા અમ્મુ સ્વામીનાથન: વિશ્ર્વવિખ્યાત નૃત્યાંગના અને વીરાંગનાના માતા

-ટીના દોશી

એક એવી સ્ત્રી જેને શાળાએ જવાનો મોકો ન મળ્યો હોય, પણ લગ્ન પછી ભણવાની તક મળતાં અંગ્રેજી શીખી હોય, સામાજિક પ્રવૃત્તિઓમાં સહભાગી થાય, સ્વતંત્રતા સંગ્રામમાં સક્રિય થાય, મહિલાભારત સંઘની સ્થાપનામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હોય, બંધારણ સભામાં સ્થાન મેળવ્યું હોય અને લોકસભામાં તથા રાજ્યસભામાં સભ્ય બની હોય… કહો જોઉં, આ સ્ત્રીની ઓળખાણ પડે છે?
શૂન્યથી શિખરે પહોંચનાર આ નારીની ઓળખાણ ન પડી હોય તો એમની બીજી ઓળખ આ રહી : ભરતનાટ્યમનાં મશહૂર નૃત્યાંગના મૃણાલિની સારાભાઈ અને નેતાજી સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ ફોજનાં રાણી ઝાંસી રેજિમેન્ટનાં કેપ્ટન લક્ષ્મીનાં એ માતા હતાં. કેપ્ટન લક્ષ્મી અને મૃણાલિની સારાભાઈ જેટલાં પ્રખ્યાત થયાં, એમનાં માતાએ પોતાના સમયમાં એમનાથીયે વધુ ખ્યાતિ પ્રાપ્ત કરેલી!
એમનું નામ અમ્મુ સ્વામીનાથન. વીસમી સદીના બીજા દસકમાં તેઓ રાજકીય રીતે પ્રવૃત્ત થયેલાં. ૧૯૧૪થી તેમણે રાજકીય આંદોલનમાં ઝુકાવેલું. મહિલા અધિકારો માટેના આંદોલનમાં સહભાગી થયેલાં. ૧૯૧૭માં કમલાદેવી ચટ્ટોપાધ્યાય, એની બેસન્ટ, મુતુલક્ષ્મી રેડ્ડી, માલતી પટવર્ધન, અંબુજામ્મ્લ અને અન્ય મહિલાઓ સાથે મળીને વિમેન્સ ઈન્ડિયા એસોસિયેશનની સ્થાપના કરેલી. મહાત્મા ગાંધીથી પ્રભાવિત થઈને ૧૯૩૪માં ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસમાં જોડાયાં. વીસમી સદીના ત્રીજા-ચોથા દાયકામાં તેઓ કૉંગ્રેસનો મુખ્ય ચહેરો બની ગયેલાં. ૧૯૪૨માં ભારત છોડો આંદોલનમાં ભાગ લીધો. એક વર્ષનો જેલવાસ વેઠવો પડ્યો. ૧૯૪૬માં મદ્રાસ પ્રાંતમાંથી બંધારણસભામાં ચૂંટાયાં. ૧૯૫૨માં તમિળનાડુના ડિંડિગુલથી પ્રથમ લોકસભામાં ચૂંટાયાં અને ૧૯૫૪માં રાજ્યસભામાં. સિનેમાના શોખને પગલે ફેડરેશન ઓફ ફિલ્મ સોસાયટી એન્ડ સેન્સર બોર્ડનાં ઉપપ્રમુખ બન્યાં. ભારત સ્કાઉટસ એન્ડ ગાઈડસનાં પ્રમુખ તરીકે ૧૯૬૦થી ૧૯૬૫ના પાંચ વર્ષના ગાળામાં કાર્યરત રહ્યાં. ૧૯૭૫માં આંતરરાષ્ટ્રીય મહિલા વર્ષના ઉદઘાટનના અવસરે એમને ‘મધર ઓફ ધ યર’ ઘોષિત કરવામાં આવેલાં! જોકે બંધારણસભામાં સભ્ય તરીકે અમ્મુએ કરેલું યોગદાન સૌથી મહત્ત્વનું ગણાય છે!
અમ્મુ સ્વામીનાથનનો જન્મ ઓગણીસમી સદીના અંત ભાગમાં તત્કાલીન બ્રિટિશ ભારતની મદ્રાસ પ્રેસિડેન્સીમાં અને આજના કેરળના પલક્કડ જિલ્લામાં આંકારા ગામમાં અમ્મુકુટ્ટી તરીકે થયેલો. તારીખ ૨૨ એપ્રિલ ૧૮૯૪.અમ્મુના બાળપણમાં પિતા ગોવિંદ મેનનનું મૃત્યુ થઈ ગયેલું. એથી માતા સાથે મોસાળમાં જ ઉછેર થયો. તેર ભાઈબહેનોમાં અમ્મુ સૌથી નાની હતી. સહુની લાડકી. પરિવારની મુખિયા માતા મક્કમ મનોબળવાળી હતી. એમના મજબૂત વ્યક્તિત્વનો પ્રભાવ અમ્મુ પર પડ્યો. એ જમાનામાં ઘરથી દૂર ભણવા માટે માત્ર છોકરાઓને મોકલવામાં આવતા. એથી અમ્મુ શાળાએ ન જઈ શકી.
અમ્મુ તેર વર્ષનાં થયાં ત્યારે એમનાં લગ્ન સુબ્બારામ સ્વામીનાથન સાથે થયાં. અમ્મુની જેમ જ સ્વામીનાથનના પિતાનું અવસાન પણ તેમના નાનપણમાં થયેલું. પોતાની કુશાગ્ર બુદ્ધિને કારણે સ્વામીનાથન પોતાનાથી આગળના ધોરણના વિદ્યાર્થીઓને ભણાવી શકતા. આ રીતે ટ્યુશન કરીને એમણે પોતાનું ને ભાઈબહેનોનું શિક્ષણ પૂરું કર્યું. તેમની પ્રતિભા અને અધ્યયનશીલતાથી પ્રભાવિત થઈને ગોવિંદ મેનને સ્વામીનાથનને આર્થિક મદદ કરેલી. સ્વામીનાથને બી.એ. પછી કાનૂનની પરીક્ષા પસાર કરી. મદ્રાસના દયા મહાવિદ્યાલયમાં થોડો વખત પ્રાધ્યાપક રહ્યા. પછી એ જ વિદ્યાલયમાં પ્રાચાર્ય બન્યા. એ વખતની સન્માનિત ગિલ ક્રાઈસ્ટ શિષ્યવૃત્તિ મળી. સ્વામીનાથને વિલાયત જઈને શિક્ષણ પૂરું કર્યું. ૩૭ વર્ષની ઉંમરે ભારત પાછા ફર્યા.
સુબ્બારામ સ્વામીનાથન હવે લગ્ન કરીને ઠરીઠામ થવા ઈચ્છતા હતા. એ આંકારા પહોંચ્યા ત્યારે ગોવિંદ મેનનના નિધન અંગે જાણ્યું. સ્વામીનાથને અમ્મુની માતા સમક્ષ પ્રસ્તાવ મૂક્યો કે, એમની કોઈ દીકરી લગ્નલાયક હોય તો પોતે તેને પરણવા ઉત્સુક છે. અમ્મુની માતાએ કહ્યું કે, સૌથી નાની દીકરી જ બાકી છે. એ વખતે અમ્મુની વય તેર વર્ષ હતી અને સ્વામીનાથનની ઉંમર એના કરતાં વીસ વર્ષ કરતાં પણ વધુ હતી. અમ્મુની માતા દીકરીને આવડા મોટા પુરુષ સાથે પરણાવવા તૈયાર નહોતાં. તેમણે એમ કહીને પ્રસ્તાવ નકારી દીધો કે અમ્મુ અત્યંત ચંચળ સ્વભાવની છે, પણ સ્વામીનાથને અમ્મુ સાથે એકાંતમાં વાત કરવાની ઈચ્છા દર્શાવી. બન્ને એકાંતમાં મળ્યાં. સ્વામીનાથનને અમ્મુ અને અમ્મુની વાતો ગમી ગયાં. તેમણે સીધું જ પૂછી લીધું, ‘તું મારી સાથે લગ્ન કરીશ?’
અમ્મુ બાળપણથી જ સ્પષ્ટવક્તા ને આખાબોલાં હતાં. એમણે ચોખ્ખા શબ્દોમાં કહ્યું, ‘હું લગ્ન કરવા તૈયાર છું. પણ મારી કેટલીક શરતો છે. હું ગામડામાં નહીં, શહેરમાં રહીશ. અને હું ક્યાં જાઉં છે ને ક્યાંથી આવું છું, એ સંદર્ભમાં મને ક્યારેય કોઈ સવાલ ન કરવો. કારણ કે મેં શરૂઆતથી જ જોયું છે કે મારા ઘરમાં મારા ભાઈઓને કોઈ પ્રશ્ર્ન કરવામાં આવતા નહોતા.’
સ્વામીનાથને તમામ શરતો સ્વીકારી લીધી અને ૧૯૦૮માં બેયનાં લગ્ન થયાં. એમણે લંડન જઈને કોર્ટ મેરેજ પણ કર્યાં. એ વખતે કોઈ બ્રાહ્મણ નીચલી જાતિની ક્ધયા સાથે લગ્ન કરે તો એ પગલું ક્રાંતિકારી ગણાતું હતું. એથી આ લગ્નની ચર્ચા પણ થઈ અને વિવાદ પણ. બ્રાહ્મણ સમાજે આ લગ્નનો ઘોર વિરોધ કર્યો, પણ સ્વામીનાથને ટીકા અને નિંદાની પરવા કર્યા વિના અમ્મુને આગળ વધવા પ્રોત્સાહન આપ્યું. કથીર કંચનમાં પરિવર્તિત થવા લાગ્યું. લગ્ન પછી તરત અમ્મુનું શિક્ષણ શરૂ થયું. અંગ્રેજી ભાષા અને આચારવિચાર શીખવા માટે અંગ્રેજ શિક્ષિકા મિસ જોર્ડનની નિમણૂક કરવામાં આવી. પાષાણને ટાંકણાથી ઘડીને પ્રતિમા ઘડવામાં આવે એમ અમ્મુનું શિલ્પમાં રૂપાંતર થયું. દરમિયાન. ગોવિંદ,લક્ષ્મી, મૃણાલિની અને સુબ્બારામનાં માતા બન્યાં.
મિસ જોર્ડન શિસ્તનાં ચુસ્ત આગ્રહી. એ અમ્મુને કહેતાં, ‘બાળકોને પ્રેમથી નહીં, ભયમાં રાખો.’ અમ્મુ આ વિચારોમાં માનતાં. એમને ચા-પાર્ટીઓમાં જવાનું, જમવા જવાનું, ટેનિસ રમવાનું
અંગ્રેજો અને અન્ય ઉચ્ચ વર્ગના લોકોને મળવાનું ગમતું. એમનો દિવસ આવા જ કાર્યક્રમોમાં પસાર થતો. એથી સામાન્ય ગૃહિણીની જેમ એ બાળકોમાં ગૂંચવાયાં નહોતાં. કેપ્ટન લક્ષ્મી વિશે પુસ્તક લખનાર ડૉ. રોહિણી ગવાણકરે નોંધ્યું છે કે, ‘અમ્મુને લોકો મદ્રાસની રાણી કહેતાં. એ વખતમાં એમના જેવી મહેમાનગતિ કરનારી ગૃહિણી મળવી મુશ્કેલ હતી. અમ્મુ મહેમાનો, મહેમાનોના આતિથ્ય અને ભોજન સમારંભોમાં ખાસ ધ્યાન આપતાં… એના મૂળમાં સ્વામીનાથન હતા. અમ્મુની નાની વયને કારણે તેમના પર આધુનિક વિચારોનું સંસ્કરણ કરવામાં સ્વામીનાથન સફળ થયા. એ વખતે પત્નીને એક દાસી અથવા માત્ર ઉપભોગની વસ્તુ સમજવામાં આવતી. સ્વામીનાથનની દ્રષ્ટિ જુદી હતી. તેમનું ઘર પત્નીના નામ પર હતું. તેમણે એવી આર્થિક વ્યવસ્થા પણ કરી રાખેલી કે તેમના મૃત્યુ બાદ પણ અમ્મુ સ્વતંત્ર રીતે રહી શકે. પોતાની મિલકતમાં પણ પુત્રપુત્રીઓનો સરખો ભાગ રાખ્યો હતો. સવારની કોફી એ પોતે બનાવતા અને પત્નીને પણ પાતા.’
સ્વામીનાથનની પ્રેરણાથી અમ્મુ સાર્વજનિક જીવનમાં સક્રિય થયાં. મહિલા ભારત સંઘની સ્થાપનામાં યોગદાન આપ્યું. ભારત છોડો આંદોલનમાં ભાગ લેવા બદલ વેલ્લોર જેલમાં એક વર્ષની સજા વેઠવી પડી.૧૯૪૬માં મદ્રાસમાંથી બંધારણ સભાનો હિસ્સો બન્યાં. બંધારણ સભા સમિતિમાં માત્ર પંદર મહિલાઓનો સમાવેશ કરવામાં આવેલો. એમાંનાં એક અમ્મુ પણ હતાં. અમ્મુએ બંધારણસભાના પ્રવચનમાં બંધારણ ઘડવાના કાર્યના વ્યાપ અને સમાજ પર એના પ્રભાવ ઉપરાંત મૂળભૂત અધિકારો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અંગે વાત કરેલી. તેમણે પોતાના સંક્ષિપ્ત પ્રવચનમાં બંધારણના કદ પર ભાર મૂકતાં કહેલું કે, ‘હું એવું દ્રઢપણે માનું છું કે બંધારણ દળદાર નહીં, પણ એક નાનકડું પુસ્તક હોવું જોઈએ. એટલું નાનું કે ગજવામાં અથવા પર્સમાં રહી જાય…’
બહુમુખી પ્રતિભા ધરાવતાં અમ્મુનું ૪ જુલાઈ ૧૯૭૮ના મૃત્યુ થયું. એમની બન્ને દીકરીઓ કેપ્ટન લક્ષ્મી સહેગલ અને મૃણાલિની સારાભાઈ પણ માતાની જેમ જ પોતપોતાના ક્ષેત્રમાં પ્રખ્યાત થયાં. આવી મા-દીકરીઓની જોડી જોઈને જ કહેવાયું હશે કે, મોરનાં ઇંડાં ચીતરવાં ન પડે!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -