મુંબઈ: મુંબઈના રસ્તા પર અભિનેતા અમિતાભ બચ્ચન અને અભિનેત્રી અનુષ્કા શર્માને અલગ અલગ કિસ્સામાં લિફ્ટ આપનારા બાઇકસવારોને હેલ્મેટ વિના વાહન હંકારવા બદલ મુંબઈ પોલીસે દંડ ફટકાર્યો છે.
મુંબઈના રસ્તાઓ પર હેલ્મેટ વિના બાઇકસવારી માટે ચાલકો થકી અમિતાભ બચ્ચન અને અનુષ્કા શર્માને અમે દંડ્યા છે, એમ વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું હતું.
આ દંડ બે અલગ અલગ ઘટનામાં લાગુ કરવામાં આવ્યો છે. બાઇક પર સવારી કરવા સમયે હેલ્મેટ ફરજિયાત પહેરવાનો નિયમ છે. અમિતાભ અને અનુષ્કાના લિફ્ટ લીધેલા ફોટા વાયરલ થયા બાદ અમુક લોકોએ સોશિયલ મીડિયા પર મુંબઈ પોલીસનું ધ્યાન દોર્યું હતું.
ટ્રાફિક પોલીસે બાદમાં બંને બાઇકસવારો સામે મંગળવારે ચલાન ફાડ્યા હતા, જેની નકલો પોતાના ટ્વિટર હેન્ડલ પર મૂકી છે.
અનુષ્કા તાજેતરમાં એક બાઇક પર સવાર થયેલી જોવા મળી હતી. અનુષ્કા અને બાઇકસવારે હેલ્મેટ પહેર્યું નહોતું. નેટિઝન્સે આ અંગે ટીકા કરી હતી અને અમુક લોકોએ પોલીસના ટ્વિટર હેન્ડલ પર ક્લિપ્સ ટૅગ કરીને આ બાબત ધ્યાનમાં લાવી દીધી હતી.
આની નોંધ લેતાં પોલીસે બાઇકસવાર વિરુદ્ધ રૂ. 10,500ના દંડનું ચલાન ફાડ્યું છે. મોટર વેહિકલ એક્ટની વિવિધ કલમ હેઠળ આ ચલાન ફાડવામાં આવ્યું હતું અને બાઇકસવારે દંડ ભરી પણ દીધો છે, એમ મુંબઈ પોલીસે ટ્વીટ કર્યું છે.
અમિતાભ બચ્ચન પણ થોડા દિવસ અગાઉ શહેરના ટ્રાફિકમાંથી પ્રવાસ કરવા માટે બાઇક પર લિફ્ટ લેતા જોવા મળ્યા હતા. તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ સવારીનો ફોટો મૂક્યો હતો, જેમાં બંનેએ હેલ્મેટ પહેર્યું નહોતું તે સ્પષ્ટ દેખાતું હતું.
નેટિઝન્સે મુંબઈ પોલીસના ધ્યાનમાં આ વાત લાવી હતી. મુંબઈ પોલીસે ટ્રાફિક પોલીસને આની જાણ કરી હતી. ટ્રાફિક પોલીસે મંગળવારે મોડી રાતે ટ્વીટ કર્યું, ‘રૂ. 1,000નું ચલાન ફાડવામાં આવ્યું છે અને ચાલકે દંડ ચૂકવી દીધો છે. (પીટીઆઇ)