કિબિથુ (અરુણાચલ પ્રદેશ): કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહે ચીનની નારાજગી અને વિરોધને અવગણીને અરુણાચલ પ્રદેશના કિબિથુમાં ‘વાઈબ્રન્ટ વિલેજ’ પ્રોગ્રામ શરૂ કરાવતા જણાવ્યું હતું કે અરુણાચલ પ્રદેશ ભારતનો અવિભાજય ભાગ છે. દેશની એક ઈંચ જમીન પણ કોઈ આંચકી નહીં શકે.કેન્દ્રના ગૃહ ખાતાના પ્રધાન અમિત શાહ સોમવાર, તા. ૧૦મી એપ્રિલે અરુણાચલ પ્રદેશની મુલાકાતે ગયા છે. અમિત શાહના આ પ્રવાસ સામે ચીને વાંધો દર્શાવ્યો છે. ચીનના વિદેશ પ્રધાનના
પ્રવક્તાઓ આ અંગે જણાવ્યું હતું કે આ મુલાકાત સરહદને યોગ્ય નથી. ગૃહ પ્રધાનની આ મુલાકાતને કારણે ચીનની ક્ષેત્રિય સર્વોપરિતાનું ઉલ્લંઘન થયું છે અને ચીન આ વાતનો વિરોધ કરે છે કેમકે જંગનાનએ ચીનનો ભાગ છે.
આ અગાઉ, કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહ આસામના દિબ્રુગઢ પહોંચ્યા હતા, જ્યાં મુખ્ય પ્રધાન હિંમત બિશ્ર્વા સરમાએ તેમનું સ્વાગત કર્યું હતું. ત્યાંથી અમિત શાહ અરુણાચલ પ્રદેશ ગયા હતા. જ્યાં તેમણે ભારત-ચીનની સરહદની નજીક આવેલાં એક ગામડાં કિબિથુમાં ‘વાઈબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ’ની શરૂઆત કરી હતી. આ વર્ષના બજેટમાં સરકારે વાઈબ્રન્ટ વિલેજ કાર્યક્રમની જાહેરાત કરી હતી. કિબિથુ ગામથી ચીનની સરહદ માત્ર એક કિલોમીટર દૂર છે.
ગૃહ પ્રધાને અરુણાચાલ પ્રદેશના અન્જો જિલ્લાના કિબિથુમાં આઈટીબીપીના જવાનો સાથે વાતચીત કરી હતી. ગૃહ પ્રધાન મંગળવારે આસામના દિબ્રુગઢમાં જાહેરસભાને સંબોધિત કરવાના છે, તદ્દઉપરાંત ભાજપનાં જિલ્લા કાર્યાલયની શિલારોપણ વિધિ પણ કરશે. ગૃહ પ્રધાન ૧૧મી એપ્રિલે નમતી ક્ષેત્ર જશે અને વાલોંગ યુદ્ધ સ્મારક પર શ્રદ્ધાંજલિ આપશે.
ગૃહ પ્રધાનના ખાતા તરફથી શનિવારે જારી કરાયેલા એક નિવેદનમાં જણાવાયું હતું કે, વડા પ્રધાન મોદીના નેતૃત્ત્વમાં ભારત સરકારના નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩થી લઈને ૨૦૨૫-૨૬ માટે રૂા. ૪,૮૦૦ કરોડ રૂપિયાની કેન્દ્રીય ફાળવણી સાથે ‘વાઈબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ’ (વીવીપી)ને મંજૂરી આપવામાં આવી છે, જેમાં રૂા. ૨,૫૦૦ કરોડ રૂપિયાની ફાળવણી ખાસ માર્ગ સંપર્ક માટે કરવામાં આવી છે.
વીવીપી એક કેન્દ્ર દ્વારા પ્રાયોજિત યોજના છે. જેમાં ઉત્તરીય સરહદ સાથેનાં અરુણાચલ પ્રદેશ સિક્કીમ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ જેવાં રાજ્યો અને કેન્દ્ર શાસિત લદાખના ૧૯ જિલ્લાના ૪૬ બ્લોકના ૨,૯૬૭ ગામની વ્યાપક વિકાસ માટે પસંદગી થઈ છે.
ચીન અને ભારતના સૈનિકો વચ્ચે સન-૨૦૨૦માં લદાખના ગલવાનમાં મુઠભેડ પછી તનાવ રહેલો છે. ગયા વર્ષના ડિસેમ્બર મહિનામાં અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે મુઠભેડ થઈ હતી. (પીટીઆઈ)
————————————————————–
જ્ઞાનવાપી: સર્વોચ્ચ અદાલત ૧૪મી એપ્રિલે વઝુ અંગેની સુનાવણી હાથ ધરશે
નવી દિલ્હી: રમઝાનના મહિના દરમિયાન વારાણસીમાં આવેલી જ્ઞાનવાપી મસ્જિદના સંકુલમાં ‘વઝુ’ કરવાની પરવાનગી માંગતી અન્જુમન ઈન્તેઝામિયા મસ્જિદ સમિતિની અરજીની સુનાવણી ૧૪મી એપ્રિલે કરવા માટે સર્વોચ્ચ અદાલત સોમવારે સંમત થઈ હતી.
આ વિસ્તારમાં ‘શિવલિંગ’ મળી આવ્યાનો દાવો થયા પછી એ વિસ્તારના સંરક્ષણ માટે સર્વોચ્ચ અદાલતે ગયા વર્ષના ડિસેમ્બર મહિનામાં આદેશ જારી કર્યો હતો.
આ બાબત મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય. ચંદ્રચૂડની ખંડપીઠ સમક્ષ રજૂ કરવામાં આવી છે. મસ્જિદ સમિતિ વતી હાજર રહેલાં સિનિયર વકીલે સર્વોચ્ચ અદાલતને જણાવ્યું હતું કે અત્યારે રમઝાન મહિનો ચાલી રહ્યો છે ત્યારે આ અંગેની સુનાવણી ખંડપીઠ જલદીથી હાથ ધરે તો યોગ્ય વ્યવસ્થા ગોઠવી શકાય.
વકીલે એમ પણ જણાવ્યું હતું કે અત્યારે વઝુ માટેનું પાણી ત્યાં રાખેલાં ડ્રમમાંથી લેવામાં આવે છે અને રમઝાનને કારણે નમાઝ કરનારાઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.
તેનાં જવાબમાં મુખ્ય ન્યાયમૂર્તિ કહ્યું હતું કે ન્યાયમૂર્તિ સૂર્યકાંતના સમાવેશ સાથેની ખંડપીઠ આ બાબતની સુનાવણી ૧૪મી એપ્રિલે હાથ ધરશે. (પીટીઆઈ)