કોલ્હાપુરઃ બે દિવસની મહારાષ્ટ્રની મુલાકાતે આવેલા કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ આજે કોલ્હાપુર ખાતે આવ્યા છે અને તેમણે કોલ્હાપુરમાં કરેલા ભાષણમાં જણાવ્યું હતું કે 2024માં ભાજપનો જ વિજય થશે. બાકીના લોકો પણ ભાજપ સાથે આવશે અને ચૂંટણી લડીને સત્તામાં આવશે.
કોલ્હાપુર ખાતે લોકોને સંબોધન કરતાં ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે 2024માં દેશમાં કમળ જ ખીલશે. બાકીના (ઠાકરે જુથના શિવસૈનિકો) પણ ભાજપ સાથે આવશે. 2024માં ભાજપ-શિવસે સાથે લડશે અને વિજય મેળવશે, એવી ભવિષ્યવાણી પણ તેમણે ઉચ્ચારી હતી. ઉદ્ધવ ઠાકરે પર નિશાનો સાધતા શાહે વધુમાં એવું પણ જણાવ્યું હતું કે સત્તા માટે તેમણે વિપક્ષનું શરણુ સ્વીકાર્યું હતું. મુખ્ય પ્રધાનનું પદ સામે દેખાયું અને ઠાકરેના મોઢામાંથી લાળ પડવા લાગી.
અત્રે ઉલ્લેખનીય છે કે ગૃહપ્રધાન અમિત શાહ છેલ્લાં બે દિવસથી મહરાષ્ટ્રની મુલાકાતે આવ્યા છે અને શિવ જયંતિ નિમત્તે યોજાયેલા કાર્યક્રમોમાં હાજરી આપી હતી. તેમણે પત્ની સોનલ સાથે કોલ્હાપુરના મહાલક્ષ્મી મંદિરની મુલાકાત પણ લીધી હતી. એ સમયે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પણ તેમની સાથે હતા.