અરુણાચલમાં મંત્રી અને સિનિયર IAS ઓફિસર વાઈબ્રન્ટ વિલેજમાં રાત્રિ રોકાણ કરશે
કેન્દ્રની મોદી સરકાર વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર આવેલા ગામોને વિકસાવવા માટે એક ફૂલપ્રૂફ યોજના તૈયાર કરી રહી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે તાજેતરમાં અરુણાચલ પ્રદેશના કિબિતુ ગામની મુલાકાત લઈને વાઈબ્રન્ટ વિલેજ પ્રોગ્રામનું ઉદ્ઘાટન કર્યું હતું અને તેમણે કિબિતુ ગામમાં ગ્રામજનો વચ્ચે રાત્રિ રોકાણ પણ કર્યું હતું.
ગૃહ મંત્રાલયના સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ જ તર્જ પર બોર્ડર વિલેજ પ્રોગ્રામના પ્રથમ તબક્કામાં વિકાસ કાર્યક્રમ અંતર્ગત કેન્દ્ર સરકારના મંત્રીઓ અને આઈએએસ અધિકારીઓ વાઈબ્રન્ટ વિલેજના 662 ગામોમાં જઈને ગ્રામજનો સાથે રાત્રિ વિશ્રામ કરશે. તેઓ ગામમાં વાઈબ્રન્ટ વિલેજ કાર્યક્રમની પણ સમીક્ષા કરશે. ભારતની આ કાર્યવાહીથી ચીનના પેટમાં તેલ રેડાશે અને તેને મરચા લાગશે એ તો નક્કી જ છે. નોંધનીય છે કે મોદી સરકાર આ યોજનાને મોટા પાયે વધુ સારી રીતે લાવી રહી છે. કેન્દ્ર સરકારની વાઈબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ યોજના હેઠળ 5 રાજ્યોના

662 સરહદી ગામોનો અગ્રતાના ધોરણે વિકાસ કરવામાં આવશેઃ-
સરકારે 4 રાજ્યોમાં 19 જિલ્લાના 46 બોર્ડર બ્લોકમાં અને અરુણાચલ પ્રદેશ, હિમાચલ પ્રદેશ, સિક્કિમ, ઉત્તરાખંડ અને લદ્દાખના 1 કેન્દ્રશાસિત પ્રદેશમાં 2967 ગામો માટે વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ (VVP)ને મંજૂરી આપી છે. આ 2967 ગામોમાંથી, ઉપરોક્ત રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં અગ્રતાના ધોરણે કવરેજ અને વિકાસ માટે 662 ગામોની ઓળખ કરવામાં આવી છે. તેમાં અરુણાચલ પ્રદેશના 455, હિમાચલ પ્રદેશના 75, કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખના 35, સિક્કિમના 46 અને ઉત્તરાખંડના 51 સરહદી ગામોનો સમાવેશ થાય છે. આ માટે કેન્દ્ર સરકારે 4800 કરોડ રૂપિયા પણ ફાળવ્યા છે.
વાઈબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ શું છે?:-
તાજેતરમાં કેબિનેટ દ્વારા વાઈબ્રન્ટ વિલેજને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારના નિર્ણય અનુસાર ભારત-ચીન બોર્ડર પરના ગામો જે પહેલા ભૂતિયા ગામોમાં પરિવર્તિત થયા હતા તે હવે વાઇબ્રન્ટ થશે. કેન્દ્ર સરકારે આ માટે 4800 કરોડ રૂપિયા ફાળવ્યા છે. એટલું જ નહીં, આ વાઇબ્રન્ટ ગામોના રસ્તાઓના વિકાસ માટે 2500 કરોડ રૂપિયા આપવામાં આવશે. આ બધા ગામ ભારત-ચીન સરહદ પર વસેલા છે અને પડોશી દેશના વિવિધ છમકલાંઓનો સૌથી વધુ ભોગ બને છે. આ ગામડાઓમાં સરહદી કાર્યક્રમ જે પહેલાથી ચાલી રહ્યો છે તેને અલગ બજેટ ફાળવવામાં આવ્યું છે. અહીં પ્રવાસનને પણ પ્રોત્સાહન આપવામાં આવશે.આ સાથે કેન્દ્ર સરકારના અધિકારીઓ પણ અહીં જશે અને વિકાસ કાર્ય યોગ્ય રીતે ચાલી રહ્યું છે કે નહીં તેની સમીક્ષા પણ કરશે. આ ગામ લદ્દાખ, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને સિક્કિમના સરહદી ગામ છે, જ્યાં વાઈબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ વધુ સારી રીતે ચલાવવામાં આવશે.
LAC નજીકના સેંકડો ગામો જ્યાં કોઈ રહેતું નથી. કેન્દ્ર સરકાર આ ગામોને જીવંત બનાવવા માટે ઝડપી ગતિએ કામ કરી રહી છે:-
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ભારત-ચીન બોર્ડર પાસે એવા સેંકડો ગામો છે જ્યાં કોઈ રહેતું નથી, ગ્રામીણો વર્ષમાં માત્ર એક જ વાર તેમના કુટુંબના દેવતાની પૂજા કરવા માટે આ ગામોમાં જાય છે. પણ હવે આ ગામ ફરીથી ધમધમતા થશે. હા, આ ગામોને વાઈબ્રન્ટ વિલેજ બનાવવા માટે કેન્દ્ર સરકાર ઘણા મોટા પગલા લઈ રહી છે. સૂત્રોએ જણાવ્યું છે કે ચીન સરહદની નજીક આવેલા આ ભૂતિયા ગામોમાં શહેરોના ઘરોમાં ઉપલબ્ધ તમામ સુવિધાઓ હશે, સાથે જ અહીં રહેતા લોકોને આસપાસના વિસ્તારમાં નોકરી આપવામાં આવશે, જેથી તેઓ સ્થળાંતર ન કરે.
સરહદ પર રહેતા લોકો અને ગામડાઓ દેશ માટે વ્યૂહાત્મક સંપત્તિ છે’:-
તત્કાલીન ગૃહ પ્રધાન અને હવે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ઘણા ભાષણોમાં આ વાત કહી છે. સરહદના ગામોમાં પાયાની સુવિધાના અભાવે ત્યાંથી થતાં સ્થળાંતર અટકાવવાના પ્રયાસો પણ હાથ ધરાયા છે. સરકાર માટે સૌથી મોટી સમસ્યા આ વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર છે. કારણ કે સ્થળાંતરના કારણે માત્ર ગામડાઓ ખાલી નથી થતા, પરંતુ સેનાને પણ અનેક પડકારોનો સામનો કરવો પડે છે. આ વિસ્તારોમાં વસ્તીની હાજરી ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે સ્થાનિક લોકો ન માત્ર સરહદ પારની ગતિવિધિઓ પર નજર રાખે છે પરંતુ સેનાને ઘણી મહત્વપૂર્ણ માહિતી પણ આપે છે.

થોડા સમય પહેલા એવા ઘણા અહેવાલો આવ્યા હતા કે ચીન સરહદને અડીને આવેલા પોતાના ગામોમાં સંરક્ષણ માળખાના નિર્માણમાં વ્યસ્ત છે. એટલું જ નહીં, ચીન આ સરહદી ગામોમાં રહેતા લોકોને નિઃશસ્ત્ર લડાઈની યુક્તિઓ પણ શીખવી રહ્યું છે. સૂત્રોનું માનીએ તો ચીન ભારત-ચીન સરહદની નજીકના તેના વિસ્તારના 500 થી 600 ગામડાઓને સરહદની નજીક ફરીથી વસાવીને મજબૂત કરવામાં વ્યસ્ત છે અને આ ગામોમાં તે આધુનિક વ્યવસ્થા કરી રહ્યું છે. આ સાથે પીપલ્સ લિબરેશન આર્મી પણ આ વિસ્તારમાં પોતાની ડિફેન્સ પોસ્ટ, ડિફેન્સ ટાવરને મજબૂત બનાવી રહી છે.
Traveled from Kibithoo to Walong, known as India’s easternmost road. The smooth surface road along a remote frontier manifests PM @narendramodi Ji’s vision to develop border areas.
The #VibrantVillagesProgram will further boost connectivity and development in border villages. pic.twitter.com/tNOb0JpzEa
— Amit Shah (@AmitShah) April 12, 2023
ચીન સરહદ નજીકના પોતાના ગામોમાં પોતાની વ્યૂહાત્મક સ્થિતિને મજબૂત કરવા માટે સંરક્ષણ માળખાગત સુવિધાઓ વિકસાવી રહ્યું છે, સાથે જ અહીં તેની સંરક્ષણ શક્તિ અને માનવ બળને મજબૂત કરવા માટે આ ગામોને આધુનિક બનાવી રહ્યું છે. હવે ભારત પણ તેના વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ થકી ચીનને ભીંસમાં લેવા આતુર છે, જેથી ચીનેન પણ સમજાય કે આ નવું ભારત છે.