‘પીડારહિત આત્મહત્યા કેવી રીતે કરવી’ એવું સર્ચ કરનારા યુવાનના કમ્પ્યુટરના આઈપી એડ્રેસ સહિતની વિગતો પોલીસને આપી
મુંબઈ: ‘પીડારહિત આત્મહત્યા કેવી રીતે કરવી’ તે અંગે ગૂગલ પર સર્ચ કરનારા યુવાનની મહત્ત્વની માહિતી અમેરિકાની કાનૂની સંસ્થા દ્વારા પૂરી પાડવામાં આવ્યા પછી મુંબઈ પોલીસે તાત્કાલિક પગલાં લઈને એ યુવાનને શોધી કાઢ્યો હતો અને તેને ઘાતકી પગલું ભરવાથી રોક્યો હતો, એમ એક અધિકારીએ જણાવ્યું
હતું.
અધિકારીએ જણાવ્યું હતું કે યુએસ નૅશનલ સેન્ટ્રલ બ્યૂરો-ઈન્ટરપોલ દ્વારા આપવામાં આવેલા આઈપી એડ્રેસ અને લોકેશન જેવી મહત્ત્વની માહિતીને આધારે મુંબઈ પોલીસે મંગળવારે બપોરે યુવાનને શોધી કાઢ્યો હતો. યુવાન મુંબઈના કુર્લા વિસ્તારની આઈટી કંપનીમાં કામ કરતો હોવાનું જાણવા મળ્યું હતું.
કુર્લાની કંપનીમાં પહોંચેલી પોલીસે યુવાનને આવું ઘાતકી પગલું નહીં ભરવા યુવાનને સમજાવ્યો હતો અને તેનો જીવ બચાવ્યો હતો. યુવાન જોગેશ્ર્વરીનો રહેવાસી છે અને ખાનગી કંપનીમાં આઈટી એન્જિનિયર તરીકે કામ કરતો હતો. તેણે શિક્ષણ અને અન્ય આવશ્યકતાઓ માટે વિવિધ નાણાકીય સંસ્થાઓ પાસેથી લોન લીધી હતી. તે હાઉસિંગ લોનના હપ્તા પણ ભરી શકતો નહોતો. ડિપ્રેશનમાં સરી પડેલો યુવાન પીડારહિત આત્મહત્યા કેવી રીતે કરવી તે અંગેની માહિતી ઑનલાઈન સર્ચ કરવા લાગ્યો હતો. યુએસ સ્થિત એજન્સીએ આ માહિતી મળતાં જ નવી દિલ્હીમાં ઈન્ટરપોલ ઑફિસને જાણકારી આપી હતી, જેણે મુંબઈ પોલીસને માહિતી પૂરી પાડી હતી. માહિતીને આધારે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે યુવાનને શોધી કાઢ્યો હતો.
યુવાનને ક્રાઈમ બ્રાન્ચની ઑફિસમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં તેનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. તેણે અગાઉ પણ ત્રણથી ચાર વાર જીવનનો અંત આણવાનો પ્રયાસ કર્યો હતો.
કાઉન્સેલિંગ પછી તેને તેના વાલીઓ સાથે ઘરે મોકલી દેવાયો હતો. તેને સાઈકોથેરપી લેવાની સલાહ આપવામાં આવી હતી, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
(પીટીઆઈ)ઉ