કેન્દ્રીય પ્રધાન અને ભાજપના કદાવર નેતા અમિત શાહ ગાંધીનગરના સાંસદ છે. આ વખતે તેઓ ઉત્તરાયણ પર્વની પોતાના મતવિસ્તારમાં આવેલા કલોલમાં ઉજવશે, તેમ જાણવા મળ્યું છે. શાહ આમ તો મોટે ભાગે દર વર્ષે ઉત્તરાયણ માટે અમદાવાદ આવે છે. તેઓ અઠવાડિયાના અંતમાં અમદાવાદ આવશે. જગન્નાથ મંદિરના દર્શન કરશે અને તે બાદ પરિવાર સાથે કલોલ જશે. કહેવાય છે કે કલોલ ઘણા સમયથી કોંગ્રેસનો ગઢ બન્યો છે. જોકે, આ વખતે વિધાનસભામાં ભાજપે ભગવો લહેરાવ્યો છે, પરંતુ નવા પડકારો ઊભા ન થાય તે માટે શાહ કલોલ પર ધ્યાન આપતા હોવાનું કહેવાય છે.
થોડા સમય પહેલા અહીં ક્રિક્રેટ ગ્રાઉન્ડનું પણ ઉદ્ધઘાટન કરવામાં આવ્યું હતું. કલોલ રાજકીય દષ્ટિએ મહત્વનું તો છે જ, પણ અહીં જ્ઞાતિના સમીકરણો અટપટ્ટા છે. શાહ ભાજપના ચાણક્ય કહેવાય છે. પક્ષ લોકસભાની તૈયારી પણ કરી રહ્યું છે. આથી શાહ પતંગ ચગાવવા સાથે રાજકીય પેચ પણ લડાવતા જોવા મળે તેવું પણ બને. જોકે તેમની આ મુલાકાતની સત્તાવાર જાણકારી મળી નથી. આ મુલાકાત વ્યક્તિગત રહેશે તેમ જાણવા મળ્યું હતું.